08 January, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ધુરંધર`નું પોસ્ટર
બૉક્સ-ઑફિસ પર ‘ધુરંધર’એ જબરદસ્ત સફળતા મેળવી છે ત્યારે બૉલીવુડના ટોચના પ્રોડક્શન-હાઉસ યશરાજ ફિલ્મ્સે પણ સોશ્યલ મીડિયામાં ‘ધુરંધર’નાં દિલ ખોલીને વખાણ કર્યાં છે અને રણવીર સિંહે પણ આ વિશે રીઍક્શન આપ્યું છે.
યશરાજ ફિલ્મ્સે સોશ્યલ મીડિયા પર જાહેર કરેલા સત્તાવાર સ્ટેટમેન્ટમાં લખ્યું છે, ‘‘ધુરંધર’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક એવો માઇલસ્ટોન છે જેને હંમેશાં યાદ રાખવામાં આવશે. આદિત્ય ધર અને જિયો સ્ટુડિયોઝને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ (એક ભાષામાં) બનાવવા બદલ હાર્દિક અભિનંદન. ફિલ્મના ડિરેક્ટર તરીકે આદિત્ય ધરનું સ્પષ્ટ વિઝન, નિર્ભય વાર્તા કહેવાની રીત અને શ્રેષ્ઠતા માટેનો તેમનો અડગ સંકલ્પ ભારતીય સિનેમા માટે એક નવાં ધોરણ સ્થાપિત કરે છે. અમે આ શાનદાર ફિલ્મ સાથે જોડાયેલા દરેક કલાકાર અને ટેક્નિશ્યનને તેમના અમૂલ્ય યોગદાન બદલ અભિનંદન પાઠવીએ છીએ. તમે જ એ ‘ધુરંધર’ છો જેમણે આ વિચારને મોટા પડદા પર એટલી ભવ્યતા અને અસરકારક રીતે ઉતાર્યો છે. અમને એવું સિનેમા આપવા બદલ આભાર જે અમને ક્રીએટિવ રીતે વધુ આગળ વધવા અને નવી દિશામાં વિચારવા માટે પ્રેરણા આપે છે.’
‘ધુરંધર’ના હીરો રણવીર સિંહે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું કે ‘મારી સૌથી પ્રિય અને માતૃસંસ્થા. હું હંમેશાં તમને ગર્વનો અહેસાસ કરાવી શકું એવું કંઈક કરવા માગતો હતો.’