‘Kasoombo’ Review : શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ ‘કસૂંબો’

17 February, 2024 11:00 AM IST  |  Mumbai | Rachana Joshi

‘Kasoombo’ Review : ફિલ્મમાં અભિનેતાઓ ઉપરાંત જેને કલાકાર કહી શકાય તે છે સંવાદો અને ડાયરેક્ટર ઑફ ફોટોગ્રાફી, બન્નેને હેટ્સ ઑફ કરવું જ પડે

‘કસૂંબો’નું પોસ્ટર

ફિલ્મ : કસૂંબો

કાસ્ટ : ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, એમ મોનલ ગજ્જર, ચેતન ધનાણી, ફિરોઝ ઈરાની, કલ્પના ગાગડેકર, જય ભટ્ટ, મનોજ શાહ, રાગી જાની, કોમલ ઠક્કર, તત્સત મુનશી

લેખક : રામ મોરી, વિજયગીરી બાવા

દિગ્દર્શક : વિજયગીરી બાવા

રેટિંગ : ૪/૫

પ્લસ પોઇન્ટ : સંવાદ, સંગીત, કાસ્ટિંગ, વિએફએક્સ, સિનેમોટોગ્રાફી, પ્રોડક્શન વેલ્યૂ

માઇનસ પોઇન્ટ : ફિલ્મની લંબાઈ, ધીમી શરુઆત

ફિલ્મની વાર્તા

ફિલ્મ ‘કસૂંબો’ની વાર્તા વિમલકુમાર ધામીની ઐતિહાસિક નવલકથા ‘અમર બલિદાન’ પરથી પ્રેરિત છે. અલાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે તે સૌરાષ્ટ્રના પાલીતાણામાં જૈનોના પવિત્ર મંદિરો શત્રુંજય તીર્થ પર કબજો કરવા માંગતો હતો, ત્યારે આદિપુર ગામના બારોટ સમાજે ગામના મુખી દાદુ બારોટની આગેવાનીમાં પવિત્ર મંદિરોને સુરક્ષિત રાખવાનું અને ઉની આંચ પણ નહીં આવવા દેવાનું બીડું ઝડપ્યું હતું. અલાઉદ્દીન ખિલજી જ્યારે શત્રુંજયની તળેટીમાં આક્રમણ કરે છે ત્યારે બારોટ સમાજના ૫૧ વીર-વીરાંગનાઓએ અમર બલિદાન આપ્યું હતું. શૌર્ય અને સમર્પણની ૧૪મી સદીની ઐતિહાસિક ગાથા કસૂંબોએ આદિપુર ગામના ૫૧ બહાદુર વીર-વીરાંગનાઓને અંજલિ છે.

પરફોર્મન્સ

‘કસૂંબો’માં દરેક પાત્રએ પોતાને ફાળે આવેલું કામ બખુબી નિભાવ્યું છે. ફિલ્મમાં અનેક જાણીતા કલાકારો છે. મલ્ટી સ્ટારર ફિલ્મની સેના ખરેખર બહુ જ મોટી છે. જ્યારે આ પ્રકારની મહત્વાકાંક્ષી અને મલ્ટી સ્ટારર ફિલ્મ હોય ત્યારે કાસ્ટિંગમાં નોંધપાત્ર પડકારો હોય છે છતાં અભિષેક શાહના કાસ્ટિંગની પ્રશંસા કરવી જ રહી.

દાદુ બારોટનું પાત્ર ભજવતા ધર્મેન્દ્ર ગોહિલ સ્ક્રિન પરથી એકપણ વાર તમારી નજર નહીં હટવા દે. એક પ્રતિષ્ઠિત અને પ્રચંડ લીડરની ભૂમિકામાં ધર્મેન્દ્ર ગોહિલ સંપૂર્ણ લાગે છે. અમર બારોટના પાત્રમાં રોનક કામદાર એક યોદ્ધાની ભૂમિકામાં જોવા મળે છે. આ પહેલા રોનકને તમે આવા પાત્રમાં ક્યારેય નહીં જોયો. હંમેશા ચહેરા પર મનમોહક સ્મિત ધરાવતો રોનક આ ફિલ્મમાં તાકાત અને વીરતા દર્શાવે છે. દાદુ બારોટની પુત્રી સુજાનના પાત્રમાં શ્રદ્ધા ડાંગર એક શક્તિશાળી અને સમજૂ વીરાંગનાની ભૂમિકામાં પોતાનું ર્સ્વસ્વ આપી દીધું છે. અલાઉદ્દીન ખિલજીની ભાણેજ રોશનના પાત્રમાં મોનલ ગજ્જરની સુંદરતા અને નિર્દોષતા ફિલ્મમાં દેખાય છે. અલાઉદ્દીન ખિલજીના પાત્રમાં દર્શન પંડ્યાની આંખો અને અવાજ તીવ્રતા અને નિર્દયતા દર્શાવવા પૂરતા છે. અલાઉદ્દીન ખિલજીના પાત્રમાં દર્શન પંડ્યાને જોવાનો એક અલગ જ લ્હાવો છે. એક સીનમાં જ્યારે અલાઉદ્દીન ખિલજી શત્રુંજય જોવા પહોંચે છે ત્યારે દર્શન પંડ્યાની બૉડી લેન્ગવેજ તમને ચોક્કસ બૉલિવૂડમાં ખિલજીનું પાત્ર ભજવનાર રણવીર સિંહની યાદ અપાવશે. તે સિવાય ફિલ્મમાં ચેતન ધનાણી નાની પણ મહત્વની એવી અર્જુનની ભૂમિકા ભજવે છે. ચેતન ધનાણીનો અભિનય અને કાઠીયાવાડી લહેકો બન્ને બહુ ગમશે. અહીં એક ખાસ કલાકારના વખાણ કરવા રહ્યા તે છે રાગી જાની, મહારાજની એક નાનકડી ભૂમિકામાં રાગી જાની ઉંડી છાપ છોડી જાય છે. તો તત્સત મૂનશી પણ નાનકડી ભૂમિકામાં જોવા મળે છે. આ સાથેવ જ સપોર્ટમાં ફિરોઝ ઈરાની, કલ્પના ગાગડેકર, જય ભટ્ટ, મનોજ શાહ, કોમલ ઠક્કરે પાત્રને પુરે-પુરો ન્યાય આપ્યો છે.

અહીં એક વાત કરવી જ રહીં, કલાકારોમાં શરુઆતમાં શૌર્ય રસ અને વીરતા થોડેક અંશે ખૂટતી હોય તેવું લાગે છે પરંતુ સમય જતાં તે પકડ પાછી આવી જાય છે. જોકે, ધર્મેન્દ્ર ગોહિલ, શ્રદ્ધા ડાંગર, ચેતન ધનાણી, કલ્પના ગાગડેકર સિવાયના કલાકારો કાઠીયાવાડી બોલીનો લહેકો જાળવવામાં સંઘર્ષ કરતા હોય તેવું લાગે છે. તો દર્શન પંડ્યા સિવાય મોનલ ગજ્જર અને કોમલ ઠક્કરને પણ ઉર્દૂ બોલવામાં થોડીક મુશ્કેલી પડતી જણાય છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

‘કસૂંબો’ ફિલ્મના સંવાદો ફિલ્મની જાન છે, જે દરેક દરેક ડાયલોગમાં જાજરમાન જોવો અનુભવ કરાવે છે. આ સંવાદો લખ્યા છે રામ મોરીએ. દરેક પાત્ર જ્યારે ડાયલોગ બોલે છે ત્યારે ચોક્કસ થિયેટરમાં તાળી પાડવાનું મન થાય. ફિલ્મમાં અનેક જગ્યાએ એવું છે કે, ડાયલોગ શૌર્ય રસ જાળવી રાખે છે.

ફિલ્મના મેજર માઇનસ પોઇન્ટની વાત કરીએ તો તે છે ધીમી શરુઆત અને ટાઇટ સ્ક્રિપ્ટ. શરુઆત પ્રેક્ષકોને જકડી રાખે છે પણ વચ્ચે ક્યાંય પકડ સહેજ છૂટી જતી હોય તેવું લાગે છે. જોકે ઇન્ટરવલ સીન પ્રેક્ષકોને ફરી ખેંચી લાવે છે અને આગળ ફિલ્મમાં શું થશે તે માટેની ઉત્સુકતા જગાડે છે. સિનેમા જોવાની અને અનુભવવાની વસ્તુ છે. એમાં સતત બોલીને બધુ દેખાડવું જરુરી નથી એટલે જ એ જ સિનેમા છે. આ ફિલ્મના ફર્સ્ટ હાફમાં વર્બોઝ બહુ છે, બોલીને બહુ કહેવાયું છે, જો તેને ટાઇટ કરવામાં આવ્યા હોત તો રજુઆત હજી ધારદાર થઈ શકી હોત. શરુઆતમાં ધીમી પડેલી ફિલ્મનો સેકેન્ડ હાફ વધુ સારો છે. જે દર્શકોને ક્લાઇમેક્સ સુધી જકડીને રાખે છે. એટલું જ નહીં, ક્લાઇમેક્સ તો રુંવાડા ઉભા કરી દે છે અને આંખમાં આંસુ લાવે તેવું છે. સાથે જ, ગર્વનો અનુભવ પણ કરાવે છે.

‘કસૂંબો’નું ડિરેક્શન વિજયગીરી બાવાનું છે. અહીં દિગ્દર્શકના અનોખા પ્રયાસને વધાવવો જ રહ્યો. તેઓ ઐતિહાસિક વાર્તાને સ્ક્રિન પર દેખાડવામાં સફળ રહ્યા છે. અમુક નાની-મોટી બાબતોને નજરઅંદાજ કરતા ફિલ્મનું દિગ્દર્શક વખાણવા લાયક છે. દિગ્દર્શકે ફિલ્મમાં પ્રોડક્શન પાછળ કરેલો ખર્ચ શરુઆતથી લઈને અંત સુધી બહુ સારી રીતે જોઈ શકાય છે.

ખાસ, ફિલ્મના વિએફએક્સના વખાણ કરવા જ રહ્યાં. ગુજરાતી ફિલ્મમાં આ પ્રકારનું વિએફએક્સ પહેલી વાર જોવા મળી રહ્યું છે. આ જોઈને ચોક્કસ કહી શકાય કે, હવે ગુજરાતી ફિલ્મો પણ ધીમે-ધીમે બૉલિવૂડની બરાબરી કરી રહી છે.

મ્યુઝિક

‘કસૂંબો’ના મ્યુઝિકના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. ફિલ્મનું સૌથી મજબૂત પાસું છે તેનું સંગીત. ફિલ્મના ગીતો હોય કે બેકગ્રાઉન્ડ સ્કોર, દરેકમાં વાહ કહેવાનું મન થશે જ. મેહુલ સુરતીનું સંગીત ફિલ્મમાં હંમેશા ‘ચૅરી ઑન ધ કૅક’નું કામ કરે છે. ફિલ્મનું બીજીએમ રોમેરોમમાં જોશ અને વાર્તામાં હોશ ઉમેરે છે. ફિલ્મના બીજીએમનો પણ એક આલ્બમ હોવો જોઈએ તેવું ચોક્કસ ફિલ્મ જોયા પછી લાગશે.

ફિલ્મમાં ગીતોની વાત કરીએ તો, ફિલ્મમાં લગ્ન ગીત છે, ગરબો છે, રગેરગમાં શૌર્ય ભાવના જન્માવે તેવું ટાઇટલ ગીત છે. આમ પર્ફેક્ટ આલ્બમ છે. ફિલ્મનું મ્યુઝિક તમારા કાનને ગમશે, પણ જ્યારે તમે ફિલ્મમાં જોશો ત્યારે તેની ઇમ્પેક્ટ વધુ જણાય છે. ડાન્સની કોરિયોગ્રાફિ બૉલિવૂડના પ્રિન્સ ગુપ્તાએ કરી છે. જોકે, ડાન્સમાં એક્ટર્સ થોડા કોન્સિયશ થતા હોય તેવું લાગે છે. પરંતુ ગીત અને સંગીતને કારણે તે છુપાઈ જાય છે. ‘કસૂંબો’ના ટાઇટલ ગીતમાં ડાન્સ અને તલવારબાજીની કોરિયોગ્રાફિ બહુ સરસ કરવામાં આવી છે.

ફિલ્મ જોવી કે નહીં?

ગુજરાતી ફિલ્મોમાં એક નવો પ્રયાસ અને ભવ્ય ઐતિહાસિક ફિલ્મનો બિગ સ્ક્રિન પર અનુભવ કરવા માટે ‘કસૂંબો’ જોવાનું ચુકવું નહીં. અર્બન ગુજરાતી ઑડિયન્સને ઐતિહાસિક ફિલ્મ જેનું બેકગ્રાઉન્ડ રુરલ છે પણ તેનું અર્બન અને અદ્ભુત મેકિંગ જોવું હોય તો આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. વિઝ્યુલ ટ્રીટ કરાવતી ‘કસૂંબો’ ગુજરાતી તો શું ભારતીયોને ગર્વ કરાવે તેવી પર્ફેક્ટ ફિલ્મ છે.

film review gujarati film Vijaygiri bawa raunaq kamdar Shraddha Dangar dharmendra Raam Mori krishnadev yagnik entertainment news dhollywood news movie review rachana joshi