02 July, 2026 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પાટની અને રવીના ટંડન જેવાં કલાકારોથી સજ્જ ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂને થિયેટરમાં રિલીઝ થઈ હતી. જોકે ફિલ્મના ટીઝરમાં જોવા મળેલા પાંચ કલાકારો ફાઇનલ કટમાંથી સંપૂર્ણપણે ગાયબ છે અને એમાં સંજય દત્તનું નામ પણ સામેલ છે. સંજયે ફિલ્મ છોડી એ માટેનાં શરૂઆતમાં અલગ-અલગ કારણો સામે આવ્યાં હતાં. પહેલાં એવી ચર્ચા હતી કે સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર તેણે ફિલ્મથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. આ પછી રિપોર્ટ આવ્યો કે સ્ક્રિપ્ટ અને પોતાના પાત્રને લઈને સર્જનાત્મક મતભેદોને કારણે તેણે ફિલ્મમાંથી અલગ થવાનું નક્કી કર્યું હતું. હવે ‘વેલકમ ટુ ધ જંગલ’ના ડિરેક્ટર અહમદ ખાને સાચું કારણ જણાવ્યું છે.
અહમદ ખાને આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે ‘અમે સંજયની સાથે ફિલ્મનો થોડો ભાગ શૂટ કર્યો હતો. સંજુબાબાને સ્ક્રિપ્ટ ખૂબ પસંદ આવી હતી અને તે ખરેખર આ ફિલ્મનો ભાગ બનવા માગતો હતો. ફિલ્મમાં જૅકી શ્રોફ અને અક્ષય કુમાર જેવા તેના મિત્રો હતો અને તે ખૂબ જ ઉત્સાહિત હતો. અમે તેની સાથે ફિલ્મનો થોડો ભાગ પણ શૂટ કર્યો હતો, પણ તેની તારીખોની સમસ્યા હતી. તેને સારવાર માટે અમેરિકા જવાનું હતું અને હું આટલા બધા કલાકારોની તારીખોમાં ફેરફાર કરી શકતો નહોતો. તેણે ખૂબ જ સારી રીતે સુનીલ શેટ્ટીને ફોન કરીને તેને પોતાનું પાત્ર ભજવવા કહ્યું. આ પછી જૅકી શ્રોફને તે પાત્ર કરવા વિનંતી કરી જે શરૂઆતમાં સુનીલ શેટ્ટીને મળવાનું હતું. પોતાની ગેરહાજરીનું સમાધાન તેણે જાતે જ શોધી કાઢ્યું. તેના માટે અમે હંમેશાં બાબાના આભારી રહીશું.’