23 August, 2025 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાણી
મુંબઈ અને સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં બૉક્સ-ઑફિસ પર ઍક્શન અને રોમૅન્સની હોડ વચ્ચે સોશ્યલ કૉમેડી ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’ ધીમે-ધીમે લાંબી દોડ દોડી રહી છે. ફિલ્મ હવે ચોથા સપ્તાહમાં વધુ પ્રેક્ષકોને આકર્ષી રહી છે અને અનેક શો ઉમેરાઈ રહ્યા છે તથા અનેક જગ્યાએ હાઉસફુલનાં બોર્ડ્સ લાગી રહ્યાં છે.
આ સ્થિરતા પાછળનું કારણ છે ફિલ્મનું સાફ પારિવારિક મનોરંજન. નૅશનલ અવૉર્ડ વિજેતા દિગ્દર્શક વિરલ શાહના નેતૃત્વમાં લેખકો રામ મોરી અને હાર્દિક સાંગાણીની સ્પષ્ટ પટકથા શહેરી અને ગ્રામ્ય બન્ને પ્રેક્ષકોને જોડે છે. હળવા હાસ્ય વચ્ચેનો સામાજિક મેસેજ ફિલ્મને સંબંધિત બનાવે છે.
કથાના કેન્દ્રમાં છે રાણી (શ્રદ્ધા ડાંગર) જે ભોળી અને દિલની સાફ કામવાળી છે. તે માનસી પારેખ અને ઓજસ રાવલના વૈભવશાળી ઘરમાં આવે છે. રોજિંદી પરિસ્થિતિઓમાંથી જનમતા રમૂજ-ટૂચકા, ગેરસમજ અને સ્નેહભરી ટકરામણ ફિલ્મને સતત જીવંત રાખે છે. સંજય ગોરડિયા સહિત અન્ય કલાકારોનું ટાઇમિંગ ફિલ્મને વધુ રમૂજી બનાવે છે.
આ ફિલ્મનાં ગીતો ધૂમ મચાવી રહ્યાં છે. પ્રેક્ષકો માટે આ ફિલ્મ એકમાત્ર પસંદગી બની રહી છે. આજની મારધાડવાળી ફિલ્મોથી વિપરીત આ ફિલ્મનો હળવો અંદાજ અને સંબંધોની મીઠાશ એને વારંવાર જોવાલાયક બનાવે છે જે આ ફિલ્મે સાબિત કર્યું છે.