દિલ તો પાગલ હૈમાં કરિશ્મા કપૂરનો રોલ પહેલાં ઑફર થયો હતો કાજોલ અને મનીષા કોઇરાલાને

13 July, 2026 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોલોએ જણાવ્યું કે ફિલ્મમાં માધુરી સાથે ડાન્સ-સ્પર્ધા જેવી સ્થિતિમાં ઊતરવાની અનિચ્છાને કારણે બીજી હિરોઇનોએ તેનો રોલ કરવાની ના પાડી દીધી હતી

કાજોલ અને મનીષા કોઈરાલા

‘દિલ તો પાગલ હૈ’ની ગણતરી બૉલીવુડની યાદગાર રોમૅન્ટિક ફિલ્મોમાં થાય છે. ડિરેક્ટર યશ ચોપડાની આ ફિલ્મમાં શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરની ત્રિપુટીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં નિશાના પાત્રમાં કરિશ્માએ પોતાના શાનદાર અભિનયથી એવી છાપ છોડી હતી કે તેને આ ભૂમિકા માટે રાષ્ટ્રીય પુરસ્કાર અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો હતો, પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ પાત્ર માટે કરિશ્મા નિર્માતાઓની પ્રથમ પસંદ નહોતી.

રિપોર્ટ પ્રમાણે નિશાનું પાત્ર સૌથી પહેલાં કાજોલને ઑફર કરવામાં આવ્યું હતું પણ તેણે ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી રોલ મનીષા કોઇરાલાને ઑફર કરવામાં આવ્યો હતો પણ તેણે પણ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. આ મામલે કરિશ્માએ ખુલાસો કર્યો છે કે ‘એ સમયે ફિલ્મમાં માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં હતી. ઘણી અભિનેત્રીઓ માધુરીની સામે સેકન્ડ લીડ અથવા સહાયક ભૂમિકા કરવા ઇચ્છતી નહોતી. સાથે જ તેઓ માધુરી સાથે ડાન્સ-સ્પર્ધા જેવી સ્થિતિમાં પણ આવવા માગતી નહોતી. જોકે નિશા મારી કારકિર્દીનું સૌથી અલગ અને પડકારજનક પાત્ર હતું. આ પાત્ર પરંપરાગત હિરોઇન જેવું નહોતું, કારણ કે ફિલ્મનો હીરો તેને પ્રેમ કરતો નથી. એ સમય માટે આ પ્રકારનું પાત્ર ખૂબ જ અલગ હતું.’

bollywood buzz bollywood news bollywood entertainment news karishma kapoor kajol manisha koirala