અક્ષય કુમાર પણ જોવા મળશે છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં

29 April, 2026 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિર્માતાઓએ ફિલ્મની સત્તાવાર રિલીઝ-તારીખ જાહેર કરી નથી, પરંતુ એવી ચર્ચા છે કે તેઓ આવતા વર્ષે પહેલી જાન્યુઆરીએ ફિલ્મને રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

અક્ષય કુમાર

પહેલી મેએ રિતેશ દેશમુખને શિવાજી મહારાજના રોલમાં દેખાડતી ‘રાજા શિવાજી’ રિલીઝ થવાની છે ત્યારે મળેલા લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમાર પણ હવે ફિલ્મી પડદે છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં જોવા મળી શકે છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ડિરેક્ટર મહેશ માંજરેકરની ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’માં અક્ષય કુમાર શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે.  અક્ષયની આ પહેલી મરાઠી ફિલ્મ છે જે હિન્દી, તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’ની સત્તાવાર જાહેરાત ૨૦૨૨ના નવેમ્બરમાં થઈ હતી અને ડિસેમ્બરમાં શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. માહિતી મુજબ અક્ષય કુમારે આ ફિલ્મ માટે લગભગ ૨૫ દિવસ સુધી શૂટિંગ કર્યું છે. જોકે પછી સમાચાર આવ્યા હતા કે આર્થિક મુશ્કેલીઓને કારણે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું. જોકે લેટેસ્ટ અપડેટ પ્રમાણે હાલમાં ફિલ્મનું કામ સંપૂર્ણ રીતે યોગ્ય ટ્રૅક પર છે. હવે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. નિર્માતાઓએ ફિલ્મની સત્તાવાર રિલીઝ-તારીખ જાહેર કરી નથી, પરંતુ એવી ચર્ચા છે કે તેઓ આવતા વર્ષે પહેલી જાન્યુઆરીએ ફિલ્મને રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

શું છે ફિલ્મની વાર્તા?

મળતી માહિતી પ્રમાણે ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’ ૧૬૭૪ની ૨૪ ફેબ્રુઆરીના રોજ થયેલી ઐતિહાસિક નેસરીની લડાઈ પર આધારિત છે. આ યુદ્ધમાં સેનાપતિ પ્રતાપરાવ ગુર્જર સાથે સાત બહાદુર યોદ્ધાઓએ લડાઈ લડી હતી. તેઓ જનરલ બહલોલ ખાનની વિશાળ સેનાની સામે અડગ રહીને ઊભા રહ્યા હતા અને શૌર્યનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું હતું.

bollywood buzz akshay kumar shivaji maharaj bollywood news bollywood gossips bollywood entertainment news