09 August, 2024 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી, મૃણાલ ઠાકુર
મૃણાલ ઠાકુરે ભૂતકાળમાં વિરાટ કોહલી વિશે કરેલું એક સ્ટેટમેન્ટ ફરી પાછું ચર્ચામાં આવ્યું છે અને મૃણાલે પણ એના વિશે પ્રતિક્રિયા આપી છે. મૃણાલ ૨૦૨૨માં આવેલી ફિલ્મ ‘જર્સી’માં શાહિદ કપૂર સાથે ચમકી હતી. ક્રિકેટ વિશેની આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન મૃણાલે પોતાના દિલની વાત શૅર કરતાં કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે હું વિરાટ કોહલીના પ્રેમમાં પાગલ હતી. મારો ભાઈ ક્રિકેટ પાછળ ગાંડો છે અને એને લીધે મને પણ આ રમત ગમવા માંડી હતી. પાંચેક વર્ષ પહેલાં મેં સ્ટેડિયમમાં જઈને મૅચ જોઈ હતી ત્યારે મને બહુ મજા આવી હતી. મને યાદ છે મેં બ્લુ જર્સી પહેરી હતી અને હું ટીમ ઇન્ડિયા માટે ચિયર કરતી હતી. આજે હું પોતે ક્રિકેટ વિશેની એક ફિલ્મમાં કામ કરી રહી છું એ કેવો સરસ યોગાનુયોગ છે.’
વિરાટ કોહલી વિશે બે વર્ષ પહેલાં મૃણાલ ઠાકુરે કરેલું સ્ટેટમેન્ટ ઇન્સ્ટાગ્રામ પર બૉલીવુડનાં સમાચાર અને ગૉસિપ પીરસતા એક અકાઉન્ટે હમણાં પાછું સતસવીર ચમકાવ્યું હતું. ક્રિકેટ વિશેની ફિલ્મના પ્રચાર વખતે એક ક્રિકેટ-ફૅન તરીકે કહેલી વાત બે વર્ષે ફરી પાછી સ્કૅન્ડલની જેમ ચગાવવા બદલ મૃણાલ જોકે ભડકી ગઈ છે. તેણે આ પોસ્ટ સામે કૅપિટલ અક્ષરોમાં STOP IT OK લખીને પ્રતિક્રિયા આપી છે.