26 December, 2025 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમની પ્લેયર્સ
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ચોથી સીઝનની શરૂઆત પ્રિયંકા ચોપડા સાથેના એપિસોડ સાથે થઈ ગઈ છે અને હવે આ શોમાં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમની પ્લેયર્સ જોવા મળવાની છે. કપિલ શર્માના શોના આ એપિસોડનો પ્રોમો બુધવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રોમોમાં કપિલ સાથે કૅપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમા રૉડ્રિગ્સ, શફાલી વર્મા, રિચા ઘોષ, રેણુકા સિંહ ઠાકુર, દીપ્તિ શર્મા, હરલીન દેઓલ, રાધા યાદવ, પ્રતીકા રાવલ જેવી પ્લેયર્સ જોવા મળે છે. ટીમનો હેડ કોચ અમોલ મઝુમદાર પણ આ શોમાં જોડાયો હતો. જોકે આ બધામાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની ગેરહાજરી સ્પષ્ટ વર્તાઈ આવે છે.
એવું લાગે છે કે સ્મૃતિની પર્સનલ લાઇફમાં તાજેતરમાં જ ઊથલપાથલ થઈ એ પછી તેણે આ પ્રોગ્રામમાં જવાનું ટાળ્યું છે. સ્મૃતિ ૨૩ નવેમ્બરે સંગીતકાર અને ફિલ્મમેકર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરવાની હતી, પણ છેલ્લી ઘડીએ આ લગ્ન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યાર બાદ થોડા દિવસ પહેલાં સ્મૃતિએ આ લગ્ન રદ થઈ ગયાં હોવાની ઘોષણા કરી હતી.