28 March, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન, સૂરજ બડજાત્યા
ફિલ્મમેકર સૂરજ બડજાત્યા જ્યારે ૧૯૮૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’નું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે સલમાન ખાન ઍક્ટર તરીકે બ્રેક મેળવવા માટે સ્ટ્રગલ કરી રહ્યો હતો. સલમાન ખાન જાણીતા લેખક સલીમ ખાનનો પુત્ર હોવા છતાં તેને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવા માટે ઘણા પડકારનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે સૂરજ બડજાત્યા પણ નવાસવા ફિલ્મમેકર હોવા છતાં શરૂઆતમાં તેઓ સલમાનને ‘મૈંને પ્યાર કિયા’ના લીડ રોલમાં સાઇન કરવા તૈયાર નહોતા.
પોતાના આ અનુભવ વિશે વાત કરતાં સૂરજ બડજાત્યાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં જ્યારે પહેલી વાર સલમાન વિશે સાંભળ્યું ત્યારે મને આશ્ચર્ય થયું કે સલીમસાહેબનો પુત્ર અમારી સાથે કામ કેમ કરશે? સલમાન પણ આ ફિલ્મ માટે ખાસ ઉત્સાહી નહોતો, કારણ કે રાજશ્રીના મોટા ભાગના હીરોની ઇમેજ ટિપિકલ હીરો કરતાં સાવ અલગ જ હોય છે. વળી સલમાનની હાઇટ બહુ ઓછી હતી. તેને ડાન્સ નહોતો આવડતો અને તે બિલકુલ હીરો જેવો નહોતો લાગતો. આને કારણે મને તે હીરો મટીરિયલ નહોતો લાગ્યો. જોકે મેં જ્યારે તેના ફોટો જોયા ત્યારે મને તેના પર થોડો ભરોસો બેઠો. ફિલ્મના નરેશન વખતે અમે જ્યારે ઇન્ટરવલ પૉઇન્ટ પર પહોંચ્યા ત્યારે અમે હાથ મિલાવ્યા અને ફિલ્મ કરવાનો નિર્ણય લીધો. મને લાગે છે કે સલમાનની સચ્ચાઈ જ તેની સૌથી મોટી તાકાત છે.’