01 July, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ અને કૅટરિના કૈફની ફાઇલ તસવીર
વિકી કૌશલે તાજેતરમાં બૉલીવુડમાં ઍક્ટર તરીકે દસ વર્ષ પૂર્ણ કર્યાં છે. હાલમાં એક પ્લૅટફૉર્મ પર કરીના કપૂરે તેનો ઇન્ટરવ્યુ લીધો હતો. આ ઇન્ટરવ્યુ દરમ્યાન વિકીએ પોતાના અંગત જીવનના તેમ જ પત્ની કૅટરિના સાથેના અનુભવો શૅર કર્યા. વિકીએ જણાવ્યું કે કૅટરિના તેના કામ વિશે પ્રતિક્રિયા આપે છે. જોકે તે પોતાના કામ વિશે તેના ફીડબૅક સાંભળતી નથી.
વિકીએ પોતાના ઇન્ટરવ્યુમાં પત્ની કૅટરિના કૈફ વિશે જણાવ્યું કે ‘કૅટરિના ખૂબ ઈમાનદાર છે. તે મને કહે છે કે મારું કામ કેવું છે. જોકે મારા કામને લઈને તે થોડી સાવચેત રહે છે, કારણ કે આ કામમાં ઘણી મહેનત લાગેલી હોય છે. ઘણી વાર તે મારા કામ વિશે ખૂબ સ્પષ્ટ હોય છે. જ્યારે તે મારા કામ પર પ્રતિક્રિયા આપે છે ત્યારે મને એ સારું લાગે છે. તે મને જણાવે છે કે મારા કામમાં ક્યાં ખામી રહી ગઈ અને શું વધુ સારું થઈ શકે. જોકે હું તેના કામ વિશે કંઈ કહું તો કૅટરિનાને બિલકુલ પસંદ નથી પડતું. તે નથી ઇચ્છતી કે હું તેના કામ પર કોઈ કમેન્ટ કરું.’