04 March, 2026 12:13 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
અસલી હાથી જેવો દેખાતો રોબોટિક હાથી છે
સોનુ સૂદ અને તેના દીકરા અયાન સૂદે હાલમાં ચેન્નઈના શ્રી શક્તિ વિનાયકર મંદિરને લાઇફ-સાઇઝ મેકૅનિકલ હાથી ભેટ આપ્યો છે. આ અસલી હાથી જેવો દેખાતો રોબોટિક હાથી છે અને એનું નામ ‘ઐરાવત’ રાખવામાં આવ્યું છે.
સોનુએ આ ભેટ PETA (પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ) ઇન્ડિયા અને પીપલ ફૉર કૅટલ ઇન ઇન્ડિયા (PFCI) સાથે મળીને આપી છે. મંદિરે અગાઉથી જ નિર્ણય લીધો હતો કે એ પોતાના ઉત્સવોમાં જીવતા હાથીઓને ન તો બોલાવશે અને ન રાખશે. હવે આ મેકૅનિકલ હાથીની મદદથી કોઈ પ્રાણીને પીડા પહોંચાડ્યા વગર પરંપરા ચાલુ રાખી શકાશે.
આ મેકૅનિકલ હાથી આપવાના નિર્ણય વિશે વાત કરતાં સોનુ સૂદે કહ્યું, ‘મંદિર દયા, ભક્તિ અને માનવતાનું સ્થાન છે. જ્યારે ભક્તિ અને દયા સાથે ચાલે છે ત્યારે ભગવાન વધુ તેજસ્વી બને છે. મને ખુશી છે કે અમે આ મેકૅનિકલ હાથી ભેટ આપ્યો છે જેથી પરંપરાઓ ચાલુ રહે અને કોઈ જીવને દુઃખ ન પહોંચે. આ ભક્તો માટે આશીર્વાદ અને હાથીઓ માટે સ્વતંત્રતા છે. મંદિરને આ મેકૅનિકલ હાથી ભેટ આપવામાં ભાગ લેવો મારા માટે ગર્વની વાત છે. આથી પૂજા-અર્ચના સુરક્ષિત અને દયાળુ રીતે થઈ શકશે અને અસલી હાથીઓ પોતાના જંગલમાં પરિવાર સાથે ખુશીથી રહી શકશે.’