30 March, 2025 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ, સારા અલી ખાન
બૉલીવુડમાં આલિયા ભટ્ટની ગણતરી ટોચની અભિનેત્રીઓમાં થાય છે. ૨૦૨૩માં તેને ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળી ચૂક્યો છે. ૨૦૨૨નું વર્ષ આલિયા માટે ખાસ રહ્યું છે. એ વર્ષે એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં અને નવેમ્બરમાં દીકરી રાહાને જન્મ આપ્યો. એ વર્ષે તેને પ્રતિષ્ઠા આપનારી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પણ રિલીઝ થઈ હતી. આ તમામ ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરીને સારા અલી ખાને કબૂલ કર્યું છે કે તેને આલિયાની સતત વધી રહેલી સફળતાની ઈર્ષા થાય છે.
એક ઇન્ટરવ્યુમાં સારાએ કહ્યું કે ‘આલિયાને જ્યારે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે નૅશનલ અવૉર્ડ મળ્યો ત્યારે મને થયું કે ભગવાન... આને તો આ પણ મળી ગયો. તેની પાસે પોતાનું સંતાન પણ છે. હવે તો આની લાઇફ એકદમ સેટ છે. જોકે મને ખબર નથી કે આ સ્તર સુધી પહોંચવા માટે તેને કેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હશે. તેણે પણ પડકારો અને નિરાશાઓનો સામનો કર્યો હશે. દરેક સિક્કાની બે બાજુ હોય છે. જ્યારે આપણે બીજાની ઈર્ષા કરીએ છીએ ત્યારે આપણને માત્ર તેની સફળતા દેખાય છે અને આપણી ઇચ્છા એવી જ સફળતા મેળવવાની હોય છે, પણ આપણે એની પાછળ એ વ્યક્તિના સમર્પણને નથી જોતા. ઈર્ષાનો મતલબ જ છે વૈચારિક અંધાપો.’