08 February, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિતી સૅનન અને મનીષ મલ્હોત્રા
ક્રિતી સૅનન હાલમાં દુબઈ ફૅશન-વીક દરમ્યાન ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના લેટેસ્ટ કલેક્શન ‘ઇનાયા-ધી ઇન્ડિયા સ્ટોરી’ માટે શો-સ્ટૉપર બની હતી. ક્રિતીએ આ ઇવેન્ટમાં આઇવરી કલરનો ડ્રેસ પહેર્યો હતો જે ઇન્ડો-વેસ્ટર્ન લુક આપતો હતો. આમાં શિમરિંગ બીડવર્ક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન મનીષ મલ્હોત્રાને દુબઈ ફૅશન ફેસ્ટિવલમાં ‘ડિઝાઇનર ઑફ ધ યર’નો અવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ખાસ અવસર પર શાહરુખ ખાન પણ હાજર રહ્યો હતો.
ગયા વર્ષે જુલાઈમાં રિલીઝ થયેલી અહાન પાંડે અનીત પડ્ડાની ‘સૈયારા’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. આ મ્યુઝિકલ રોમૅન્ટિક ફિલ્મ ફરી એક વાર વૅલેન્ટાઇન વીક દરમ્યાન થિયેટરમાં રી-રિલીઝ થવા માટે તૈયાર છે. જોકે ફિલ્મના મેકર્સ યશરાજ ફિલ્મ્સ તરફથી હજી સુધી રી-રિલીઝને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ઑનલાઇન બુકિંગ ઍપ્લિકેશન પર ફિલ્મના શો-ટાઇમ દેખાવા લાગ્યા છે. એના પરથી સ્પષ્ટ થાય છે કે ‘સૈયારા’ વૅલેન્ટાઇન વીકમાં ફરી એક વાર મોટા પડદા પર જોવા મળશે. આ ફિલ્મ મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર અને પુણેનાં થિયેટર્સમાં બતાવવામાં આવશે એવા રિપોર્ટ છે.
કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ ગયા વર્ષે ક્રિસમસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આશાસ્પદ હોવા છતાં બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી. જોકે હવે આ ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવી ચૂકી છે. આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે, પરંતુ હાલ એ માત્ર રેન્ટ પર ઉપલબ્ધ છે. જો કોઈ આ ફિલ્મ અત્યારે જોવા માગે તો તેણે ૩૪૯ રૂપિયા ચૂકવવા પડશે. પ્રાઇમ વિડિયો સામાન્ય રીતે શરૂઆતમાં ફિલ્મોને રેન્ટ પર ઉપલબ્ધ કરાવે છે. થોડા સમય બાદ જ્યારે પ્રારંભિક ડિજિટલ રેવન્યુ-ફેઝ પૂરો થાય છે ત્યારે આ ફિલ્મોને સબસ્ક્રાઇબર્સ માટે ફ્રી સ્ટ્રીમિંગ લાઇબ્રેરીમાં સામેલ કરવામાં આવે છે.
પ્રાઇમ વિડિયો પરની લોકપ્રિય વેબસિરીઝ ‘મિર્ઝાપુર’ હવે ફિલ્મ ‘મિર્ઝાપુર : ધ મૂવી’ તરીકે ચોથી સપ્ટેમ્બરે રિલીઝ થશે એવી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ‘મિર્ઝાપુર : ધ મૂવી’ને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની દ્વારા ઍક્સેલ એન્ટરટેઇનમેન્ટના બૅનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. મેકર્સે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરી છે. શૅર કરાયેલા પોસ્ટરમાં રેતી પર દોડતી અનેક ગાડીઓ નજરે પડે છે અને પાછળ એક મોટી ખુરસી કાર સાથે બાંધેલી દેખાય છે. આ પોસ્ટની કૅપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘હવે જુઓ ભૌકાલ મોટા પડદા પર. ‘મિર્ઝાપુર : ધ મૂવી’ ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ તમારી નજીકનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.’ ‘મિર્ઝાપુર’ની શરૂઆત ૨૦૧૮માં એક વેબ-સિરીઝ તરીકે થઈ હતી. આ ક્રાઇમ-થ્રિલર સિરીઝની પહેલી સીઝનને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ સિરીઝની લોકપ્રિયતાને જોતાં મેકર્સે ૨૦૨૦માં બીજી સીઝન રજૂ કરી, જેને પણ લોકપ્રિયતા મળી હતી. એનાં લગભગ ૪ વર્ષ બાદ ૨૦૨૪માં ત્રીજી સીઝન આવી, પણ એને દર્શકોએ ખાસ પસંદ નહોતી કરી. હવે મેકર્સ આ વાર્તાને મોટા પડદા પર લાવી રહ્યા છે.
રાની મુખરજીની લેટેસ્ટ રિલીઝ ‘મર્દાની 3’નું એક ખાસ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ‘મર્દાની’ ફ્રૅન્ચાઇઝીનો ભાગ રહેલા વિશાલ જેઠવા તેમ જ અનીત પડ્ડા સહિત અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. આ સ્ક્રીનિંગની તસવીરોમાં હુમા કુરેશી, રાની મુખરજી, રેખા, અહાન પાંડે, વિશાલ જેઠવા, સાકિબ સલીમ, અનીત પડ્ડા, ફાતિમા સના શેખ અને કીર્તિ સુરેશ એકબીજા સાથે સારો સમય પસાર કરતાં જોવા મળે છે. તમામ સેલેબ્સ તસવીરોમાં ખુશ અને હળવા મૂડમાં દેખાય છે. એક તસવીરમાં રેખા અહાન પાંડેને સ્નેહથી લાડ કરતાં પણ જોવા મળે છે.
આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘રંગ દે બસંતી’ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. હાલમાં આ ફિલ્મ રિલીઝ થઈ એને વીસ વર્ષ પૂરાં થયાં છે. આ ખાસ અવસર પર આમિર ખાન, સોહા અલી ખાન, સિદ્ધાર્થ, કુણાલ કપૂર અને અતુલ કુલકર્ણી સહિત ફિલ્મના અનેક કલાકારો ભેગાં થયાં હતાં અને ફિલ્મનાં ૨૦ વર્ષ પૂરાં થવાનું સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનની તસવીરોમાં જોવા મળે છે કે ભેગા થયેલા તમામ કલાકારોએ મૅચિંગ હુડીઝ પહેરી છે, જેમાં પીળા રંગમાં અંગ્રેજીમાં ‘રંગ દે બસંતી’ લખેલું જોવા મળે છે. તેમણે ફૅન્સ સાથે તસવીરો ક્લિક કરાવી હતી અને ગ્રુપ-ફોટો પણ પડાવ્યો હતો.
કરિશ્મા કપૂરે હાલમાં તેના સોશ્યલ મીડિયામાં ફૅશનેબલ આઉટફિટમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. કરિશ્માની આ તસવીરો દુબઈમાં ક્લિક કરવામાં આવી છે અને એક તસવીરમાં તો તે રૅમ્પ-વૉક કરતી પણ દેખાય છે. કરિશ્મા ૫૧ વર્ષની વયે પણ આ આઉટફિટમાં ગજબની સુંદર લાગે છે અને તેણે દુબઈમાં ચાલી રહેલા ફૅશન-વીકમાં શો-સ્ટૉપર તરીકે હાજરી આપી હતી.