09 September, 2026 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિનિત કુમાર સિંહ
અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની આગામી સાયન્સ ફિક્શન ફિલ્મ ‘Samuk’માં અભિનેતા વિનિત કુમાર સિંહ જોડાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ફિલ્મમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવશે. જોકે, તેમના પાત્ર વિશે નિર્માતાઓએ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ વિગતો જાહેર કરી નથી. ‘Samuk’નું દિગ્દર્શન કનિષ્ક વર્મા કરી રહ્યા છે. ફિલ્મને એલિયન સર્વાઇવલ, એક્શન અને થ્રિલર પર આધારિત પ્રૉજેક્ટ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનિતને તેમના અભિનય અને પાત્રમાં શારીરિક તથા ભાવનાત્મક રીતે ઊતરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા છે.
ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હોવાનું કહેવાય છે કે વિનિતના અભિનયમાં જોવા મળતી રૉનેસ અને ફિઝિકલિટી આ પાત્રની જરૂરિયાતો સાથે મેળ ખાય છે. અહેવાલો અનુસાર, ફિલ્મમાં તેમનું પાત્ર અક્ષય કુમારના પાત્ર સાથે એક મહત્વપૂર્ણ મિશનનો ભાગ બનશે. બંને વચ્ચેનું જોડાણ વાર્તામાં મહત્વપૂર્ણ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે, પાત્રની ચોક્કસ પ્રકૃતિ અને તેની ભૂમિકા અંગે હાલ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
વિનિત કુમાર સિંહે અત્યાર સુધીમાં અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. અનુરાગ કશ્યપની ‘મુક્કાબાઝ’માં તેમની મુખ્ય ભૂમિકાને ખાસ નોંધ મળી હતી. ‘ગૅંગ્સ ઑફ વાસેપુર’માં દાનિશ ખાનનું પાત્ર પણ તેમના જાણીતા શરૂઆતના કામોમાં સામેલ છે. આ ઉપરાંત તેઓ ‘ગોલ્ડ’, ‘ગુન્જન સક્સેના: ધ કારગિલ ગર્લ’, ‘સાંડ કી આંખ’, ‘જાટ’ અને ‘છાવા’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે.
‘Samuk’નું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહના સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. આશીન એ. શાહ સહ-નિર્માતા છે, જ્યારે કનિષ્ક વર્મા ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. અહેવાલો મુજબ, આ પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી વિકાસ હેઠળ છે અને હાલમાં લંડનમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મની વાર્તામાં સાયન્સ ફિક્શનની સાથે એક્શન, સર્વાઇવલ અને હૉરર તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એલિયન સર્વાઇવલની પૃષ્ઠભૂમિ ધરાવતી આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. જોકે, ફિલ્મની વાર્તા અને પાત્રો અંગે નિર્માતાઓએ હજુ સુધી ઘણી વિગતો જાહેર કરી નથી.
‘Samuk’ અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહના લાંબા સમય બાદના સહયોગને કારણે પણ ચર્ચામાં છે. બંનેનો આ પ્રૉજેક્ટ લગભગ 13 વર્ષ બાદનો સહયોગ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હાલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તેને 2027માં સિનેમાઘરોમાં રિલીઝ કરવાની અપેક્ષા છે. ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ અને વિનિત કુમાર સિંહના પાત્ર અંગે વધુ માહિતી નિર્માતાઓ આગામી તબક્કામાં જાહેર કરે તેવી શક્યતા છે.