‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’માં મલ્હાર ઠાકર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ

18 February, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`All the Best Pandya` Release Date: પ્રોડ્યુસર જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકરે ઓલ ધ બેસ્ટ પંડ્યા અગાઉ પણ ઘણી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે, જેથી હવે તેમની નવી ફિલ્મને પણ દર્શકો અગાઉની ફિલ્મોની જેમ ભરપૂર પ્રેમ આપશે તેવો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.

‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’

ગુજરાતી ફિલ્મોનો સ્ટાર ઍક્ટર મલ્હાર ઠાકરે એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી છે. લોકોના ફેવરેટ અભિનેતા મલ્હારની નવી ફિલ્મ હવે 14મી માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે. મલ્હારની આ નવી ફિલ્મનું નામ છે, ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા.’ જેથી હવે આ ફિલ્મ પણ મલ્હારની હિટ ફિલ્મોની યાદીમાં સામેલ થશે તે તો નક્કી જ છે એવી મેકર્સને આશા છે. જીગર ચૌહાણ પ્રોડક્શનની બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપીના સહયોગ સાથેની આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ ડિરેક્ટર કરી છે. આ બન્ને તેમના પ્રતિભાશાળી કામ માટે જાણીતા છે. આ ફિલ્મ જીગર ચૌહાણ, જીગર પરમાર અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશનવાઈડ રિલીઝ કરવામાં આવવાની છે. ઉલ્લેખનીય છે કે પ્રોડ્યુસર જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકરે ઓલ ધ બેસ્ટ પંડ્યા અગાઉ પણ ઘણી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે, જેથી હવે તેમની નવી ફિલ્મને પણ દર્શકો અગાઉની ફિલ્મોની જેમ ભરપૂર પ્રેમ આપશે તેવો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.

મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં જોવા મળવાનો છે. મલ્હાર સાથે દર્શન જરીવાલા (હસમુખ પંડ્યા), વંદના પાઠક (ઇન્દુ) અને યુક્તિ રાંદેરિયા (ભૂમિ) પણ મહત્ત્વપૂર્ણ રોલમાં નજરે પડશે. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો અક્ષય પંડ્યા (મલ્હાર) અને તેમના પિતા હસમુખ પંડ્યા (દર્શન જરીવાલા) વચ્ચેના સબંધો થોડાં જટિલ હોય છે. તેમના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે. હસમુખ પંડ્યા કે જે એક સિદ્ધાંતવાદી અને ઈમાનદાર વ્યક્તિ છે, તેના પર લાંચ લેવાનો આરોપ મુકવામાં આવે છે. કાયદાકીય રીતે તેને ન્યાય મળતો નથી. અક્ષય પોતાના પિતાને ન્યાય અપાવવા માટે કોર્ટમાં જાય છે. કોર્ટ રૂમમાં લાગણીઓનો સમન્વય દર્શાવતી આ એક સંપૂર્ણ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધો વચ્ચેની જટિલતાઓને શોધે છે, સાથે સાથે પ્રામાણિકતા, પરિવાર અને સત્યને પડકારતા કેસને પણ ઉજાગર કરે છે.

ફિલ્મમાં પ્રેમ ગઢવી, અંકિત બ્રહ્મભટ્ટ અને નિકિતા શાહ દ્વારા લેખિત આ ફિલ્મમાં સ્મિત જોશી, પ્રેમ ગઢવી, અર્ચન ત્રિવેદી, ધારા શાહ, સતીશ ભટ્ટ, નિસર્ગ ત્રિવેદી,  લિપી ત્રિવેદી, કર્તવ્ય શાહ, ફિરોઝ ઈરાની, ભાર્ગવ જોશી, નિકિતા શાહ, ઉર્મિલા સોલંકી, હિરણ્ય ઝીંઝુવાડિયા અને પ્રથમ પટેલ વગેરે કલાકારો પણ અત્યંત મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળવાના છે. એકંદરે, ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ એક હૃદયસ્પર્શી ફૅમેલી ડ્રામા ફિલ્મ છે જે પેઢીઓ વચ્ચેના અંતર, આદર અને સમજણ વિશે છે. તે મધ્યમ વર્ગના ભારતીય પરિવારની બદલાતી ગતિશીલતા પર પ્રકાશ પાડે છે, જ્યાં પરંપરા અને આધુનિક આકાંક્ષાઓ આમને- સામને આવે છે, પરંતુ પ્રેમ અને વિશ્વાસ દ્વારા વચ્ચેનો માર્ગ શોધે છે.

Malhar Thakar upcoming movie dhollywood news gujarati film entertainment news