સલીમ ખાને મને હંમેશાં દીકરીની જેમ રાખી છે

19 February, 2026 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલીમ ખાનને મંગળવારે ખરાબ તબિયતને કારણે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

સલમાન ખાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલી

બૉલીવુડના જાણીતા સ્ક્રિપ્ટરાઇટર અને સલમાન ખાનના પિતા સલીમ ખાનને મંગળવારે ખરાબ તબિયતને કારણે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન સોશ્યલ મીડિયા પર ઘણી વાર સલમાન ખાનની ટીકા કરતી રહેલી તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ હવે સલીમ ખાન માટે એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે, જેમાં તેણે સલીમ ખાનને પિતા સમાન ગણાવ્યા છે.

સોમી અલીએ પોતાની પોસ્ટમાં એ દિવસોને યાદ કર્યા હતા જ્યારે તે સલીમ ખાનના ઘરે રહેતી હતી. તેણે લખ્યું કે સલીમ ખાન તેને દીકરી જેવી માનતા હતા. પોસ્ટમાં તેણે કહ્યું છે, ‘સલીમ ખાન હૉસ્પિટલમાં દાખલ થયા છે એ સાંભળીને મારું દિલ તૂટી ગયું છે. દુનિયા માટે સલીમ ખાન એક મહાન અને પ્રસિદ્ધ લેખક છે જેમણે અમિતાભ બચ્ચન જેવા કલાકારોને ઓળખ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને ‘શોલે’ જેવી યાદગાર ફિલ્મો રચી, પણ મારા માટે તેઓ પિતા સમાન હતા. તેમના ઘરે રહેતી ત્યારે તેમણે મને દીકરી જેવો પ્રેમ કર્યો હતો. મને સાથે બેસીને ભોજન કરાવવામાં આવતું અને જેમાં દરેક ધર્મનું સન્માન થતું હતું એવી ધાર્મિક ચર્ચાઓમાં પણ સામેલ કરવામાં આવતી.’

સોમી અલીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે, ‘સલીમ ખાને મને શીખવ્યું કે ઈશ્વર કોઈ પણ સિદ્ધાંત કરતાં મહાન છે અને સ્ટોરીટેલિંગમાં ડ્રામાના આવરણમાં હંમેશાં સત્ય હોવું જોઈએ. તેમની પ્રતિભાએ સિનેમાના ઇતિહાસમાં સ્થાન બનાવ્યું છે અને તેમની માનવતાએ અનેક લોકોને પ્રેરણા આપી છે. હું તેમની શક્તિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. તેઓ મારા માટે શાબ્દિક લાગણી કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે.’

salim khan Salman Khan entertainment news bollywood bollywood news bollywood gossips