રામાયણમાં ક્યાંય પણ માતા સીતાના વાંકડિયા વાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી

27 July, 2026 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં આ પાત્ર માટે સાઈ પલ્લવીની પસંદગી વિશે દીપિકા ચીખલિયાએ આપી પ્રતિક્રિયા

દીપિકા ચીખલિયા અને સાઈ પલ્લવી

ડિરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’ની જાહેરાત થઈ ત્યારથી જ એનાં પાત્રોની પસંદગી ચર્ચામાં છે. હવે રામાનંદ સાગરની ઐતિહાસિક ટીવી-સિરિયલ ‘રામાયણ’માં માતા સીતાની યાદગાર ભૂમિકા ભજવનાર દીપિકા ચીખલિયાએ ફિલ્મમાં સાઈ પલ્લવી દ્વારા ભજવવામાં આવી રહેલી માતા સીતાની ભૂમિકા વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
સાઈ પલ્લવીની સીતા માતાના રોલ માટે થયેલી પસંદગી વિશે દીપિકા ચીખલિયાએ કહ્યું હતું કે ‘મેં સાઈ પલ્લવીનું કામ જોયું છે. તે ખૂબ જ શાનદાર અભિનેત્રી છે પણ તે માતા સીતાના પાત્રમાં કેવી લાગશે એ વિશે હું અત્યારે કંઈ કહી શકું એમ નથી. જ્યારે આપણે તેને આ પાત્રમાં જોઈશું ત્યારે જ સાચો અંદાજ આવશે. હાલ તો મને કોઈ ખ્યાલ નથી. તુલસીદાસજીની ‘રામાયણ’માં માતા સીતાનું વર્ણન કરતી વખતે બદામ જેવી આંખો, ચોક્કસ ઊંચાઈ, વાળ અને ત્વચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘રામાયણ’માં ક્યાંય પણ માતા સીતાના વાંકડિયા વાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રામાનંદ સાગર એવી જ છબી શોધી રહ્યા હતા અને તેમને એ મારા અંદર જોવા મળી હતી. મને ખબર છે કે આ ફિલ્મના બધા જ કલાકારો સારા અભિનેતા છે. જો તેઓ પાત્રને અનુરૂપ હશે તો એ સારી વાત છે. લોકો મને આજે પણ સીતા તરીકે જ ઓળખે છે. ઘણી વખત લોકોને મારું નામ યાદ નથી રહેતું, પણ તેમને યાદ રહે છે કે મેં માતા સીતાની ભૂમિકા ભજવી હતી. એ જ મારી ઓળખ છે. મને લાગે છે કે અમારી ‘રામાયણ’નો પ્રભાવ નવી ફિલ્મ પર ખૂબ ભારે પડશે. કોરોના મહામારી દરમ્યાન જ્યારે દૂરદર્શન પર અમારી ‘રામાયણ’નું ફરી પ્રસારણ થયું હતું ત્યારે નવી પેઢીએ પણ એને ખૂબ પસંદ કરી હતી. આમ લોકોના મનમાંથી એ યાદોને ભૂંસી નાખવી ખૂબ મુશ્કેલ છે.’

sai pallavi ranbir kapoor Arun Govil yash naveen kumar gowda ravi dubey sunny deol vivek oberoi rakul preet singh ramayan entertainment news bollywood news bollywood buzz bollywood controversies bollywood gossips bollywood events bollywood