21 November, 2025 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
સની દેઓલ અને સલમાન ખાન બન્ને માટે આગામી વર્ષ બહુ ધમાકેદાર રહેવાનું છે. એક તરફ સલમાનની ‘બૅટલ ઑફ ગલવાન’ અને ‘રાજા શિવાજી’ રિલીઝ થવાની છે તેમ જ સની દેઓલ ‘બૉર્ડર 2’ અને ‘ગબરુ’માં જોવા મળશે. ‘ગબરુ’ આવતા વર્ષે માર્ચમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે અને રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં સની દેઓલ સાથે સલમાન ખાન પણ જોવા મળશે. ‘ગબરુ’માં સલમાનનો કૅમિયો હશે અને એ વાર્તામાં મોટો ટ્વિસ્ટ લાવશે. જોકે અત્યાર સુધી સલમાનના કૅમિયોના સમાચાર સીક્રેટ રાખવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ‘ગબરુ’માં એક મોટા સ્ટારની જરૂર હતી અને મેકર્સને ખબર હતી કે આ રોલ માટે સલમાન એકદમ ફિટ છે. આ સંજોગોમાં સલમાનનો સંપર્ક કરવામાં આવ્યો અને તેને આ રોલ ગમ્યો હતો. એ પછી સલમાને ચૂપચાપ એનો ભાગ શૂટ કરી લીધો હતો.
સલમાન અને સની વચ્ચે બહુ સારી મિત્રતા છે પણ તેમણે હજી સુધી એક વખત જ સાથે કામ કર્યું છે. સની અને સલમાને ૧૯૯૬ની ફિલ્મ ‘જીત’માં સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ બન્ને ૨૦૦૮ની ફિલ્મ ‘હીરોઝ’માં દેખાયા હતા, પરંતુ એમાં તેમણે સ્ક્રીન શૅર નહોતી કરી.