11 September, 2025 09:04 AM IST | Mumbai | Rachana Joshi
‘મીઠા ખારા’માં આદિત્ય ગઢવી અને સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે છે થાનુ ખાન અને મધુબંતી બાગચી
નવરાત્રી ૨૦૨૫ (Navratri 2025)ને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે એક પછી એક ગરબાના ગીતો રિલીઝ થઈ રહ્યાં છે. તાજેતરમાં કોક સ્ટુડિયો ભારત (Coke Studio Bharat)નું નવું ગીત ‘મીઠા ખારા’ (Meetha Khaara) રિલીઝ થયું છે. આ ગીત ગુજરાતીઓ માટે એટલે વિશેષ છે કારણકે, તેમાં ગુજરાતીઓનું ગૌરવ એવા આદિત્ય ગઢવી (Aditya Gadhvi) અને મ્યુઝિક કમ્પોઝર-ગાયક સિદ્ધાર્થ અમિત ભાવસાર (Siddharth Amit Bhavsar) સાથે છે.
ગુજરાતીઓના મનગમતાં અને ‘AG OG’ તરીકે જાણીતા આદિત્ય ગઢવીને નવરાત્રીમાં સાંભળવા માટે લોકો ખુબ આતુર હોય છે. તેમાં પણ જો કોઈ નવું ગીત આવતું હોય ત્યારે ફેન્સની આ ખુશી ડબલ થઈ જાય છે. ગયા વર્ષે નવરાત્રી પહેલા કોક સ્ટુડિયો ભારત અને આદિત્ય ગઢવીના ગીત ‘ખલાસી’ (Khalasi)એ જે ધૂમ મચાવી હતી તે પછી હવે તેઓ હવે બીજું ગીત ‘મીઠા ખારા’ લઈને આવી ગયા છે. કોક સ્ટુડિયો ભારત અને આદિત્ય ગઢવીનું ‘મીઠા ખારા’ આ વર્ષે ચોક્કસ ધૂમ મચાવશે. આ ગીતમાં બીજી ગર્વની વાત એ છે કે, મ્યુઝિક કમ્પોઝર-ગાયક સિદ્ધાર્થ અમિત ભાવસાર પણ ગીતમાં છે. કોક સ્ટુડિયો ભારત જેવા ગ્લોબલ પ્લેટફોર્મ પર બે ગુજરાતીઓ સાથે હોય ત્યારે ખરેખર ગર્વની ક્ષણ હોય.
આદિત્ય ગઢવીએ આ ગીતની ઝલક શૅર જરતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, ‘ગીત આવી ગયું છે… ગીત હવે અમારું મટીને ગુજરાતનું થયું… વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ ગર્વ કરી શકે એવા વિષય, ધુન, શબ્દો અને રજુઆત સાથે અમે બધા કલાકારોએ આ ગીત બનાવ્યું છે… આજ હું ખરેખર પોરહ કરવા માંગીશ કે કોક સ્ટૂડીયો ભારતના વિશ્વકક્ષાના માધ્યામથી જ્યારે જ્યારે મને મૌકો મળ્યો ગુજરાતને રજુ કરવાનો ત્યારે sterotypeને તોડી અને ગ્લોબલી ગુજરાતના તળની કોઇ વાત કરવાનો મૌકો અમે ઝડપ્યો છે… આ ગીત મીઠું પકવનારા અગરીયાઓની વાત કરતું ગીત છે. એમના સંઘર્ષ અને એમની સમાજને દેનનું ગાન કરે છે… ગઇ વખતે “ગોતી લો”માં ખલાસીઓની વાત કરી તી ને આ વખતે “મીઠા ખારા”માં અગરીયાઓની વાત કરી છે… Unsung Heroes of the societyને ગાવાનો પ્રયાસ…’
ઓછા જાણીતા સમુદાયોની વિવિધ વાર્તાઓ કહેવા માટે કોક સ્ટુડિયો ભારતના સમૃદ્ધ સંગીતનો ઉપયોગ કરે છે. આદિત્ય ગઢવી અને સિદ્ધાર્થ અમિત ભાવસારનું ગીત ‘મીઠા ખારા’ મીઠું પકવનારા અગરીયાઓની વાત કરે છે.
‘મીઠા ખારા’ ગીતના શબ્દોની અને તેની વાર્તાની વાત કરીએ તો, મીઠા એટલે મીઠું અને ખારા એટલે ખારું આ શબ્દો સ્વાદનું વર્ણન કરે છે. તેમના ગીત ‘મીઠા ખારા’માં, તેઓ ગુજરાતના કચ્છના મીઠા ખેડૂતો - અગરિયા સમુદાયના સંઘર્ષ અને આનંદને શ્રદ્ધાંજલિ આપે છે. આ ગીત પણ સૌમ્ય જોશીએ લખ્યું છે.
દર વર્ષે, ચોમાસાનું પાણી ઓછું થયા પછી, અગરિયા પરિવારો સાતથી આઠ મહિના માટે ખારા રણમાં સ્થળાંતર કરે છે. તેઓ કામચલાઉ ઝૂંપડાઓમાં રહે છે અને ભારે ગરમીમાં આખો-આખો દિવસ કામ કરે છે. જ્યાં તેમની પાસે પાત્ર પીવાના પાણી, વીજળી કે આરોગ્ય સંભાળની ખૂબ જ ઓછી સુવિધા હોય છે. તેઓ ખારા ભૂગર્ભ જળને પંપ કરે છે, તેને મોટા મીઠાના વાસણોમાં વહન કરે છે અને સૂર્યની નીચે પાણી બાષ્પીભવન થાય તેની રાહ જુએ છે. અઠવાડિયાઓ પછી, મીઠાના સ્ફટિકો બને છે, જેને પછી રેક કરીને, એકત્રિત કરીને વહન કરવું પડે છે. ખારી જમીન પર ખુલ્લા પગે ચાલવાથી ત્વચા બળી જાય છે, અને ત્યાંની હવા પણ મીઠાની ધૂળથી ભરાઈ જાય છે. બાળકો ઘણીવાર આ મહિનાઓ દરમિયાન શાળા ચૂકી જાય છે કારણ કે તેઓ તેમના પરિવારોને મદદ કરતા હોય છે. મીઠાની વાસ્તવિક `ખેતી` ઘણીવાર શિયાળાના મહિનાઓમાં કરવામાં આવે છે જેથી કામદારોને ઉનાળાના સૂર્યના વધુ પડતા સંપર્કથી બચાવી શકાય.
આટલું કઠોર કામ હોવા છતાં, આ કામમાં કમાણી ખૂબ ઓછી છે. ભલે કચ્છ ભારતના મીઠા ઉત્પાદનમાં ૭૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે છતા અગરિયાઓને જોઈએ તેવી થતી નથી. વચેટિયાઓ અને મોટી કંપનીઓ મીઠાના વેપાર પર નિયંત્રણ રાખે છે, તેથી અગરિયાઓને પૈસાનો ખૂબ જ ઓછો ભાગ મળે છે. આ સંદર્ભમાં, મીઠું (મીઠા) અને ખારું (ખારા) શબ્દોનો અર્થ ફક્ત સ્વાદ કરતાં વધુ છે. મીઠાશ એ પરંપરાગત કૌશલ્યને જીવંત રાખવાનો ગર્વ દર્શાવે છે - જે પેઢીઓથી વારસામાં મળ્યું છે. તે પરિવારોમાં મજબૂત બંધનો અને મીઠું બનાવનારા હોવાની ઓળખનું પણ પ્રતિનિધિત્વ કરે છે. બીજી બાજુ, ખારાશ એ રોજિંદા મુશ્કેલીઓ, અદ્રશ્ય હોવાની લાગણી અને ટકી રહેવા માટે સતત સંઘર્ષ દર્શાવે છે. મીઠાશ અને ખારાશ બંને સાથે સાથે અસ્તિત્વ ધરાવે છે.
ખરેખર આ ગીતનો ખૂબ ઉંડો અર્થ દર્શાવે છે. ગીત ‘મીઠા ખારા’ રિલીઝ થયું છે ત્યારથી જ સોશ્યલ મીડિયા પર પ્રશંસા પામી રહ્યું છે. આ ગીતમાં આદિત્ય ગઢવી અને સિદ્ધાર્થ અમિત ભાવસારની સાથે મધુબંતી બાગચી (Madhubanti Bagchi) અને થાનુ ખાન (Thanu Khan) પણ છે.