01 April, 2026 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન અંધેરીનો તેનો બંગલો ભાડે આપીને પાંચ વર્ષમાં કમાશે ૪.૧૪ કરોડ રૂપિયા
સારા અલી ખાને અંધેરી-વેસ્ટમાં આવેલો પોતાનો બંગલો ભાડે આપ્યો હોવાની માહિતી મળી છે. રિપોર્ટ પ્રમાણે સારાએ અંધેરી-વેસ્ટના ઓલ્ડ લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલી બેલ્સકોટ કોઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો બંગલો પાંચ વર્ષ માટે ભાડે આપ્યો છે. આ ડીલનું કુલ ભાડું આશરે ૪.૧૪ કરોડ રૂપિયા નક્કી થયું છે.
આ કરાર મુજબ શરૂઆતમાં દર મહિને ૬.૫ લાખ રૂપિયા ભાડું રહેશે. ત્રીજા વર્ષથી દર વર્ષે પાંચ ટકા જેટલો વધારો કરવામાં આવશે. આ પ્રમાણે પાંચ વર્ષમાં ભાડાની કુલ રકમ ૪.૧૪ કરોડ રૂપિયા સુધી પહોંચશે.
દસ્તાવેજ મુજબ આ બંગલો આશરે ૪૫૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે અને એમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળ (G+1) સ્ટ્રક્ચર છે. આ ભાડાની ડીલ ૨૭ માર્ચે નોંધાઈ હતી. કરાર મુજબ પાંચ વર્ષનો લીઝ-પિરિયડ છે જેમાં ૩ વર્ષનો લૉક-ઇન સમયગાળો છે.
આ પ્રૉપર્ટી પ્રૉડિજી મૉન્ટેસરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ભાડે લીધી છે જે અહીં સ્કૂલસંબંધિત પ્રવૃત્તિઓ ચલાવશે. આ માટે કંપનીએ ૨૦ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ પણ ચૂકવી છે.