10 December, 2025 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાન હવે રિયલ એસ્ટેટની દુનિયામાં પગ મૂકવાનો છે. તેની કંપની ‘સલમાન ખાન વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ’એ તેલંગણ સરકાર સાથે એક કરાર પર સાઇન કર્યા બાદ રાજ્યમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો વિશાળ ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપ પ્રોજેક્ટ જાહેર કર્યો છે. તેલંગણમાં સલમાનનો આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ અંદાજે ૫૦૦ એકર જમીન પર વિકસાવવામાં આવશે. અહીં રહેણાક, બિઝનેસ, મનોરંજન અને સ્પોર્ટ્સ જેવી તમામ સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. આ ટાઉનશિપનો હેતુ શહેરી જીવનને એક નવા અને વર્લ્ડ-ક્લાસ અંદાજમાં રજૂ કરવાનો છે.
રિપોર્ટ પ્રમાણે આ ટાઉનશિપમાં એવા વિસ્તારો હશે જ્યાં ઑફિસ અને દુકાનો એકસાથે હશે. આ સાથે જ બ્રૅન્ડેડ રહેણાક મકાનો, લક્ઝરી હોટેલ્સ, હાઈ-એન્ડ રીટેલ ઝોન અને મોટાં મનોરંજન કૉમ્પ્લેક્સ પણ બનાવવામાં આવશે. પ્રોજેક્ટમાં રમત-ગમત અને મનોરંજન માટે વિશાળ સ્તરે વ્યવસ્થા કરવામાં આવશે.
આ ટાઉનશિપમાં એક અત્યાધુનિક ફિલ્મ સ્ટુડિયો પણ હશે, જે તેલંગણને મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનનું મહત્ત્વનું કેન્દ્ર બનાવવા મદદ કરશે.