ઇમર્જન્સીના વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે

04 October, 2024 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોડ્યુસર ઝી એન્ટરટેઇનમેન્ટે બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું કે સેન્સર બોર્ડ સાથે આ બાબતે વાતચીત ચાલી રહી છે

કંગના રનૌત ફિલ્મમાં

ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના સંદર્ભમાં ફિલ્મ ‘ઇમર્જન્સી’ બનાવનાર ઝી એન્ટરટેઇનમેન્ટ અને કંગના રનૌતની કંપની મણિકર્ણિકા ફિલ્મ્સને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ સર્ટિફિકેટ ઇશ્યુ નથી કર્યું. હવે ઝી એન્ટરટેઇનમેન્ટે બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું છે કે આ મુદ્દે CBFC સાથે વાતચીત કરીને ઉકેલ લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.   

આ ફિલ્મને અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય કંગના રનૌતે કો-પ્રોડ્યુસ કરી છે અને ડિરેક્ટ પણ કરી છે એટલું જ નહીં, ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનું મુખ્ય પાત્ર પણ તેણે જ ભજવ્યું છે. ઇન્દિરા ગાંધીના જીવનનાં કેટલાંક પાસાંઓને આવરી લેતી આ ફિલ્મની રિલીઝ સામે સિખ કૉમ્યુનિટી નારાજ છે, જેમાં અકાલી દળનો પણ સમાવેશ છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં સિખ સમાજને ખરાબ રીતે ચીતરવામાં આવ્યો છે અને ઐતિહાસિક તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાં છે.    

બૉમ્બે હાઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ કરવાનો ઇરાદો હતો, પણ એ વિવાદોમાં અટવાતાં એની રિલીઝ રોકવાની અરજી કરવામાં આવી છે. ગયા અઠવાડિયે CBFCએ કોર્ટને કહ્યું હતું કે જો ફિલ્મમાં સેન્સર બૉર્ડની રીવાઇઝિંગ કમિટીએ સૂચવેલા કેટલાક ‘કટ’ અમલમાં મૂકવામાં આવે તો ફિલ્મને સર્ટિફિકેટ ઇશ્યુ કરી શકાય એમ છે. ગઈ કાલે સિનિયર વકીલ શરણ જગતિયાણીએ બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ  બી. પી. કોલાબાવાલા અને ફિરદોસ પૂણીવાલા સામે રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘મને લાગી રહ્યું છે કે CBFC અને કંગના રનૌતની કંપની વચ્ચે આ બાબતે વાતચીત ચાલી રહી છે અને ઉકેલ લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.’

કોર્ટે તેમની રજૂઆત માન્ય રાખી હતી અને હવે પછીની સુ​નાવણી આજે રાખી છે.

kangana ranaut indira gandhi indian politics bombay high court zee tv upcoming movie entertainment news bollywood news bollywood