04 March, 2026 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનની ફાઇલ તસવીર
સલમાન ખાનના પિતા અને લેખક સલીમ ખાનની તબિયત અચાનક બગડી જતાં ૧૭ ફેબ્રુઆરીએ તેમને લીલાવતી હૉસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. ૯૦ વર્ષના સલીમ ખાનને માઇનર બ્રેઇન-હૅમરેજ થયું હતું. શરૂઆતમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને બીજા દિવસે નાની સર્જરી કરવામાં આવી હતી. હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ ધીમે-ધીમે સાજા થઈ રહ્યા છે.
સલીમ ખાન હજી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી અને હૉસ્પિટલમાં દેખરેખ હેઠળ છે. પિતાની હાલતને ધ્યાનમાં રાખીને સલમાને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તે પોતાની નવી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’નું શૂટિંગ હવે બાંદરામાં આવેલા મેહબૂબ સ્ટુડિયોમાં પૂર્ણ કરશે, જેથી એ સમયાંતરે હૉસ્પિટલ જઈ પિતાની મુલાકાત લઈ શકે. મેહબૂબ સ્ટુડિયો હૉસ્પિટલથી નજીક હોવાથી શૂટિંગ દરમ્યાન પણ તે સરળતાથી હૉસ્પિટલ પહોંચી શકે છે. આ સિવાય પણ સલમાન સતત ડૉક્ટરો અને પરિવાર સાથે સંપર્કમાં છે.
હાલમાં સલમાન ‘બૅટલ ઑફ ગલવાન’નું એક મોટું ગીત શૂટ કરી રહ્યો છે જે જલદી પૂર્ણ થવાનું છે. શૂટિંગમાં મોટી ટીમ સામેલ હોવાથી તે કામ રોકવા માગતો નહોતો, પરંતુ પિતાની સંભાળ પણ જરૂરી છે. સ્ટુડિયો બદલવાના નિર્ણયથી બન્ને બાબતોનું સંતુલન સાધી શકાયું છે.