04 January, 2025 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ
સેલિબ્રિટીઝ જ્યારે ઍરપોર્ટ પર કે કોઈ ઇવેન્ટમાં પબ્લિક વચ્ચે આવે છે ત્યારે સેફ્ટી અને સિક્યૉરિટી માટે બૉડીગાર્ડ્સથી ઘેરાયેલા રહે છે. આપણે ઘણા વાઇરલ થયેલા વિડિયો જોઈએ છીએ જેમાં ઍક્ટર્સના બૉડીગાર્ડ ફૅન્સને ધક્કો મારીને પાછળ ધકેલતા જોવા મળે છે. આવા વર્તન વિશે એક ઇન્ટરવ્યુમાં સહજ રીતે વાત કરતાં સોનુ સૂદે સ્ટાર્સની પોલ ખોલી નાખી છે.
સોનુ સૂદ કહે છે, ‘પબ્લિકમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે સ્ટાર્સ પોતાના બૉડીગાર્ડ્સને પબ્લિકમાં, ખાસ કરીને ઍરપોર્ટ પર સીન ક્રીએટ કરવાની ટ્રેઇનિંગ આપે છે. સ્ટાર્સના બૉડીગાર્ડ મોટે મોટેથી ‘હટો... હટો...’ની બૂમ પાડે છે અને સીન ક્રીએટ કરે છે એટલે જે લોકોનું ધ્યાન તેમની તરફ ન હોય એ બધાનું ધ્યાન એ તરફ ખેંચાય છે અને બધા જોવા અને જાણવા ઇચ્છે છે કે કોણ આવ્યું છે. આમ સ્ટાર્સ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે નાટક કરાવે છે. જો સ્ટાર એકલો શાંતિથી નીકળી જાય તો અમુક ફૅન્સ ફોટો પડાવવા આવે, પણ જો ધમાલ કરીને સીન ક્રીએટ કરવામાં આવે તો બધાનું ધ્યાન જાય અને તેમની નોંધ લેવાય અને સોશ્યલ મીડિયા પર પણ તેને પબ્લિસિટી મળે.’
આમ ખોટેખોટી ધમાલ કરતા બૉડીગાર્ડ્સ અને સેલિબ્રિટીઝના પબ્લિસિટી સ્ટન્ટની સોનુ સૂદે આલોચના કરી છે.