22 January, 2026 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંદિરના પૂજારીએ સુનીલ શેટ્ટી પાસે પૂજન-અર્ચન કરાવ્યું હતું
સુનીલ શેટ્ટી ગઈ કાલે ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યો હતો અને અહીં તેણે બાબા મહાકાલનાં દર્શન કર્યાં હતાં. આ સમયે સુનીલ શેટ્ટીએ નંદી હૉલમાં બેસીને વિધિવત્ શિવઆરાધના કરી હતી. આ દરમ્યાન મંદિરના પૂજારીએ સુનીલ શેટ્ટી પાસે પૂજન-અર્ચન કરાવ્યું હતું. આ દર્શન બાદ મહાકાલ મંદિર સમિતિ તરફથી સુનીલ શેટ્ટીને દુપટ્ટો ઓઢાડીને અને
પ્રસાદ-ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો. સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે તે પોતાના પરિવારની સુખ-શાંતિ માટે બાબા મહાકાલના આશીર્વાદ લેવા આવ્યો છે અને તેણે બાબાનાં દર્શનનો લાભ લીધો છે.
સુનીલ શેટ્ટીએ મીડિયા સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે તેના માટે પરિવારનું એકસાથે રહેવું અને સારું સ્વાસ્થ્ય સૌથી મોટી પૂંજી છે. આ વખતે તે ખાસ કરીને પોતાના પુત્ર અહાનની આવનારી ફિલ્મ ‘બૉર્ડર 2’ અને પુત્રી અથિયા શેટ્ટી સાથે જોડાયેલી ફિલ્મી-પ્રવૃત્તિઓની સફળતા માટે બાબા મહાકાલના આશીર્વાદ લેવા આવ્યો છે. તેણે વધુમાં કહ્યું હતું કે તેની પુત્રી ફિલ્મની નિર્માતા અને લેખન સાથે જોડાયેલી ભૂમિકામાં છે એટલે તેના કામને પણ લોકોનો પ્રેમ અને પ્રશંસા મળે એવી કામના તેણે બાબા મહાકાલ પાસે કરી છે.