06 May, 2025 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉંબરો
ગુજરાતી ઓટીટી પ્લેટફૉર્મ શેમારૂમાં પર ખૂબ જ ખાસ અને હ્રદયસ્પર્શી વાર્તા `ઉંબરો` હવે શેમારૂમી પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ કૉમેડી, ચેન્જ અને સ્વની શોધથી ભરપૂર એક અવિસ્મરણીય યાત્રા પર આધારિત છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા, નિર્દેશક અભિષેક શાહ દ્વારા નિર્દેશિત `ઉંબરો` એક મનોરંજક અને હ્રદયસ્પર્શી ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ સાત અલગ-અલગ એવી મહિલાઓની સુંદર અને રસપ્રદ વાર્તાને દર્શાવે છે, જે જીવનના જુદાં જુદાં ક્ષેત્રોમાંથી છે અને પહેલીવાર એક આંતરરાષ્ટ્રીય યાત્રા માટે લંડન જાય છે. આ પ્રવાસ તેમને પોતાને ઓળખવા, પોતાના ડરની સીમાને પાર કરવા અને જીવનને પોતાની શરતો પર જીવવાની આઝાદી આપે છે. આ પ્રવાસ એક સામાન્ય ફરવા માટેના ઉદ્દેશથી શરૂ થાય છે, પણ ઝડપથી તેમાં એક નવા અને ઊંડા ફેરફાર તરફ પ્રયાણ કરતી જોવા મળે છે.
વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોષી, તર્જિની ભાડલા, તેજલ પંચસરા, વિનીતા જોષી, ત્રિવેજા અને અરજદાર સહિત વાઇબ્રન્ટ એક્ટર્સની સ્ટાર ટીમ દ્વારા જીવંત બનેલી સંસ્કૃતિ, સંબંધો અને સ્વ-વૃદ્ધિનું એક રંગીન ચિત્ર ‘ઉંબરો’ રજૂ કરે છે. આ ફિલ્મમાં લંડનની પ્રતિષ્ઠિત પૃષ્ઠભૂમિ માત્ર એક દ્રશ્ય નથી પણ એક પ્રતીક છે. આ એક એવી જગ્યા છે જે પરિચિત ક્ષેત્રમાંથી બહાર નીકળીને શક્યતાઓમાં પગ મૂકવાનું આમંત્રણ આપે છે.
દિગ્દર્શક અભિષેક શાહ કહે છે, “સ્વ-અભિવ્યક્તિ અને અજાણ્યા અવાજોને પ્લેટફોર્મ આપતી ફિલ્મ ‘હેલ્લારો’નું દિગ્દર્શન અને નિર્માણ કર્યા પછી, મેં ‘કમઠાણ’નું નિર્માણ કર્યું જે શક્તિશાળી અને ગરીબ વચ્ચેના સંઘર્ષને ઉજાગર કરે છે. આગળ, દિગ્દર્શક તરીકે ‘ઉંબરો’ બનાવવાની પ્રેરણા એક હળવી વાર્તામાંથી મળી જે આંતરિક સીમાઓ પાર કરવાનો ઊંડો સંદેશ આપે છે. હું જીવનના કોઈક સમયે આપણે બધા જે ‘થ્રેશોલ્ડ’માંથી પસાર થઈએ છીએ તેનું અન્વેષણ કરવા માંગતો હતો. તે ક્ષણ જે આપણી પાસેથી નિર્ણય લેવાની માગ કરે છે, પછી ભલે તે નાની હોય કે મોટી. દરેક ફિલ્મ, પોતાની રીતે, એક નવો અવાજ બનાવે છે, પછી ભલે તે મૌન, સંઘર્ષ અને અંતે પોતાનો અવાજ શોધવાની શક્તિ હોય, અને આ બધું એક નવા અને સફળ મનોરંજનની શોધ તરફ દોરી જાય છે.”
`સીમાબેન`ની ભૂમિકાને પડદા પર તેજસ્વી લાગણી સાથે ભજવતી અભિનેત્રી વંદના પાઠક કહે છે, "સીમા પટેલનું પાત્ર મને આપણી આસપાસની ઘણી સ્ત્રીઓની યાદ અપાવે છે જેમ કે માતાઓ, કાકીઓ, પડોશની કાકીઓ જેઓ આખી જીંદગી બીજાઓની સંભાળ રાખતી રહી છે પરંતુ ક્યારેય પોતાની ઇચ્છાઓ વિશે વિચાર્યું નથી. `ઉંબરો` એ મને તે સ્ત્રીઓને ટ્રિબ્યૂટ આપવાની તક આપી. આ ફક્ત એક ફિલ્મ નથી, એક અરીસો છે, એક યાદ અપાવે છે કે પોતાને પસંદ કરવામાં ક્યારેય મોડું થતું નથી."
અન્વેષાનું આત્મનિરીક્ષણ અને ઊંડાણપૂર્વકનું પાત્ર ભજવતી દીક્ષા જોશી કહે છે, “‘ઉંબરો` ફિલ્મમાં કામ કરવું મારા માટે એક થેરેપી જેવો અનુભવ હતો. મેં ફરીથી ડાયરી લખવાનું શરૂ કર્યું, જે મેં ક્યાંક ખોઈ દીધું હતું. અન્વેષા એક ઊંડા ભાવનાત્મક ઉથલપાથલમાંથી પસાર થઈ રહી છે, તેની અંદર એક મોટો ડર છે જેનો સામનો કરવાની તેને હિંમત નથી. તે અજાણતાં જ તે ડરને ટાળી રહી છે અને તેને તેના બબલી હરકતો પાછળ છુપાવી રહી છે. સ્ત્રીની સફરને આટલી સરળતા અને પ્રામાણિકતા સાથે પ્રકાશિત કરતી સ્ક્રિપ્ટો ભાગ્યે જ મળે છે. મારું માનવું છે કે આ ફિલ્મ ઘણી સ્ત્રીઓને નવી શરૂઆત તરફ પહેલું પગલું ભરવાની હિંમત આપશે, પછી ભલે તે મુસાફરી હોય, ઉપચાર હોય કે સ્વીકૃતિ હોય.”
તો `Umbro` હવે જોવા મળશે ફક્ત ShemarooMe, હમણાં જ જુઓ.