યશની ટૉક્સિકને બે નાના ફેરફારની શરતે મળ્યું સેન્સર બોર્ડનું નો-કટ A સર્ટિફિકેટ

22 August, 2026 09:44 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

યશની ‘ટૉક્સિક’ને CBFC તરફથી કોઈ કટ વિના ક્લિયરન્સ મળ્યું છે. 3 કલાક 12 મિનિટની ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ અપાયું છે અને માત્ર બે નાના ફેરફાર સૂચવાયા છે.

યશ નવીન કુમાર ગૌડા

યશની ૨૬ ઑગસ્ટે રિલીઝ થનારી ‘ટૉક્સિક’ને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ક્લિયરન્સ મળી ગયું છે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં એક પણ કટની માગ કરવામાં આવી નથી અને માત્ર બે નાના ફેરફાર સૂચવવામાં આવ્યા છે. હિંસક બદલો લેવાની વાર્તા ધરાવતી આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી બોલ્ડ અને હિંસક ભારતીય ફિલ્મોમાંની એક ગણાવવામાં આવી રહી છે. આ સંજોગોમાં ‘ટૉક્સિક’ને ‘નો-કટ’ સર્ટિફિકેશન મળ્યાની વાત સોશ્યલ મીડિયા પર સામે આવતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. CBFC સર્ટિફિકેટ મુજબ કન્નડા અને અંગ્રેજીમાં બનેલી આ ફિલ્મનો સમયગાળો ૩ કલાક ૧૨ મિનિટ છે.
CBFCએ માત્ર કન્નડા વર્ઝનમાં બે શબ્દો અને વાક્યોને મ્યુટ કરીને બદલવા માટે કહ્યું છે. આ જ પ્રકારના ફેરફાર અંગ્રેજી સબટાઇટલ્સમાં પણ કરવામાં આવશે. આ ઉપરાંત ધૂમ્રપાન અને દારૂના સેવનને લઈને ફરજિયાત ચેતવણી પણ ઉમેરવાની રહેશે. આ સિવાય CBFCએ ફિલ્મમાં કોઈ કટની માગ કરી નથી. જોકે ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

આજે હૈદરાબાદમાં ‘ટૉક્સિક’ની ગ્રૅન્ડ પ્રી-રિલીઝ ઇવેન્ટ સાથે થશે પ્રમોશનલ કૅમ્પેનનું સમાપન

યશની ‘ટૉક્સિક’ ૨૬ ઑગસ્ટે રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મના મેકર્સે આજે હૈદરાબાદમાં એક ભવ્ય પ્રી-રિલીઝ ઇવેન્ટનું આયોજન કર્યું છે. ફિલ્મ માટે પ્રોડક્શન ટીમની આ છેલ્લી પ્રમોશનલ ઍક્ટિવિટી હશે. ‘ટૉક્સિક’ની ગ્રૅન્ડ પ્રી-રિલીઝ ઇવેન્ટમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ પણ હાજર રહેશે. આ કાર્યક્રમ હૈદરાબાદની મલ્લા રેડ્ડી યુનિવર્સિટીમાં સાંજે પાંચ વાગ્યે શરૂ થશે. આ ઇવેન્ટ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા ફિલ્મના પ્રમોશનલ કૅમ્પેનનું સમાપન કરશે.
પ્રી-રિલીઝ ગૅધરિંગમાં ફિલ્મની રિલીઝ પહેલાં કાસ્ટ, કસબીઓ અને ચાહકો એકસાથે આવશે. ‘ટૉક્સિક’ હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડા અને અંગ્રેજી ભાષામાં પણ રિલીઝ થશે. આ કાર્યક્રમમાં બધું યોગ્ય રીતે થાય અને ભીડને સારી રીતે સંભાળી શકાય એ માટે સુરક્ષા તથા વેન્યુ સાથે જોડાયેલી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

yash naveen kumar gowda kiara advani Tara Sutaria nayanthara huma qureshi toxic latest films south indian film entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood