12 May, 2025 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સીઝફાયરની જાહેરાત પછી ટ્વીટ કરવાને કારણે સલમાન ખાન સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બન્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તનાવ અને સીઝફાયરની જાહેરાત પછી ટ્વીટ કરવાને કારણે સલમાન ખાન સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બન્યો છે. ૧૦ મેની સાંજે ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી, જેના થોડા કલાકો બાદ સલમાન ખાને સોશ્યલ મીડિયા પર પર ટ્વીટ કર્યું, ‘Thank God for the ceasefire.’ જોકે આ ટ્વીટને થોડી જ મિનિટોમાં ડિલીટ કરવામાં આવી, પરંતુ એના સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયા, જેના કારણે વિવાદ ઊભો થયો.
સલમાનના આ ટ્વીટની ટીકા થવાનું મુખ્ય કારણ તેમની સીઝફાયર પહેલાંની આ મામલે રાખેલી ચુપકીદી હતી. ૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલાના જવાબમાં ભારતે ૭ મેએ ઑપરેશન સિંદૂર હાથ ધરીને ૯ આતંકી ઠેકાણાંઓને નષ્ટ કર્યાં હતાં. આ ઘટનાઓ દરમ્યાન સલમાને ન તો પહલગામ હુમલા પર કોઈ દુ:ખ વ્યક્ત કર્યું, ન તો ભારતીય સેનાના પરાક્રમની પ્રશંસા કરી.
સલમાનના ટ્વીટ પછી યુઝર્સે સલમાન પર આરોપ લગાવ્યો કે તે યુદ્ધવિરામની વાત તો કરે છે, પરંતુ આતંકી હુમલાના શિકાર લોકો અને ભારતીય સૈનિકોના બલિદાનને નજરઅંદાજ કરી રહ્યો છે. આ વિવાદ એટલો વધી ગયો કે આખરે સલમાને ટ્વીટ ડિલીટ કરી નાખી. જોકે ટ્વીટ ડિલીટ કર્યા પછી પણ સલમાનની સોશ્યલ મીડિયામાં ટીકા થઈ રહી છે. જોકે સલમાનના ફૅન્સ તેનો બચાવ કરીને દલીલ કરે છે કે ‘સલમાને ટ્વીટ કર્યું અને તરત જ પાકિસ્તાને યુદ્ધવિરામ તોડ્યો એટલે તેણે ટ્વીટ ડિલીટ કર્યું, તો એમાં શું ખોટું?’