સુપ્રિયા પાઠકને શશી અને જેનિફર કપૂરે ફિલ્મસ્ટાર બનાવી દીધાં

12 July, 2025 12:37 PM IST  |  Mumbai | Jigisha Jain

નાનાં હતાં ત્યારે ભરતનાટ્યમમાં PhD કરીને ટીચર બનવાની ઇચ્છા હતી, ઍક્ટર તો બનવું જ નહોતું. જોકે પપ્પાના અકાળ અવસાનના પગલે જીવનની દિશા બદલાઈ ગઈ. ઇચ્છા નહોતી એ છતાંય ગુજરાતી નાટક ‘મેના ગુર્જરી’ ભજવવું પડ્યું અને એ પછી...

સુપ્રિયા પાઠક

૧૯૭૧ની ૭ જાન્યુઆરી. લોકલાડીલાં નાટ્યકલાકાર દીના પાઠકનું દાદરનું ઘર. આજે તેમની નાની દીકરી સુપ્રિયાનો જન્મદિવસ છે. એની ઉજવણી છે આજે તો, પણ એ ક્યાંય દેખાતી કેમ નથી? મોટી બહેન રત્ના ઘરમાં બધે જોઈ વળી છે. દરરોજ જ્યાં કલાકો પસાર કરે છે એ બાલઉદ્યાનના બધા મિત્રો મળીને સુપ્રિયાનો જન્મદિવસ ઊજવવાના છે. રત્ના શોધતાં-શોધતાં મામાના ઘરે પહોંચે છે અને પૂછે છે કે સુપ્રિ અહીં છે? મામાએ કીધું ના, અહીં નથી આવી. મામી ચિંતામાં બહાર આવ્યાં કે ક્યાં જતી રહી? મામાએ હસતાં-હસતાં કહ્યું કે કશે નહીં, સામે દત્ત મંદિરે ગઈ હશે. સુપ્રિયા એક શાંત અને અંતર્મુખી બાળક હતી જે અતિ ધાર્મિક સંસ્કારોવાળી હતી. ઘણાં વ્રત અને અનુષ્ઠાન તે કરતી. પૂજાપાઠ તેના જીવનનો અંતરંગ ભાગ હતાં અને ક્યાંય ન મળે તો તે દત્ત મંદિરમાં ભગવાન પાસે બેઠેલી મળી જાય. મામા તેને શોધી લાવ્યા. ઘરે ખૂબ ઉત્સાહપૂર્વક બર્થ-ડેની ઉજવણી થઈ. દરેક બાળકની જેમ સુપ્રિયાને પણ મમ્મી આજે શું ગિફ્ટ આપશે એની ઇન્તેજારી હતી. ફાઇનલી મમ્મીએ દીકરીને પૅકેટ આપ્યું અને દીકરીનો ચહેરો ઊતરી ગયો. ફરી પુસ્તકો? દીનાબહેન દર વર્ષે સુપ્રિયાને જન્મદિવસની ભેટરૂપે પુસ્તકો જ આપતાં. સુપ્રિયા એ પુસ્તકો ખૂબ હોંશથી વાંચતી, કારણ કે તેને પુસ્તકો વાંચવા ગમતાં. પણ દર જન્મદિવસે પુસ્તકો? કંઈક તો બીજું લાવી શકાયને? મનમાં આવું વિચારતી સુપ્રિયા કશું બોલી નહીં પણ તેનું મોઢું જોઈને દીનાબહેન સમજી ગયાં. તેમણે તેને પ્રેમથી પોતાની પાસે ખેંચી અને કહ્યું, ‘સુપ્રિ, તને આજે ભલે ખરાબ લાગે પણ જોજે એક દિવસ આ પુસ્તકો જ તારા બેસ્ટ ફ્રેન્ડ બની જવાનાં છે.’ 
આજે ૬૪ વર્ષની ઉંમરે મમ્મીની કહેલી એ વાત યાદ કરતાં સુપ્રિયા પાઠક કપૂર કહે છે, ‘મમ્મીની એ વાત સાચી સાબિત થઈ. મારાં બાળકો પછી મારા બેસ્ટ ફ્રેન્ડ જેને હું કહી શકું એ પુસ્તકો જ છે. હું નાનપણથી પુસ્તકો વાંચતી. આજે પણ ઘણું વાંચું છું. ખુદ લખું પણ છું. નાની વાર્તાઓ મેં ઘણી લખી છે. મારી દીકરી સના સાથે મળીને મેં એક ફિલ્મ પણ લખી છે જે ટૂંક સમયમાં બનાવવાનું વિચારીએ છીએ. આમ વિચારું તો લાગે કે એક બાળક તરીકે મને ભલે નિરાશા થતી કે દર વર્ષે મમ્મી મને બર્થ-ડેમાં પુસ્તકો જ આપે છે, પણ મોટા થઈને મને સમજાયું કે મમ્મીએ મને કેટલી મોટી ભેટ આપી હતી. તેણે મને પુસ્તકો જ ભેટ નથી આપ્યાં, વાંચવાની આદત મને ભેટ આપી છે. આજે મમ્મી નથી પણ તેણે આપેલી ભેટ જીવનભર મારી સાથે રહેશે.’

મમ્મી દીના પાઠક સાથે

કરીઅર કાબિલેદાદ
‘ખિચડી’ સિરિયલની અત્યંત મૂર્ખ અને માસૂમ એવી ‘હંસા પારેખ’નું કિરદાર સુપ્રિયાબહેને એટલું ઇન્ટેલિજન્ટ્લી નિભાવ્યું કે આ કિરદારે લોકપ્રિયતાના બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે. એની સામે એમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’માં એક ક્રૂર લેડી ડૉન ધનકોરબાનું જે પાત્ર નિભાવ્યું છે એ જોઈને ભલભલા લોકો મોઢામાં આંગળાં નાખી દે. રામ ગોપાલ વર્માની ‘સરકાર’માં તેમણે જૂજ ડાયલૉગ સાથે ફક્ત સ્ક્રીન-પ્રેઝન્સ વડે જે ઑરા ઊભી કરી હતી એ એક દિગ્ગજ કલાકારની આવડત દર્શાવે છે. જૂની ફિલ્મોના શોખીન લોકોને ‘કલયુગ’ ફિલ્મની સુભદ્રા અને ‘વિજેતા’ ફિલ્મની ‘ઍના વર્ગિસ’નો માસૂમ ચહેરો યાદ જ હશે. લગભગ ૬૦ જેટલી ફિલ્મો અને ૨૩ જેટલા ટેલિવિઝન શોઝમાં કામ કરી ચૂકેલાં સુપ્રિયાબહેન છેલ્લાં ૪૪ વર્ષથી અભિનયક્ષેત્રે કામ કરી રહ્યાં છે. આજે તેઓ પોતાની બુક પર કામ કરી રહ્યાં છે અને ઍક્ટિંગની સાથે-સાથે લેખનના કામમાં પણ ઘણાં વ્યસ્ત રહે છે.

પ્રથમ ફિલ્મ ‘કલયુગ’માં

બાળપણ કેવું?
દીનાબહેનની લગ્ન પહેલાંની સરનેમ ગાંધી હતી. ગુજરાતી દીનાબહેને પંજાબી બલદેવ પાઠક સાથે લગ્ન કર્યાં હતાં. સુપ્રિયાબહેનનાં મમ્મીની સાથે પપ્પા પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા. તેઓ રાજેશ ખન્ના અને દિલીપકુમારના ડ્રેસમેકર તરીકે કામ કરતા હતા. તેમની મોટી બહેન રત્ના પાઠક શાહ પણ જાણીતાં કલાકાર છે. નાનપણથી દાદરની પારસી કૉલોનીમાં ઊછરેલાં સુપ્રિયાબહેન તેમનાં નાનીને ત્યાં વધુ રહેતાં. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મમ્મી કામમાં અત્યંત વ્યસ્ત રહેતી એટલે બા અમને સ્કૂલથી ઘરે બોલાવી લેતાં, કારણ કે તેમને એવું હતું કે બન્ને દીકરીઓ અહીં જમીને પછી ઘરે જાય. અમે વધુ સમય મામા-મામી સાથે જ રહ્યાં. એ સમયે એક દીકરી તરીકે મને મમ્મીથી એ ફરિયાદો હતી કે તે કેમ અમારી સાથે નથી રહેતી. હું તેને ખૂબ મિસ કરતી, પણ મોટી થઈને સમજ પડી કે હું ખોટી હતી. મારે તેને અને તેના કામને સપોર્ટ કરવો જોઈતો હતો. હું જ્યારે મા બની ત્યારે મેં મારાં બાળકોને સંપૂર્ણ સમય આપ્યો. એ મારી ઇચ્છા હતી. છતાં હું કહીશ કે દરેક મમ્મીએ પોતાની કરીઅર બનાવવી જ જોઈએ. બાળકો જેટલાં મહત્ત્વનાં છે એટલું જ તમારું કામ પણ જરૂરી છે.’

પતિ પંકજ કપૂર; શાહિદ કપૂર અને તેનો પરિવાર; દીકરી-દીકરાનાં જીવનસાથીઓ અને સાસુ-સસરા સાથે

ઍક્ટર તો નહીં જ...
નાનપણથી સુપ્રિયાબહેન તેમના ઘરની સામે જ રહેતાં કનક રેલે પાસે ભરતનાટ્યમ શીખતાં હતાં. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને ભરતનાટ્યમ ખૂબ ગમતું પણ હું સ્ટેજ-પર્ફોર્મન્સમાં કે નૃત્યાંગના બનવામાં રસ નહોતી ધરાવતી. મને તો PhD કરીને ટીચર બનવું હતું. એનું કારણ કદાચ મારા મામા હોઈ શકે. તેમને પણ એજ્યુકેશનલક્ષી કામ ગમતાં. તે પોતે ડેન્ટિસ્ટ હતા પણ પ્રૅક્ટિસ કરવામાં તેમને પણ રસ નહોતો. તેમને બાલઉદ્યાન ચલાવવું ગમતું. બાલઉદ્યાનમાં બાળકોના એજ્યુકેશન અને કળા સંબંધિત તથા તેમને મજા પડે એવા ઘણા કાર્યક્રમોનું આયોજન થતું. અહીં એક લાઇબ્રેરી પણ હતી જેની જવાબદારી મારી રહેતી. અહીં ફનફેર યોજાતા. આ બાલઉદ્યાન મારી દુનિયા હતી. નાનપણમાં એ વાત મેં નક્કી કરી લીધેલી કે મારે તો ઍક્ટર બનવું જ નથી.’

‘ખિચડી’ના સાથી કલાકારો સાથે

પહેલું નાટક 
તો પછી અચાનક ઍક્ટિંગ તરફ કઈ રીતે વળ્યાં એ પ્રશ્નનો જવાબ આપતાં સુપ્રિયાબહેન કહે છે, ‘મારા પપ્પા ગુજરી ગયા. એ પછી કમાવું અને માને મદદ કરવી ખૂબ જરૂરી હતું રત્નાદીદી ત્યારે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં હતાં. એ સમયે માનું અતિ લોકપ્રિય નાટક ‘મેના ગુર્જરી’ રીક્રીએટ કરવાનું હતું. રત્નાદીદી પહેલેથી ખૂબ જ હોશિયાર અને ટૅલન્ટેડ એટલે અમને બધાને એમ હતું કે ‘મેના ગુર્જરી’ની મેના તે જ બનશે. પણ માએ કહ્યું કે ના, મેના સુપ્રિને બનાવો. હું તો સમજી જ ન શકી કે હું કેવી રીતે તેમના ધ્યાનમાં આવી હોઈશ? મેં ના પાડી કે મારે ઍક્ટિંગ કરવી નથી, પણ પછી મામાએ રસ્તો કાઢ્યો. તેમણે કહ્યું કે બાલઉદ્યાન તરફથી નાટક કરીએ, આપણા જ બધા લોકો આવે જોવા તો તું કરીશને? આ બાબતે મેં હા પાડી. દાદરના જ એક નાનકડા ઑડિટોરિયમમાં શરૂઆતમાં ૪-૫ શો થયા. લોકોએ મને વધાવી લીધી. દીનાબહેનની દીકરી એકદમ દીનાબહેન જેવી જ છે એવું લોકોને લાગ્યું. પછી અમદાવાદ, વડોદરા એમ બધે શોઝ માટે જવાનું હતું ત્યારે પણ મેં ના પાડી પણ મારા મિત્રોએ મને કહ્યું કે ચાલ, અમે પણ સાથે આવીશું, એ બહાને ફરીશું. તો મેં એ માટે હા પાડી. આમ કરતાં-કરતાં મને ઍક્ટિંગ કરવામાં ખૂબ મજા પાડવા લાગી.’ 

મોટી બહેન રત્ના પાઠક શાહ સાથે

પહેલો ફિલ્મ-બ્રેક 
‘મેના ગુર્જરી’ પછી દિનેશ ઠાકુરનું થિયેટર ગ્રુપ સુપ્રિયાબહેને જૉઇન કર્યું જેમાં નાટક હતું ‘બીવીઓં કા મદરસા’. એના શોઝ પૃથ્વી થિયેટરમાં હતા. એ સમયે શશી કપૂર મહાભારત પર આધારિત એક ફિલ્મ બનાવી રહ્યા હતા જેનું નામ હતું ‘કલયુગ’. શશી કપૂરની વાઇફ જેનિફરે આ નાટક જોયું અને તેઓ શશીજીને તાણી લાવ્યા કે જુઓ, આ છોકરી પર્ફેક્ટ છે તમારી ફિલ્મ માટે. શશીજીને સુપ્રિયાની ઍક્ટિંગ ગમી ગઈ. તેમણે બીજે દિવસે આ ફિલ્મના ડિરેક્ટર શ્યામ બેનેગલ પાસે સુપ્રિયાને મોકલી. એ સમય યાદ કરતાં સુપ્રિયાબહેન કહે છે, ‘શ્યામ બેનેગલે મને રિજેક્ટ કરેલી. તેમને મને લેવી જ નહોતી ફિલ્મમાં, પણ શશી કપૂરે કહ્યું કે ના, સુપ્રિયા જ આ રોલ માટે ઉપયુક્ત છે. તેમને મારામાં વિશ્વાસ હતો. આજે હું એક ફિલ્મસ્ટાર છું તો શશીજી અને જેનિફરને કારણે. ‘કલયુગ’ માટે મને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો. આ ફિલ્મમાં જ ગોવિંદ નિહલાની કૅમેરામૅન હતા. મેં તેમની પાસેથી ઘણું ફિલ્મમેકિંગ સમજ્યું. એ પછી ફિલ્મો એક પછી એક મળવા લાગી અને કામ થતું ગયું.’

વો મુલાકાત
સુપ્રિયા પાઠકે ‘બાઝાર’ ફિલ્મ સાગર સરહદી સાથે કરી હતી. એ સાગરસા’બે એક દિવસ ફોન કરીને કહ્યું કે આપણે પંજાબ જવાનું છે શૂટિંગ માટે, તું તૈયાર રહેજે, ટ્રેનમાં નીકળીશું. એ દિવસ યાદ કરીને સુપ્રિયાબહેન કહે છે, ‘મને કંઈ જ ખબર નહોતી કે કેવી ફિલ્મ છે, શું છે; પણ સાગરસા’બને કેવી રીતે ના પાડવી? તો પણ મેં તેમને કહ્યું કે ટ્રેનનું રિસ્ક શું કામ લેવું છે? ટ્રેનમાં લોકો મને ઓળખી જશે તો ઘેરી વળશે અને તમે કઈ રીતે સંભાળશો? તો તેમણે મને કહ્યું કે પંકજ પણ સાથે આવે છે, નહીં વાંધો આવે. આટલા પૉપ્યુલર અને ટૅલન્ટેડ ઍક્ટર પંકજ કપૂર જેમની એ સમયે ‘કરમચંદ’ સિરિયલ ચાલુ હતી તેઓ જો ટ્રેનમાં સેફલી જઈ શકતા હોય તો મને શું વાંધો હોય એમ સમજીને હું ટ્રેનમાં ગઈ. ટ્રેનમાં પંકજ કપૂર આવ્યા જ નહીં અને મને લોકો ઓળખી ગયા એટલે એ ભીડને સંભાળવી મુશ્કેલ બની ગઈ. મને બાથરૂમમાં છુપાવીને રાખવી પડી હતી. સાગરસા’બ ત્રાસી ગયા એટલે તેમણે મને દિલ્હી ઉતારી દીધી. મને કહ્યું કે પંકજ દિલ્હીથી કારમાં પંજાબ જાય છે, તું તેની સાથે આવ. એ કારમાં બીજા ૩-૪ લોકો પણ હતા પરંતુ આ હતી અમારી પહેલી મુલાકાત. એ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમને એકબીજા જોડે પ્રેમ થઈ ગયો. અફસોસની વાત એ છે કે એ ફિલ્મ ક્યારેય રિલીઝ જ ન થઈ. એ ખૂબ જ સુંદર ફિલ્મ હતી. અમે હસતાં હોઈએ છીએ કે એ ફિલ્મનું નિર્માણ આપણા માટે જ થયું હતું. એનાં બે વર્ષ પછી અમે લગ્ન કરી લીધાં. એ વાતને આજે ૩૭ વર્ષ થઈ ગયાં.’

પોતાનું પ્રોડક્શન 
૧૯૯૪માં પંકજ કપૂર અને સુપ્રિયાએ મળીને એક ટીવી-પ્રોડક્શન શરૂ કર્યું જેનું નામ હતું ગ્રાસ કંપની જેની પહેલી સિરિયલ હતી ‘મોહનદાસ બી.એ.એલ.એલ.બી.’ આ સમયને તેમના જીવનનો સુવર્ણકાળ જણાવતાં સુપ્રિયાબહેન કહે છે, ‘મારાં બાળકો સના અને રુહાનને લઈને હું કામ પર જતી. તેમના માટે અલગથી વૅનિટી બોલાવતાં અમે. એ બન્ને આ સેટ્સ પર જ મોટાં થયાં છે. એક પરિવાર, એક યુનિટ તરીકે અમે ખૂબ જ સુંદર સમય વિતાવ્યો છે. અમારું બૉન્ડિંગ અતિ સ્ટ્રૉન્ગ અહીં બન્યું છે. ક્રીએટિવ કામ જો પરિવારની સાથે કરવા મળે તો વ્યક્તિને બીજું શું જોઈએ?’
સના અને રુહાન પણ માતા-પિતાના જ જીન્સ લઈને જન્મ્યાં હોય એમ તેમને પણ ઍક્ટિંગમાં એટલો જ રસ છે. દીનાબહેન એક સફળ ઍક્ટર હતાં. એ પછી તમે બન્યાં અને હવે તમારાં બાળકો બની રહ્યાં છે, માતા-પિતાની સફળતા બાળક માટે કેટલું બર્ડન બની જતી હોય છે એ પ્રશ્નનો જવાબ આપતાં સુપ્રિયાબહેન કહે છે, ‘બર્ડન ખૂબ વધારે છે. મને એટલે વાંધો નહોતો આવ્યો કારણ કે મને તો આ કામ કરવું જ નહોતું. મને કશું જોઈતું જ નહોતું અને મને મળ્યું. એ વખતે ઑડિયન્સ માટે દીનાબહેનની દીકરી કામ કરે છે એ ખૂબ મોટી વાત હતી અને તેમણે પ્રેમથી મને વધાવી લીધી હતી. આજે ઑડિયન્સ ખૂબ જજમેન્ટલ છે. અમારાં બાળકોએ આવાં કેટલાંય જજમેન્ટમાંથી પસાર થવું પડે છે, જે માતા-પિતા તરીકે અમારા માટે પેઇનફુલ છે.’ 

સાવકી મા એટલે શું? 
સુપ્રિયા પાઠક કપૂરને તેમનાં બાળકો વિશે પૂછો તો તે હંમેશાં જવાબમાં ત્રણ બાળકો જ કહે છે. મોટો શાહિદ કપૂર, જેમને તેમણે જન્મ નથી આપ્યો પણ પૂરા મનથી તે તેને પોતાનો દીકરો જ માને છે. આપણે ત્યાં સાવકી માના કન્સેપ્ટ ઘણા ઘેરા છે. નામ પડતાં જ એક વિલનિશ કૅરૅક્ટર આપણી સામે આવી જાય. સાવકી માની વ્યાખ્યા કઈ રીતે તમે બદલી? આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘સાવકી જેવું કશું છે જ નહીં એટલે વ્યાખ્યા બદલવાની જરૂર જ નથી. તે મારો દીકરો જ છે. તેના, સના અને રુહાનમાં મેં ક્યારેય ફરક કર્યો નથી. ફક્ત ૬ વર્ષનો હતો તે ત્યારે મને મળ્યો. અત્યંત ભોળી આંખો અને પ્રેમાળ બાળક. કોઈ કઈ રીતે તેને પ્રેમ ન કરે? મારો એ નિયમ છે કે હું મારાં બધાં બાળકોની ફ્રેન્ડ બનીને રહું. એમાં મારી પુત્રવધૂઓ મીરા અને મનુકૃતિ પણ આવી ગયાં. આ રીતે જીવવાની અમને વધુ મજા આવે છે.’

કુકિંગપ્રેમી પરિવાર 
સુપ્રિયા પાઠક કપૂરના ઘરમાં કોઈ કુક નથી. તેઓ આટલાં વર્ષોથી જાતે જ જમવાનું બનાવે છે. તેમના ઘરે રોટલી-દાળ-ભાત-શાક જ બને છે. તો શું તમે એક પંજાબી વ્યક્તિ (પંકજ કપૂર)ને શાકાહારી બનાવી દીધી? આ બાબતે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે, ‘ના, તેઓ તો પહેલેથી જ પાક્કા શાકાહારી હતા. ઊલટું મેં થોડી છૂટછાટો શરૂ કરી હતી એ તેમને કારણે બંધ થઈ. અમે બધાં જ શાકાહારી છીએ અને પાછાં થોડાં ઓલ્ડ સ્કૂલ છીએ એટલે જમવાનું ખુદ જ બનાવી લઈએ છીએ. મને તો કુકિંગ ગમે જ છે, સાથે પંકજને પણ એટલું જ ગમે છે. તે પણ શોખથી ક્યારેક બનાવે. હું ઘરે ન હોઉં ત્યારે પણ કોઈ તકલીફ નથી. મારાં બાળકોને પણ કુકિંગ આવડે છે. રુહાને તો અમેરિકા જઈને ૬ મહિના શેફનો કોર્સ કર્યો હતો. તે ખૂબ સરસ વાનગીઓ બનાવે છે.’

અંગત સંગત
પંકજ કપૂર સાથે સુપ્રિયાબહેનનાં લગ્ન ૧૯૮૮માં થયાં. પંકજ કપૂરનાં પ્રથમ લગ્ન ૧૯૭૯માં નીલિમા અઝીમ સાથે થયાં હતાં, ૧૯૮૧માં તેઓ શાહિદના પેરન્ટ્સ બન્યાં હતાં. ૧૯૮૪માં તેમના ડિવૉર્સ થયા હતા. પંકજ કપૂર અને સુપ્રિયાબહેન ૧૯૯૩માં દીકરી સના અને ૧૯૯૭માં દીકરા રુહાનનાં પેરન્ટ્સ બન્યાં હતાં. સનાએ ઍક્ટર દંપતી મનોજ અને સીમા પાહવાના દીકરા સાથે અને રુહાને આ જ દંપતીની દીકરી સાથે લગ્ન કર્યાં છે.

supriya pathak Gujarati Natak Gujarati Drama gujarati film khichdi gujarati community news gujaratis of mumbai dadar dhollywood news entertainment news