‘ઇટ્ટા કિટ્ટા’ માટે મારી હા હોય તો જ પ્રોજેક્ટને આગળ વધારવા માગતા હતા ડિરેક્ટર્સ : માનસી પારેખ

25 January, 2024 06:02 AM IST  |  Mumbai | Harsh Desai

માનસીએ કહ્યું કે ‘આ ફિલ્મના ડિરેક્ટર્સ અભિન્ન શર્મા અને મંથન પુરોહિત મને બે વર્ષ પહેલાં મળ્યા હતા. તેઓ મારી પાસે એક નાની સ્ટોરી લઈને આવ્યા હતા કે અડૉપ્શન પર આવી ફિલ્મ બનાવવા માગતા હતા.

માનસી પારેખ

માનસી પારેખનું કહેવું છે કે ‘ઇટ્ટા કિટ્ટા’ના ડિરેક્ટર્સ અભિન્ન શર્મા અને મંથન પુરોહિતની વાત તેના દિલને ખૂબ જ સ્પર્શી ગઈ હતી. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને એમાં માનસીની સાથે રોનક કામદારે કામ કર્યું છે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક ખાસ વાત વિશે જણાવતાં માનસીએ કહ્યું કે ‘આ ફિલ્મના ડિરેક્ટર્સ અભિન્ન શર્મા અને મંથન પુરોહિત મને બે વર્ષ પહેલાં મળ્યા હતા. તેઓ મારી પાસે એક નાની સ્ટોરી લઈને આવ્યા હતા કે અડૉપ્શન પર આવી ફિલ્મ બનાવવા માગતા હતા. તેમણે મને કહ્યું હતું કે જો હું આ ફિલ્મ માટે હા પાડીશ તો જ તેઓ આ પ્રોજેક્ટને આગળ વધારવા માગે છે. હું એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને મારા માટે આ ખૂબ જ મોટી વાત છે કે કોઈ ફિલ્મમેકર તમારી પાસે આવીને કહે કે જો હું ફિલ્મ કરવાની ના પાડીશ તો તેઓ આ ફિલ્મ નહીં બનાવે. તેમની આ વાત મારા દિલને ખૂબ જ સ્પર્શી ગઈ હતી. તેમ જ તેમની સ્ટોરી પણ એટલી જ અનોખી હતી. અભિન્ન અને મંથનની અડૉપ્શનની આ પ્રકારની સ્ટોરી મેં અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ તો છોડો, હિન્દી ફિલ્મમાં પણ નથી જોઈ. મને આ સ્ટોરી ખૂબ જ ગમી હોવાથી મેં ફિલ્મ માટે હા પાડી દીધી હતી. છેલ્લા એક અઠવાડિયાથી ફિલ્મને પણ સુપર્બ રિસ્પૉન્સ મળી રહ્યો છે. બૉક્સ-ઑફિસ પર પણ ફિલ્મ ખૂબ જ સારી હિટ જઈ રહી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ખૂબ જ હિંસક ફિલ્મો અને ઓવર-ધ-ટૉપ ડ્રામેટિક અને સિનેમૅટિક ફિલ્મો ખૂબ જ ચાલી રહી હોય ત્યારે એક સિમ્પલ ફૅમિલી ફિલ્મ અને એ પણ રીજનલ લૅન્ગ્વેજમાં જેમાં લવ સૉન્ગ કે આઇટમ સૉન્ગ નથી એમ છતાં એ બૉક્સ-ઑફિસ પર ચાલી રહી છે એ માટે હું આભારી છું.’

entertainment news dhollywood news manasi parekh