`વેલકમ પૂર્ણિમા` રિવ્યૂ : ઘરના કૉમેડી કકળાટમાં `આત્માના લગ્ન` માણવા અને જાણવા જેવા

29 May, 2023 12:46 PM IST  |  Mumbai | Nirali Kalani

ભૂત પ્રેતના ડરથી ફાટી ગયેલી આંખો વચ્ચે ખડખડાટ હાસ્ય લાવે એવી `વેલકમ પૂર્ણિમા` નામની આ ફિલ્મે નવા જૉનરને વેલકમ કર્યુ છે. આત્માના લગ્નનો વળાંક ફિલ્મને ખુબ જ રસપ્રદ બનાવે છે.

વેલકમ પૂર્ણિમા

ફિલ્મ: `વેલકમ પૂર્ણિમા`

કાસ્ટ: હિતેન કુમાર, હેમ સેવક, માનસી રાચ્છ, બિંદા રાવલ, જ્હાનવી ગુર્નાની અને ચેતન ધાનાણી

લેખક: ચેતન દૈયા

દિગ્દર્શક: ઋષિલ જોશી 

પ્લસ પોઈન્ટ: રસપ્રદ વાર્તા, સંગીત, સિનેમેટોગ્રાફી

માઈનસ પોઈન્ટ: ફર્સ્ટ હાફ લંબાવાયો, એક્શન પર રિએક્શન થોડા અંશે નબળા

રેટિંગ: 3.5/5

અમિતાભ બચ્ચનની `ભૂત અંકલ`, સલમાન ખાનની `હેલો બ્રધર`, અક્ષય કુમારની `ભૂલ ભૂલૈયા`, અનુષ્કા શર્માની `ફિલૌરી`, પ્રતીક ગાંધીની `અતિથી ભૂતો ભવ` અને છેલ્લે થોડા મહિનાઓ પહેલા આવેલી વરુણ ધવનની `ભેડિયા` સહિતની ઘણી બધી બૉલિવૂડ ફિલ્મમાં ભૂત પ્રેતની વાર્તા કેન્દ્રમાં રહી છે. `આત્મા`ને વિવિધ પાત્રોમાં ઢાળી તેને નવિનતમ શૈલીમાં રજૂ કરવાનો બૉલિવૂડનો પ્રયાસ આ બધી ફિલ્મમાં પ્રતીત થાય છે. હિન્દી ભાષામાં બનેલી આવી ફિલ્મો જોવાની તાલાવેલીની તો ક્યાં વાત જ કરવી, પણ જો આવા જ વિષય સાથેની ફિલ્મ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં રજૂ થાય અને વાત ન કરીએ તો તે વાતમાં પણ દમ નહીં. ભૂત પ્રેતના ડરથી ફાટી ગયેલી આંખો વચ્ચે ખડખડાટ હાસ્ય લાવે એવી `વેલકમ પૂર્ણિમા` નામની આ ફિલ્મે નવા જૉનરને વેલકમ કર્યુ છે. 

ફિલ્મની વાર્તા શરૂ થાય છે જેમનામાં હિંમતનો હ પણ નથી એવા હિંમતલાલ અંધારિયા( હિતેન કુમાર)થી, જે એક મેરેજ બ્યુરો ચલાવે છે. 999 લગ્ન સફળતાપૂર્વક કરાવનાર હિંમતલાલ અંધારિયાના જીવનમાં અંધારુ ત્યારે આવે છે જ્યારે તેમનો ખુદનો દીકરો યુગ (હેમ સેવક) લગ્ન ન કરવાની હઠ પર આવી જાય છે. જ્યારે બીજી તરફ, જોતાવેંત જ દરેક છોકરીને ગમી જાય એવા સોહામણા યુગ પાછળ કથા (માનસી રાચ્છ)પણ કંઈ ઓછી ઘેલી નથી, તેણીના અથાગ પ્રયાસો છતાં યુગભાઈ ઈમ્પ્રેસ થવાથી રહ્યાં. નોવેલ લખવામાં રચ્યો પચ્યો રહેતો યુગ લગ્ન ન કરવા પડે તેના માટે બહાનાબાજી કરતો હોય છે. પરંતુ અચાનક, ઘરમાં કોઈને પણ કહ્યાં વગર યુગ લગ્ન કરી લે છે. બાદમાં ઘરે બધાને આ અંગે જાણ કરે છે ત્યારે બધાના ચહેરા હરખથી ચમકી ઉઠે છે. પણ ટ્વિસ્ટ તો ત્યારે આવે છે જ્યારે યુગ કહે છે કે તેની પત્નીને જોઈ નથી શકાતી, સાંભળી નથી શકાતી અને તે બોલતી પણ નથી. આ સાંભળી ઘરના સભ્યો હક્કા બક્કા થઈ જાય છે. જેવી ખબર પડે છે કે યુગે એક આત્મા સાથે લગ્ન કર્યા છે ઘરમાં શરૂ થાય છે કૉમેડી ભરેલો કકળાટ. આ બધી પળોજણમાં કથાનું શું થાય છે એ પણ જોવા જેવું છે. આત્માના લગ્નનું સાંભળતા તમારા મનમાં પણ હજારો સવાલ ઉદ્ભવતા હશે, કે ખરેખર આત્માના લગ્ન થાય? શું એક જીવંત વ્યક્તિ મૃત વ્યક્તિ સાથે એટલે કે આત્મા સાથે લગ્ન કરે? અને જો કરી પણ લે તો કેવી પરિસ્થિતિ સર્જાઈ? આ બધા જ સવાલોના જવાબ છે `વૅલકમ પૂર્ણિમા`.

પરફોર્મન્સ

`વશ` બાદ હિતેન કુમાર એકદમ વિપરિત પાત્રમાં જોવા મળ્યા છે. હિંમતલાલ અંધારિયાના પાત્રમાં દિગ્ગજ અભિનેતા હિતેન કુમાર એક હિસાબી અને પાક્કા ગુજરાતી બાપમાં ઉભરી આવ્યાં છે. હિતેન કુમાર આ ફિલ્મમાં એક અલગ જ કૉમિક અંદાજમાં જોવા મળશે, જે તમને પસંદ આવશે.  

ફિલ્મમાં હિંમત લાલના દીકરા યુગની ભૂમિકામાં હેમ સેવકનો લૂક તમારું મન મોહી લેશે. હેમ સેવકની આ પહેલી ફિલ્મ છે. મોર્ડન અને પોતાની લાઈફના નિર્ણય જાતે જ લેવાની વિચારધારા ધરાવતો અને પોતાનામાં જ મસ્ત રહેતા યુગના પાત્રને હેમ સેવકે જે રીતે ભજવ્યું છે એ પ્રંશસાને પાત્ર છે.  

યુગ પાછળ ઘેલી થયેલી કથાના પાત્રમાં માનસી રાચ્છની એન્ટ્રીમાં તમને મોજ પડી જશે. જાણે કે લેડી ડૉન હોય એવા અંદાજમાં થતી એન્ટ્રીમાં માનસી રાચ્છનો એટિટ્યુડ ઈમ્પ્રેસિવ છે. કથામાં રહેલો નિખાલસતાનો ભાવ જાળવવામાં માનસીના વખાણ કરવા જ રહ્યાં. 

યુગની માતાના પાત્રમાં બિંદા રાવલની કૉમિક ટાઈમિંગ તમને પેટ પકડીને હસાવશે. તો યુગની નાની બહેનના પાત્રમાં જ્હાનવી ગુર્નાનીનો અભિનય સહજ અને સરાહનીય છે. `રેવા` જોઈને જેના તમે ચાહક બની ગયા હશો એવા ચેતન ધાનાણીએ વિલનના રોલમાં અદ્ભૂત કામ કર્યુ છે. નવા રૂપમાં ચેતન ધાનાણીને જોયા બાદ ફિલ્મની મજા બમણી થઈ જશે. ઓવરઓલ કલાકારોનો અભિનય નોંધનીય છે પરંતુ કેટલાક જગ્યાએ એક્શન પર રિએક્શન થોડા અંશે નબળાં રહ્યાં છે.  

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવા જૉનરની વાર્તા રજૂ કરવાના પ્રયાસ બદલ ફિલ્મ નિર્માતા ભરત સેવક, નિર્દેશક ઋષિલ જોશી અને લેખક ચેતન દૈયાને તાળીઓથી વધાવવાં જ જોઈએ. જોકે, આમ તો હોરર વિષય લઇને બાગડબિલ્લા ફિલ્મ આવી ચૂકી છે. પરંતુ આ ફિલ્મની સ્ટોરી તદ્દન અલગ છે. ફિલ્મમાં આત્માના લગ્નનો વિષય દર્શકો માટે નવો હશે. ફિલ્મમાં ચેતન દૈયાએ લેખક તરીકે અને ઘંટીવાલે બાબાના પાત્રના રોલ સાથે બેવડી ભૂમિકા નિભાવી છે. ફિલ્મની રસપ્રદ વાર્તાથી દર્શકોનું દિલ જીતવામાં ચેતન દૈયા સફળ રહી શકે છે તો બીજી બાજુ `બાબા`ના પાત્રમાં તેમણે ભરપૂર મનોરંજન પુરૂં પાડ્યું છે. સંવાદોને વધુ અસરકારક બનાવી શકાયા હોત.સ્ક્રિપ્ટમાં આત્માના લગ્નનો જે વળાંક અપાયો છે તે ફિલ્મની વાર્તાના વધારે રસપ્રદ અને કૉમિક બનાવે છે. 

હૉરર કૉમેડી ફિલ્મ હોય ત્યારે ભય અને હાસ્યનું પલડું સરખું રહે તે ખુબ આવશ્યક હોય છે, બંને વિષયનું સંતુલન જાળવવામાં નિર્દેશક ઋષિલ જોશી સફળ રહ્યાં છે. ફર્સ્ટ હાફ થોડો લંબાવાયો છે. જે દર્શકોને નિરાશ કરી શકે છે. પરંતુ સેકન્ડ હાફ શરૂ થતાં જ ફિલ્મ જે ગ્રાફ પકડે છે તે તમને અંત સુધી જકડીને રાખશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી તમને બૉલિવૂડ ફિલ્મ જેવો અનુભવ કરાવશે. બીજા હાફમાં ઘણાં બધા સીન તમારું દિલ જીતી લેશે.વહુના રૂપમાં આત્મા જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ડરના માર્યે તમારી આંખો ફાટીને ફાટી રહી જશે તો બીજી બાજુ પેટ પકડીને હસી પડશો એવી ઘરના સભ્યોની હાલત જોવા મળશે. 

મ્યુઝિક 

ફિલ્મના મ્યુઝિકની વાત કરીએ તો સંગીત સંજીવ રાઠોડ અને દર્શન રાઠોડે આપ્યું છે. ભૂતપ્રેત સાથે નિસ્બત ધરાવતી ફિલ્મમાં મ્યુઝિક પણ અગત્યનો ભાગ ભજવે છે.  બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વખાણવા લાયક તો છે જ, પરંતુ કેટલાક સીનમાં વધુ સારુ સંગીત હોત તો સોનામાં સુગંધ ભળી જાત. ફિલ્મના બે અદ્ભૂતો ગીતો `પ્રેમ છે..` અને ટાઈટલ સોન્ગ `વૅલકમ પૂર્ણિમા` સાંભળ્યા બાદ તે ગીતો તમારા મોઢે ચડી જશે. `પ્રેમ છે..` ગીતના શબ્દો તમારા હ્રદય સુધી ચોક્કસ પહોંચશે તો વેલકમ પૂર્ણિમાનું ફિલ્માંકન જોઈ તમને આનંદ આવશે. 

ફિલ્મ જોવી કે નહીં?

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે મિનિ ટાઈમ સ્પેન્ડ કરવા આ ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરવું બેસ્ટ વિકલ્પ રહેશે. સમગ્ર પરિવાર સાથે બેસી હૉરર સાથે ભરપૂર કૉમેડીનો ડોઝ આપતી ટોટલ મનોરંજક ફિલ્મ `વેલકમ પૂર્ણિમા` જોયા બાદ રિફ્રેશમેન્ટનો અનુભવ ચોક્કસ થશે. 

dhollywood news entertainment news gujarati film hiten kumar nirali kalani film review