21 November, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરૂખ ખાન અને શરદ કપૂર
એક સમયે શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘જોશ’માં કામ કરી ચૂકેલો શરદ કપૂર હાલમાં ભારે મુશ્કેલીભર્યા દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે. આ તબક્કે તેણે બૉલીવુડના કલાકારો પાસે કામ આપવા માટે મદદ પણ માગી હતી. આ પછી સોનુ સૂદથી લઈને સલમાન ખાન સુધીના અનેક કલાકારો તેને મદદ કરવા માટે આગળ આવ્યા હતા. આ સંજોગોમાં સલમાન પછી હવે શાહરુખ ખાને પણ શરદની મદદ માટે હાથ લંબાવ્યો છે. શરદે તાજેતરમાં જણાવ્યું હતું કે શાહરુખે પોતે તેને ફોન કર્યો હતો. આ સાથે જ તેણે શાહરુખ સાથે ફોન પર શું વાતચીત થઈ હતી એ વિશે પણ ખુલાસો કર્યો હતો.
શાહરુખ સાથે થયેલી વાતચીત વિશે વાત કરતાં શરદે કહ્યું હતું કે ‘હું કામ માગી રહ્યો હતો એનો વિડિયો વાઇરલ થયા બાદ શાહરુખે મને તરત જ ફોન કર્યો હતો. તેણે મને કહ્યું કે તારે જે કરવું હોય એ કર અને હું તારી મદદ કરીશ. હું ટૂંક સમયમાં જ આર્યન ખાનને પણ મળવાનો છું.’
ફિલ્મ ‘જોશ’ના શૂટિંગ દરમ્યાન શાહરુખ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં શરદે કહ્યું હતું કે ‘જ્યારે અમે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અમારી વચ્ચે ખૂબ જ સારું બૉન્ડિંગ હતું. જ્યારે પણ શાહરુખને કોઈ સંવાદ બોલવામાં મુશ્કેલી પડતી ત્યારે હું તેની મદદ કરતો, પછી ભલે એ દૃશ્યમાં મારે તેની સામે અભિનય કરવાનો હોય. હું માત્ર એટલું જ ઇચ્છતો હતો કે અમે એક સારી ફિલ્મ બનાવીએ. શાહરુખ આત્મવિશ્વાસથી ભરપૂર ઍક્ટર છે. તે ખૂબ મોટો માણસ છે.’