12 January, 2026 08:40 AM IST | Patan | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલી વરાહી ગૌશાળામાં
હાલમાં સોનુ સૂદે ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલી વરાહી ગૌશાળામાં બાવીસ લાખ રૂપિયાનું દાન આપ્યું હોવાના રિપોર્ટ છે. સોનુ શનિવારે ત્યાં પહોંચ્યો હતો. તેણે ત્યાં ગાયોને ચારો ખવડાવ્યો અને ગૌશાળાના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. હવે એનો વિડિયો આવ્યો છે. સોનુ સૂદે પ્રાણીઓના કલ્યાણ માટે ગ્રામજનો દ્વારા થતા સતત પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી. એ દરમ્યાન તેણે સંબોધન કરતાં કહ્યું હતું, ‘આખા ગામ અને ગૌશાળાના ટ્રસ્ટીઓનું યોગદાન પ્રશંસનીય છે. હું આ સ્થળે ફરી પાછો આવીશ અને તમારા ઘરમાં જમીશ એની મને ખુશી થશે.’
સોનુ સૂદે આ પ્રયાસ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘જ્યારે હું તેમની યાત્રા જોઉં છું ત્યારે ખ્યાલ આવે છે કે જે થોડી ગાયોથી શરૂ થઈ હતી એ સંખ્યા આજે ૭૦૦૦ ગાયો સુધી પહોંચી ગઈ છે. આ ગર્વની વાત છે. જેટલું કામ આ લોકો કરે છે એટલું કદાચ હું નહીં કરી શકું, પરંતુ મેં અને અમારા ફાઉન્ડેશન તરફથી અમે બાવીસ લાખ રૂપિયાનું દાન આપ્યું છે અને આ સુંદર કાર્ય આગળ પણ ચાલતું રહે. મને અહીં જે પ્રેમ મળ્યો છે એનાથી મને ખૂબ આનંદ અને ગર્વ થાય છે. હું અહીં આવતો રહીશ. ગાયોના સંરક્ષણનું કામ અહીં ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને આવું સમગ્ર ભારતમાં અમલમાં મુકાવું જોઈએ.’