23 January, 2026 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘બૉર્ડર 2’નો સીન
આજે રિલીઝ થયેલી ‘બૉર્ડર 2’ ૧૯૯૭માં રિલીઝ થયેલી જે. પી. દત્તાની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ છે. સની દેઓલ અને બીજા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ ભારતમાં સારો બિઝનેસ કરશે એવી અપેક્ષા છે. જોકે રિપોર્ટ મુજબ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સહિત અખાતી દેશોનાં થિયેટરમાં એ ફિલ્મ રિલીઝ નહીં થાય.
રિપોર્ટ પ્રમાણે ‘બૉર્ડર 2’ને હાલમાં બાહરિન, કુવૈત, ઓમાન, કતર, સાઉદી અરેબિયા અને UAEમાં રિલીઝ કરવાની મંજૂરી નથી મળી. રિપોર્ટમાં જણાવાયું છે કે ફિલ્મમાં ‘પાકિસ્તાન વિરોધી’ કન્ટેન્ટ હોવાને કારણે એની રિલીઝની સંભાવના ઓછી છે. જણાવાયા મુજબ ફિલ્મમેકર્સે રિલીઝની મંજૂરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એને સમયસર મંજૂરી મળવાની શક્યતા બહુ ઓછી છે. ‘બૉર્ડર 2’ પહેલાં રણવીર સિંહની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ પર પણ આ જ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પાકિસ્તાન સહિત ઘણા દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ લાગવાને કારણે ‘ધુરંધર’ને લગભગ ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.