સમજદાર સોનુ નિગમ

11 February, 2026 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્સર્ટમાં ભીડમાં ખોવાઈ ગયેલું બાળક સ્ટેજ પર પહોંચી જતાં અકળાઈ જવાને બદલે શાંતિથી સમસ્યા ઉકેલી લીધી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

જાણીતા સિંગર સોનુ નિગમે સોમવારે હુબલીમાં થયેલી પોતાની તાજેતરની કૉન્સર્ટનો એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે પર્ફોર્મન્સ દરમ્યાન ખોવાયેલા એક બાળકને તેના પરિવારને શોધવામાં મદદ કરતો નજરે ચડે છે. હકીકતમાં આ કૉન્સર્ટમાં ૩૦,૦૦૦ લોકોની ભીડમાં ખોવાઈ ગયેલો શ્રી સાઈ નામનો છોકરો સોનુ નિગમ પાસે સ્ટેજ પર પહોંચી ગયો હતો. એ સમયે સોનુએ ગીત ગાઈને ગભરાયેલા શ્રી સાઈને શાંત કર્યો હતો. એ પછી કૉન્સર્ટની પ્રોડક્શન ટીમે બાળકના કાકાને શોધી કાઢ્યા હતા. સોનુએ પોતે આગળ વધીને બાળકને તેના કાકાને સોંપ્યો હતો. આમ કૉન્સર્ટમાં એકાએક આવી પડેલી કટોકટીની પરિસ્થિતિમાં સોનુએ દાખવેલી સમજદારી અને તેના પ્રેમાળ સ્વભાવની ચાહકો દ્વારા દિલ ખોલીને પ્રશંસા કરવામાં આવી છે.

પ્રમોશન પુરજોશમાં

તસવીરો : શાદાબ ખાન અને સતેજ શિંદે

૧૩ ફેબ્રુઆરીએ શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીને ચમકાવતી ‘ઓ રોમિયો’ અને ૨૦ ફેબ્રુઆરીએ સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરને ચમકાવતી ‘દો દીવાને શહર મેં’ રિલીઝ થવાની છે. હવે આ ફિલ્મોની રિલીઝને ગણતરીના દિવસોની જ વાર હોવાને કારણે સ્ટાર જોડીઓ ફિલ્મોના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગઈ કાલે શાહિદ અને તૃપ્તિ બાંદરાના ગેઇટી-ગૅલૅક્સી થિયેટરની બહાર ‘ઓ રોમિયો’નો પ્રચાર કરતાં તેમ જ સિદ્ધાંત અને મૃણાલ અંધેરી-વેસ્ટમાં એક ઇવેન્ટમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરતાં કૅમેરામાં ક્લિક થઈ ગયાં હતાં.

સની દેઓલ પહોંચ્યો રોડ ટુ હેવન

‘બૉર્ડર 2’ની ભવ્ય સફળતાનો આનંદ માણી રહેલા સની દેઓલે હાલમાં કચ્છના ‘રોડ ટુ હેવન’ની મુલાકાત લીધી હતી. સનીએ સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાના આ પ્રવાસનો વિડિયો શૅર કર્યો જેમાં તે કચ્છના વિશાળ સફેદ રણ અને સંધ્યાના રંગોને નિહાળી રહ્યો છે. આ વિડિયોમાં સનીના ચહેરા પર તે કુદરતી સૌંદર્યને માણી રહ્યો હોવાનો આનંદ સ્પષ્ટ નજરે ચડે છે.

sonu sood bollywood events karnataka siddhant chaturvedi mrunal thakur upcoming movie sunny deol kutch border o romeo shahid kapoor tripti dimri vishal bhardwaj entertainment news bollywood bollywood news