ભારતે જીત્યો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, ગુજરાતી ફિચર ફિલ્મ ‘છેલ્લો શૉ’ બની બેસ્ટ ફિલ્મ

08 November, 2021 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નિર્દેશક પાન નલિનની ગુજરાતી ફીચર ફિલ્મ ‘છેલ્લો શૉ’એ સ્પેનમાં સેમિન્સી (SEMINCI) 66મા વલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ માટે ગોલ્ડન સ્પાઇક એવોર્ડ જીત્યો છે.

તસવીર સૌજન્ય: PR

નિર્દેશક પાન નલિનની ગુજરાતી ફીચર ફિલ્મ ‘છેલ્લો શૉ’એ સ્પેનમાં સેમિન્સી (SEMINCI) 66મા વલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ માટે ગોલ્ડન સ્પાઇક એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ સાથે ફિલ્મે 75000 યુરો (65 લાખ રૂપિયા)નું રોકડ ઈનામ પણ મેળવ્યું છે, જે ફિલ્મ છેલ્લો શૉના સ્પેનિશ ડિસ્ટ્રીબ્યુટર કર્મા ફિલ્મ્સને આપવામાં આવશે.

1956 માં તેની રચના થઈ ત્યારથી, સેમિન્સી સ્પેનના મુખ્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાંનું એક બની રહ્યું છે, જે આગવી અને સ્વતંત્ર ફિલ્મોની પસંદગીના ક્ષેત્રમાં આગળ છે. તાજેતરમાં આ ફિલ્મે કેલિફોર્નિયામાં મિલ વેલી (Mill Valley) ખાતે ઓડિયન્સ એવોર્ડ પણ જીત્યો છે. હવે સેમિન્સી ખાતેની આ પ્રતિષ્ઠિત જીતે ચોક્કસપણે ઓસ્કારમાં છેલ્લો શૉને ભારતમાંથી આવનાર ફિલ્મોમાંની સૌથી મજબૂત દાવેદાર બનાવી છે. છેલ્લા ચાર દાયકામાં છેલ્લો શૉ આ એવોર્ડ જીતનારી બીજી ભારતીય ફિલ્મ બની છે. પહેલી ફિલ્મ 1983માં મૃણાલ સેનની ‘ખારીજ’ને એનાયત કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભે લેખક અને દિગ્દર્શક પાન નલિને જણાવ્યું કે “અમે સૌરાષ્ટ્રના દૂરના ગ્રામ્ય વિસ્તારમાં અમારા એકાંતમાં જે શરૂઆત કરી હતી તે હવે સમગ્ર વિશ્વમાં ગુંજવા લાગી છે. ભારતીય સિનેમા માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે કે એક ગુજરાતી ફિલ્મ વિશ્વભરના લોકોનું દિલ જીતી રહી છે. સેમિન્સી ખાતે બેસ્ટ ફિલ્મ ગોલ્ડન સ્પાઈક જીતવું એ સિનેમા માટે બહુ જ ગર્વની વાત છે.”

આ સિદ્ધિ બદલ નિર્માતા ધીર મોમાયાએ કહ્યું કે “ફિલ્મ છેલ્લા શૉની વિશ્વવ્યાપી પ્રશંસાથી અમે ખૂબ જ રોમાંચિત છીએ, પરંતુ હું તેને ભારતમાં ટૂંક સમયમાં રિલીઝ કરવા માટે વધુ ઉત્સાહિત છું, કારણ કે ભારતના દર્શકોની પ્રતિક્રિયાઓ જોયા પછી, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે દરેક ભારતીય ભારતની જુગાડુ ભાવનાની આ વાર્તા જુએ જે કહે છે કે તમારા અને તમારા સપના વચ્ચે કંઈ ન આવવું જોઈએ. આ બધા ઉપરાંત છેલ્લો શોમાં તમને હસાવવા અને રડાવવા માટે તમામ તત્વો છે. અને અંતે, તે તમને આશાઓ અને સપનાઓની શક્તિ સાથે છોડી દે છે. આ એક ફીલ-ગુડ-મૂવી છે જે તમારી અંદર હંમેશા રહે છે.”

ફિલ્મ છેલ્લો શૉનું જૂન 2021માં ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થયું હતું જ્યાં તેણે ઑડિયન્સ એવોર્ડમાં ફર્સ્ટ રનર અપ નો પુરસ્કાર જીત્યો હતો અને આ ફિલ્મને ચીનનો તિયાનટન એવોર્ડ નોમિનેશન પણ જીત્યું હતું. આ ફિલ્મને સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટે આમંત્રિત કરવામાં આવી છે, જેમાં  સિડની, તાઈપી ગોલ્ડન હોર્સ, ફિલાડેલ્ફિયા, ઓસ્લો વગેરે પણ શામેલ છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નિર્માણ અમરેલી સ્થિત છેલ્લો શૉ LLP, ધીર મોમાયા (જુગાડ મોશન પિક્ચર, મુંબઈ), પાન નલિન (મોન્સૂન ફિલ્મ્સ, મુંબઈ) અને માર્ક ડુઅલ (સ્ટ્રેન્જર88, બુડાપેસ્ટ), વર્જિની લેકોમ્બે (વર્જની ફિલ્મ્સ પેરિસ) અને એરિક ડુપોન્ટ (ઇનકોગ્નિટો ફિલ્મ્સ પેરિસ) સાથે મળીને કરવામાં આવ્યું છે. ઓરેન્જ સ્ટુડિયો કંપની આ ફિલ્મનું વિશ્વભરમાં વેચાણ કરી રહી છે.

entertainment news dhollywood news gujarati film