ધર્મેન્દ્રને રાજકીય સન્માન સાથે વિદાય કેમ ન મળી?

25 November, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિવારે પ્રશાસનને જાણ ન કરી હોવાનો અહેવાલ : અવસાન વિશે ફૅમિલી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન પણ ન આવ્યું અને અંતિમ સંસ્કાર પણ ઉતાવળે કરી દેવાયા હોવાની ચર્ચા : હેમા માલિની પણ ડાયરેક્ટ સ્મશાનમાં જ પહોંચી શક્યાં

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રનું ગઈ કાલે ૮૯ વર્ષની વયે અવસાન થયું હતું. ૧૯૩૫માં જન્મેલા ધર્મેન્દ્રએ ૧૯૫૮માં ટૅલન્ટ-હન્ટ જીત્યા પછી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ધર્મેન્દ્રએ ૨૦૦૪માં રાજકારણમાં પણ એન્ટ્રી લીધી હતી અને બિકાનેરથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. ધર્મેન્દ્રને તેમના જીવનકાળમાં પદ્મભૂષણ સહિત ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે એમ છતાં પણ તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન વગર કરવામાં આવ્યા. એક રિપોર્ટ પ્રમાણે પરિવારની બેદરકારીને કારણે ૨૦૧૨માં પદ્‍મભૂષણ જીતનાર ધર્મેન્દ્રને અંતિમ સમયે રાજકીય સન્માન ન મળી શક્યું.

મળતી માહિતી પ્રમાણે પરિવાર દ્વારા ધર્મેન્દ્રના અવસાનની માહિતી સમયસર પ્રશાસન સુધી પહોંચી નહોતી. રાજ્ય સન્માન માટે પરિવારે સરકારને એક ઔપચારિક પ્રસ્તાવ મોકલવો પડે છે, જેમાં થોડો સમય લાગી શકે પરંતુ ધર્મેન્દ્રના પરિવારે આ દિશામાં કોઈ રસ ન બતાવ્યો. ધર્મેન્દ્રના મૃત્યુના કલાકો પછી પણ મીડિયા સુધી કોઈ અધિકૃત નિવેદન પહોંચાડવામાં આવ્યું નહોતું અને અંતિમ સંસ્કાર પણ ખૂબ જ ઉતાવળમાં કરી દેવામાં આવ્યા. ઇન્ડસ્ટ્રી અને મીડિયાને ધર્મેન્દ્રના અવસાનની ખબર ત્યારે જ પડી જ્યારે તેમનો પાર્થિવ દેહ સ્મશાન લઈ જવામાં આવી રહ્યો હતો. ધર્મેન્દ્રનાં બીજાં પત્ની હેમા મલિની પણ સીધાં જ સ્મશાન પહોંચ્યાં હતાં. ધર્મેન્દ્રના અવસાનની ખબર પડતાં સલમાન ખાન, અમિતાભ બચ્ચન, આમિર ખાન જેવા દિગ્ગજો સીધા સ્મશાનભૂમિ પહોંચ્યા હતા. શાહરુખ ખાન થોડો મોડો પહોંચ્યો અને ત્યાં સુધીમાં અંતિમ સંસ્કાર થઈ ગયા હતા.

અત્યાર સુધી મનોજ કુમાર, લતા મંગેશકર, શ્રીદેવી અને દિલીપ કુમાર જેવા સ્ટાર્સને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય મળી ચૂકી છે. 

dharmendra celebrity death hema malini bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news mumbai