પંકજ ત્રિપાઠી, નસીરુદ્દીન શાહ અથવા પંકજ કપૂર

12 July, 2025 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વહીદા રહમાનના મત મુજબ ગુરુ દત્તની બાયોપિક માટે આ ઍક્ટર્સ પર્ફેક્ટ છે : કહ્યું, યંગ સ્ટાર આ રોલ નહીં કરી શકે. એક ઇન્ટરવ્યુમાં જ્યારે વહીદા રહમાનને સવાલ કરવામાં આવ્યો કે શું ગુરુ દત્તની બાયોપિકને વિકી કૌશલ ન્યાય આપી શકશે?

ગુરુ દત્ત, વહીદા રહમાન, પંકજ ત્રિપાઠી, નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર

બૉલીવુડના મહાન ફિલ્મમેકર ગુરુ દત્તની ૯ જુલાઈએ ૧૦૦મી જયંતી ઊજવવામાં આવી હતી. વહીદા રહમાને આ અવસરે ગુરુ દત્તની બાયોપિક વિશે વાત કરતાં કહ્યું હતું કે બૉલીવુડના યંગ ઍક્ટર્સ ગુરુ દત્તનો રોલ ભજવવા જેટલા પરિપક્વ નથી. વહીદા રહમાન અને ગુરુ દત્તે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. હાલમાં ચર્ચા હતી કે ગુરુ દત્તની બાયોપિક બનાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે અને એમાં લીડ રોલ માટે વિકી કૌશલની પસંદગી કરવામાં આવી છે.

એક ઇન્ટરવ્યુમાં જ્યારે વહીદા રહમાનને સવાલ કરવામાં આવ્યો કે શું ગુરુ દત્તની બાયોપિકને વિકી કૌશલ ન્યાય આપી શકશે? એનો જવાબ આપતાં વહીદા રહમાને કહ્યું હતું કે ‘મને  લાગે છે કે આ રોલ કરવા માટે પંકજ ત્રિપાઠી, નસીરુદ્દીન શાહ કે પંકજ કપૂર  યોગ્ય પસંદગી છે. આ બધાના ચહેરા પર અને કામમાં પરિપક્વતા છે. આજના યંગ ઍક્ટર્સમાં આ ભૂમિકા ભજવવા માટે જે પરિપક્વતા જોઈએ એ નથી. આ રોલ યંગ ઍક્ટર નહીં કરી શકે.’

ગુરુ દત્તની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે થિયેટરમાં જોવા મળશે તેમની ક્લાસિક ફિલ્મો
દિગ્ગજ ફિલ્મનિર્માતા ગુરુ દત્તની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે ખાસ શ્રદ્ધાંજલિ તરીકે તેમની લોકપ્રિય ફિલ્મોનાં સંપૂર્ણપણે રીસ્ટોર્ડ વર્ઝન ૮થી ૧૦ ઑગસ્ટ સુધી ભારતભરનાં સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મોની યાદીમાં ‘બાઝ’ (૧૯૫૩), ‘પ્યાસા’ (૧૯૫૪), ‘મિસ્ટર ઍન્ડ મિસિસ 55’ (૧૯૫૫), ‘આરપાર’ (૧૯૫૭) અને ‘ચૌદહવીં કા ચાંદ’ (૧૯૬૦)નો સમાવેશ છે. આ ફિલ્મો દેશભરમાં  PVR અને સિનેપોલિસ જેવી થિયેટર-ચેઇન્સમાં તેમ જ કેટલીક સિંગલ સ્ક્રીન્સ પર રિલીઝ થશે. રિપોર્ટ પ્રમાણે એની ટિકિટના ભાવ ૧૦૦ રૂપિયાની આસપાસ હોઈ શકશે.

entertainment news guru dutt pankaj kapur pankaj tripathi naseeruddin shah waheeda rehman vicky kaushal upcoming movie bollywood buzz bollywood news bollywood events bollywood