કૉમેડી કરવી એટલી સહેલી નથી, એના પોતાના પડકાર છે

06 June, 2026 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માધુરી દીક્ષિતે આગામી ફિલ્મમાં આ પ્રકારનો રોલ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરી

માધુરી દીક્ષિતની ફાઇલ તસવીર

નેટફ્લિક્સની આગામી ફિલ્મ ‘માઁ બહન’ સાથે માધુરી દીક્ષિત લાંબા સમય બાદ ફરી કૉમેડી કરતી જોવા મળે છે. ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં લગભગ દરેક પ્રકારની ભૂમિકાઓ ભજવનારી માધુરીએ નવા પ્રકારનાં પાત્રો અને કૉમેડીના પડકારો વિશે વાત કરી છે.

‘માઁ બહન’માં કૉમેડી રોલ કરવાના અનુભવ વિશે વાત કરતાં માધુરીએ કહ્યું હતું કે ‘મેં લાંબા સમયથી કોઈ કૉમેડી ફિલ્મ કરી નહોતી. વચ્ચે મેં વધુ ડ્રામેટિક અને ગંભીર ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ જાણે તાજી હવાની લહેર જેવી લાગી. કૉમેડીના પોતાના પડકારો છે. ઇન્ટેન્સિટી તો તમે આખો દિવસ જાળવી શકો છો, પરંતુ તાજગી જાળવવી ખૂબ મુશ્કેલ છે. એક જ દૃશ્ય વારંવાર કરવું અને દર વખતે એને નવું દેખાડવું ખૂબ જ અઘરું છે. ગુસ્સો કે દુઃખ જેવી લાગણીઓ આખો દિવસ જાળવી શકાય, પરંતુ કૉમેડીમાં એવું લાગવું જોઈએ કે બધું પહેલી વાર બની રહ્યું છે. એ જ સૌથી મુશ્કેલ બાબત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેં કૉમેડી કરી નહોતી. આ એવી ફિલ્મ હતી જેમાં હું સંપૂર્ણ રીતે મારું આ પાસું દર્શાવી શકું એમ હતી.’

માધુરી દીક્ષિતે પહેરેલી આ સાડી છે સ્પેશ્યલ

માધુરી દીક્ષિતે સોશ્યલ મીડિયા પર પોતાની સાડી પહેરેલી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ સાડીની ખાસિયત એ છે કે એમાં ડેનિમ લુક આપતા સૉફ્ટ ફૅબ્રિક સાથે ટિશ્યુ બૉર્ડર અને એમ્બ્રૉઇડરી-વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખાસ પ્રકારના ફૅબ્રિકને કારણે આ સાડી ડેનિમની હોય એવો લુક મળે છે, પણ હકીકતમાં એ પહેરવામાં હળવી છે અને ખાસ પ્રકારના ફૅબ્રિકને કારણે એમાં સરળતાથી પાટલી પણ પાડી શકાય છે. માધુરીની આ સાડી પર કરવામાં આવેલી ફ્લોરલ એમ્બ્રૉઇડરીને લીધે એની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. માધુરીએ આ સાડી સાથે મોટા ગોલ્ડન ઝુમકા અને કંગન પહેરીને લુક કમ્પ્લીટ કર્યો છે.

madhuri dixit upcoming movie netflix entertainment news bollywood bollywood news