09 March, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા લીડ રોલમાં છે
ડિરેક્ટર રાજકુમાર સંતોષી દ્વારા બનાવવામાં આવી રહેલી ફિલ્મ ‘લાહોર 1947’ લાંબા સમયથી વિવિધ ઉતાર-ચડાવનો સામનો કરી રહી છે. આ ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં છે. ગયા વર્ષે ફિલ્મની રિલીઝ વિશે ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તનાવને લીધે પ્રોજેક્ટ થોડા સમય માટે અટકાવી દેવામાં આવ્યો હતો. હવે ફિલ્મના નિર્માતાઓએ એક મોટો નિર્ણય લઈને ફિલ્મનું નામ બદલવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ ખાસ ચર્ચામાં છે, કારણ કે એનું પ્રોડક્શન આમિર ખાન કરી રહ્યો છે.
રિપોર્ટ મુજબ મેકર્સ નથી ઇચ્છતા કે ફિલ્મના નામમાં ‘લાહોર’ શબ્દ રહે. આ જ કારણસર તાજેતરમાં ફિલ્મનું નામ બદલીને ‘બટવારા 1947’ રાખવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ખૂબ મજબૂત છે. સની દેઓલ સિવાય ફિલ્મમાં આમિર ખાન પણ જોવા મળશે. અહેવાલ અનુસાર એ ફિલ્મમાં તે એક કૅમિયોમાં જોવા મળશે. આ સાથે જ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ જેવાં કલાકારો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મ જાણીતા નાટ્યકાર અસગર વજાહતના પ્રસિદ્ધ નાટક ‘જિસ લાહૌર નઇ દેખ્યા ઓ જમ્યાઇ નઇ’ પરથી પ્રેરિત છે. આ ફિલ્મની વાર્તા ૧૯૪૭ના ભારત-વિભાજનના સમયની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. વાર્તા એક વૃદ્ધ હિન્દુ મહિલા ‘માઈ’ની આસપાસ ફરે છે જે વિભાજન પછી પણ પાકિસ્તાનના લાહોરમાં જ રહેવાનું નક્કી કરે છે. આ પુસ્તકના હક પહેલાં ગોવિંદ નિહલાનીએ ખરીદ્યા હતા, પણ ત્યાર બાદ રાજકુમાર સંતોષીને આ વાર્તા ખૂબ ગમી અને તેણે તેમની પાસેથી હક મેળવી લીધા હતા. હવે આ ફિલ્મ ૧૩ ઑગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે અને ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા સતત વધી રહી છે.