✕

ટોટલ ટાઈમપાસ: જયા બચ્ચનના ફોનના વૉલપેપર પર છે નવ્યા નવેલી અને અગસ્ત્યની તસવીર

16 November, 2026 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસ અને સંસદસભ્ય જયા બચ્ચન અવારનવાર કોઈ ને કોઈ ઇવેન્ટમાં ફોટોગ્રાફર પર ગુસ્સે થતાં જોવા મળે છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ઍક્ટ્રેસ અને સંસદસભ્ય જયા બચ્ચન અવારનવાર કોઈ ને કોઈ ઇવેન્ટમાં ફોટોગ્રાફર પર ગુસ્સે થતાં જોવા મળે છે. જોકે હાલમાં જયાનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં જતી વખતે તેઓ રસ્તા પરથી પાણીની ખાલી બૉટલ ઉઠાવતાં જોવા મળ્યાં હતાં. વાસ્તવમાં ઇવેન્ટમાં જતી વખતે જયાની નજર રસ્તા પર પડેલી પ્લાસ્ટિકની બૉટલ પર પડી હતી. તેમણે જરાય મોડું કર્યા વિના નીચે નમીને બૉટલ ઉઠાવી અને રસ્તાની એક બાજુ મૂકી દીધી હતી. જયાનો આ વિડિયો જોઈને લોકો તેમના આ પગલાંની પ્રશંસા કરી રહ્યા છે. વિડિયોમાં તેમના ફોન પર પણ લોકોનું ધ્યાન ગયું હતું. ફોનમાં જયાના વૉલપેપર પર તેમની દોહિત્રી નવ્યા નવેલી નંદા અને દોહિત્ર અગસ્ત્ય નંદાની તસવીર જોવા મળી હતી. આ વાત જ દર્શાવે છે કે તેઓ તેમના દોહિત્ર અને દોહિત્રીની બહુ નજીક છે.

યશરાજ ફિલ્મ્સની પહેલી હૉરર ફિલ્મના હીરો તરીકે વરુણ ધવનની પસંદગી

વરુણ ધવનને યશરાજ ફિલ્મ્સની પહેલી હૉરર ફિલ્મમાં લીડ રોલમાં સાઇન કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન અભય પન્નુ કરશે અને અક્ષય વિધાની એને પ્રોડ્યુસ કરશે. આદિત્ય ચોપડા સમગ્ર પ્રોજેક્ટની દેખરેખ રાખશે. ફિલ્મનું ટાઇટલ હજી જાહેર કરવામાં આવ્યું નથી, પણ એ ૨૦૨૮ની ૩૧ માર્ચે રિલીઝ થશે.

પૈચાન કૌન?

હાલમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. આ સંજોગોમાં ગુરુવારે જયા પ્રદાએ તેમની ફિલ્મ ‘લવ કુશ’ની એક તસવીર શૅર કરી છે જેમાં તેઓ માતા સીતાના પાત્રમાં જોવા મળી રહ્યાં છે. ૧૯૯૭માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં જિતેન્દ્ર ભગવાન રામ, અરુણ ગોવિલ લક્ષ્મણ અને દારા સિંહ ભગવાન હનુમાન બન્યા હતા.

રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાનીએ મુંબઈમાં શરૂ કર્યું કૅનેડિયન કૉફી-બ્રૅન્ડનું પહેલું કૅફે

રકુલ પ્રીત સિંહ તથા તેના પતિ જૅકી ભગનાનીએ કૅફે-બિઝનેસમાં ઝંપલાવ્યું છે. બન્નેએ કૅનેડાની કૉફીહાઉસ બ્રૅન્ડ ‘બ્લેન્ઝ’ને ભારતમાં લૉન્ચ કરી છે. વર્સોવામાં બ્રૅન્ડનું પ્રથમ ભારતીય આઉટલેટ શરૂ થયું છે.મુંબઈમાં પ્રથમ કૅફે શરૂ કર્યા બાદ ‘બ્લેન્ઝ’ હવે ભારતનાં મુખ્ય બજારોમાં વિસ્તરણ કરશે. બ્રૅન્ડે ૨૦૨૭ સુધીમાં દેશભરમાં ૪૦ આઉટલેટ્સ ખોલવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ વિસ્તરણ માટે ૧૨૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના છે. આ માધ્યમથી બ્રૅન્ડ ભારતીય ગ્રાહકોને કૅનેડિયન કૅફેનો અનુભવ આપવા માગે છે.

કરીના કપૂર છે કૂલ સ્ટેપ-મૉમ

સૈફ અલી ખાને તાજેતરમાં પોતાના પારિવારિક જીવન, સંબંધો અને બાળકો સાથેના સંબંધો વિશે ખુલ્લા મને વાત કરી હતી. સૈફે વાતચીત દરમ્યાન કરીનાનાં ખૂબ વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે કરીનાના તેનાં સ્ટેપ-સંતાનો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન સાથે ખૂબ સારા સંબંધો છે. કરીનાના તેના પરિવાર સાથેના સંબંધો વિશે વાત કરતાં સૈફે કહ્યું હતું કે ‘પરિવારમાં દરેક વ્યક્તિ ખૂબ સારી અને સમજદાર રહી છે. હું આ વાતનું શ્રેય કરીનાને આપવા માગીશ અને પરિવારના બાકીના સભ્યોને પણ, કારણ કે સંબંધો બન્ને તરફથી નિભાવવાના હોય છે. કરીનાએ હંમેશાં દરેક બાબત સરળ બનાવી છે. તે સારા અને ઇબ્રાહિમ સાથે ખૂબ સારી રીતે રહે છે અને એ બન્ને પણ તેના પ્રયાસોનો એટલા જ પ્રેમથી પ્રતિસાદ આપે છે. તે સૌથી કૂલ સ્ટેપ-મૉમ છે. મારા અને કરીનાનાં બન્ને બાળકો તૈમુર અને જેહ પણ સ્ટેપ-બ્રધર ઇબ્રાહિમને ખૂબ પસંદ કરે છે અને તેને પોતાનો મોટો ભાઈ માનીને ખૂબ પ્રેમ કરે છે. ઇબ્રાહિમ પણ તેમની સાથે ખૂબ સારી રીતે રહે છે. તેમને તેની સાથે રમવું ખૂબ ગમે છે. ક્યારેક તે ઘરે આવે છે અને તેમના રૂમમાં જઈને તેમની સાથે વાતો કરે છે. ઇબ્રાહિમ અને તૈમુર-જેહ વચ્ચે એક અલગ જ સંબંધ છે. આવા સંબંધો નિભાવવા માટે ઇબ્રાહિમ ખરેખર ખૂબ પ્રેમાળ છોકરો છે.’

jaya bachchan amitabh bachchan navya naveli nanda entertainment news bollywood buzz bollywood news bollywood kareena kapoor rakul preet singh