✕

ભારતમાં હવે મને પહેલાં જેવી શાંતિનો અહેસાસ નથી થતો

05 October, 2026 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેખર સુમનના શોમાં સંજય દત્તનું ચર્ચાસ્પદ વિધાન, નરેન્દ્ર મોદી પર પણ કટાક્ષ : શોમાં પાંચ મિનિટ માટે દેશના PM બનીને વડા પ્રધાનને ટોણો મારતાં કહ્યું કે આ ખુશી મનાવવા હું વિદેશ નથી જવાનો, ટ્રમ્પને મિસાઇલને બદલે ગુલદસ્તો મોકલવાની સલાહ આપી

સંજય દત્ત શેખર સુમનના ટૉક-શો `શેખર ટુનાઇટ`માં

સંજય દત્તે શેખર સુમનના ટૉક-શો `શેખર ટુનાઇટ`ના ગાંધી જયંતી સ્પેશ્યલ એપિસોડમાં પોતાના લોકપ્રિય પાત્ર `મુન્નાભાઈ`ના અંદાજમાં રાજકીય કટાક્ષ રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. શો દરમ્યાન તેણે દેશના વર્તમાન માહોલ વિશે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભારતમાં હવે તેને પહેલાં જેવી શાંતિ અનુભવાતી નથી.

દેશની પરિસ્થિતિ વિશે વાત કરતાં સંજય દત્તે કહ્યું હતું કે ‘આ દેશના લોકો ખૂબ પ્રેમાળ છે. અહીં શાંતિ હોવી જોઈએ. આપણા દેશમાં હવે મને એ શાંતિનો અહેસાસ થતો નથી. આપણે ભારતીયો મોટા દિલના અને આતિથ્યશીલ છીએ. આપણે ઘણું આપ્યું છે અને આપણે હંમેશાં એવા જ રહેવું જોઈએ. હું શિવજીને પ્રાર્થના કરું છું કે એ દિવસો વહેલી તકે પાછા ફરે.’

પાંચ મિનિટ માટે બન્યો PM

શોના આખરી સેગમેન્ટમાં સંજય દત્તને પાંચ મિનિટ માટે દેશના પ્રાઇમ મિનિસ્ટર (PM) બનવાની કલ્પના કરાવીને દેશવાસીઓને સંદેશ આપવાનું કહેવામાં આવ્યું હતું. તેણે તરત જ મુન્નાભાઈની બોલચાલની શૈલી અપનાવીને કહ્યું હતું કે ‘ચાલો, દેશમાં કંઈક તો ચાલી રહ્યું છે. મારા વહાલા દેશવાસીઓ, આજે તમારો PM બનીને મને ખૂબ આનંદ થયો છે. શરીરમાં અલગ જ પ્રકારના તરંગ દોડી રહ્યા છે. આટલો મોટો દેશ, આટલા બધા લોકો અને હવે એ બધાની જવાબદારી મારા પર છે.’

ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પરોક્ષ કટાક્ષ કરતાં તેણે હળવા અંદાજમાં ઉમેર્યું, ‘પરંતુ તમારે લોકોએ જરાય ટેન્શન લેવાની જરૂર નથી. હું આ ખુશી મનાવવા વિદેશ નથી જવાનો. હું અહીં જ રહીશ, તમારા બધાની વચ્ચે. નહીં તો પછી PM અને જનતા વચ્ચે કનેક્શન કેવી રીતે બનશે?’

ચોથા વાંદરાની જરૂરિયાત

ગાંધીજીના પ્રખ્યાત ત્રણ વાંદરાઓનો ઉલ્લેખ કરતાં સંજય દત્તે કહ્યું, ‘હું ગાંધીજીને ખૂબ માનું છું. ગાંધીજીના ત્રણ વાંદરા વિશે બધા જાણે છે... ખરાબ ન જુઓ, ખરાબ ન સાંભળો, ખરાબ ન બોલો; પરંતુ આજે ચોથા વાંદરાની પણ જરૂર છે. જો કોઈ ખરાબ જોશે તો તેને સુધારશે કોણ? જો ત્રણેય વાંદરા આંખ, કાન અને મોં બંધ કરીને બેસી જશે તો દેશ કેવી રીતે ચાલશે?’

ફોટો ઓછા કરો

આ ઉપરાંત જાહેર સ્થળોએ નેતાઓના ફોટોગ્રાફ્સ લગાવવાના ચલણ પર કટાક્ષ કરતાં સંજય દત્તે કહ્યું, ‘PM તરીકે મને કામ કરવાની તક મળી છે તો હું એક કામ કરીશ. જ્યાં-જ્યાં PMના ફોટો લાગ્યા છે ત્યાં હું ઓછા કરી નાખીશ. દેશને દેશનો ફોટો દેખાવો જોઈએ. જ્યાં પોતાનો ફોટો લગાવવાનું મન થાય ત્યાં ગાંધીજીનો ફોટો લગાવવો જોઈએ, કારણ કે ગાંધીજીના વિચારો જોવા વધુ જરૂરી છે. મારો ફોટો તો હું પછી પણ પડાવી શકું છું, પરંતુ દેશને પહેલાં ફ્રેમમાં લાવવો જરૂરી છે.’

ટ્રમ્પ મામુને ગાંધીગીરી શીખવાની સલાહ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફ-નીતિઓ અને વૈશ્વિક તનાવ પર રમૂજી ટિપ્પણી કરતાં સંજય દત્તે કહ્યું, ‘જો દેશને ફ્રેમમાં લાવવો હોય તો દુનિયાને પણ સાથે રાખવી પડશે. હું જોઈ રહ્યો છું કે ટ્રમ્પ મામુ આખી દુનિયાને આઉટ ઑફ ફ્રેમ કરવામાં લાગ્યા છે. શાંતિ પ્રેમથી બને છે અને પ્રેમ ગાંધીગીરીથી આવે છે. ટ્રમ્પ મામુને થોડી ગાંધીગીરી શીખવવી પડશે. દુનિયામાં મિસાઇલો પહેલેથી જ ઘણી છે, હવે થોડો પ્રેમ પણ એક્સપોર્ટ કરવો જોઈએ. ક્યાંય મિસાઇલ મોકલવાનું મન થાય તો પહેલાં ગુલદસ્તો મોકલવો જોઈએ અને કોઈને ધમકી આપવાને બદલે ઘેર ચા પીવા બોલાવીને વાત ઉકેલવી જોઈએ.’

આ સેગમેન્ટના અંતે તેણે કહ્યું, ‘હું અમેરિકા આવી રહ્યો છું, તમને જાદુ કી જપ્પી આપવા.’

sanjay dutt shekhar suman gandhi jayanti narendra modi india united states of america donald trump entertainment news bollywood bollywood news