Interview: ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર હિતેન કુમાર હીરોના દેખાવને લઈ આ સ્ટીરીયો ટાઈપ તોડવા માગે છે

05 January, 2022 03:31 PM IST  |  Mumbai | Nirali Kalani

ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર હિતેન કુમારે તાજેતરમાં જ ધૂંઆધાર ફિલ્મથી કમબેક કર્યુ છે.

હિતેન કુમાર (ડિઝાઈન: સોહમ દવે)

મિડ-ડે ગુજરાતી ડૉટ કોમ નવા વર્ષની શરૂઆતમાં તમારા માટે પણ કંઈક નવું લઈને આવ્યું છે. વર્ષ 2022ના પ્રારંભ સાથે અમે તમારા સમક્ષ રજૂ કરીશું એ તમામ ગુજરાતી કલાકારોની જાણી અજાણી વાતો જેમને પોતાના અભિનયથી તમારા દિલમાં જગ્યા બનાવી છે. આજે આપણે વાત કરીશું `દેશ રે જોયા દાદા પરદેશ જોયા` ના રામની એટલે કે જે તે સમયમાં અનેક યુવતીઓ માટે પોતાના સપનાનો રામ બની ગયેલા સુપરસ્ટાર હિતેન કુમારની.

વર્ષ 2021ની ખાટી-મીઠી પળો

વર્ષ 2021 દરમિયાનની ખાટી-મીઠી પળો શેર કરતાં હિતેન કુમારે મિડ-ડે ડૉટ કોમને જણાવ્યું કે, ` ગત વર્ષ મારા માટે જેટલું આનંદિત અને ખુશખશાલ રહ્યું તેટલું જ દુઃખદાયક પણ રહ્યું હતું. એક બાજુ કેટલાય વર્ષો બાદ ‘ધુંઆધાર’ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં પરત ફરવાનો ચહેરા પર હરખ હતો તો બીજી બાજુ તે જ સમયે માતાને ગુમાવવાનો ઘેરો આઘાત. એ સમય ખુબ કપરો હતો. ફિલ્મનું પ્રમોશન ચાલતું હતું અને બીજી બાજુ મને આ સમાચાર મળ્યા. તેમણે કહ્યું કે, તે સમયના 15 દિવસમાં જે અસમંજસ અનુભવી છે એ જિંદગીમાં ક્યારેય નથી અનુભવી. 2021નો સપ્ટેમ્બર મહિનો, જેને મને ખુશી પણ આપી અને પીડા આપી.`

આ સ્ટીરીયોટાઈપ તોડવા માગે છે અભિનેતા

56 વર્ષીય અભિનેતાએ ધુંઆધાર ફિલ્મને લઈ પોતાનો અનુભવ શેર કરતાં ફિલ્મ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, `મેં મારા કેરિયરમાં ડ્રામા, કોમેડી, એક્શન વગેરે જોનરની ફિલ્મો કરી છે. 100થી વધુ ફિલ્મો કર્યા પછી હું કંઈક રસપ્રદ અને મેચ્યોર કન્ટેન્ટની રાહમાં હતો. એવા રોલ કરવા હતા જે આજની જનરેશન સાથે કનેક્ટ થાય. એક હીરોને હંમેશા યુવાન દેખાવાનું હોય એ સ્ટીરીયોટાઇપ હું તોડવા માગતો હતો એટલે મેં પાંચ વર્ષનો બ્રેક લીધો અને એ દરમિયાન થિએટર, ટીવી સિરિયલ કરી. મારું રાહ જોવું ફળ્યું અને ‘ધુંઆધાર’ફિલ્મ મને મળી જેને દર્શકોનો ખુબ જ પ્રેમ મળ્યો હતો. આવી સાઈકોલોજિકલ ડ્રામા ફિલ્મ આપણે ત્યાં પહેલી વખત બની છે, એટલે આ પ્રયોગ સારો રહ્યો. આ ફિલ્મથી હીરો હંમેશા યુવાન હોવો જોઈએ એ સ્ટીરીયોટાઇપ થોડા અંશે તોડી છે અને આગળ પણ આવી ફિલ્મો કરી આ સ્ટીરીયોટાઇપને સાવ તોડવા માગુ છું.`

વર્ષ 2022માં `રાડો` ફિલ્મ માટે તડામાર તૈયારી

હિતેન કુમારની આગામી ફિલ્મ `રાડો` છે. જે આ વર્ષે એટલે કે વર્ષ 2022માં રિલીઝ થશે. ફિલ્મનું નામ સાંભળીને જ એવું લાગે છે કે ફિલ્મ કંઈક નવુ લઈને આવી રહી છે. ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ થઈ ચૂક્યું છે. થોડા દિવસોમાં જ ફિલ્મ સિનેમાઘરોમાં ધમાલ મચાવી શકે છે. ફિલ્મની રિલીઝ ડેટ અંગે વાત કરતાં હિતેન કુમારે કહ્યું કે,` અમે પરિસ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોઈ રહ્યાં છીએ. જેવું બધું રાબેતા મુજબ શરૂ થશે ત્યારે ફિલ્મને દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે.` આ ઉપરાંત અભિનેતાએ તેના અન્ય આગામી પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી. હાલમાં લોકોના રગરગમાં દોડતું OTT પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં અભિનેતા જોવા મળશે તો નિર્દેશક વિજયગીરી બાવા સાથે પણ કામ કરતાં જોવા મળી શકે છે. આ સિવાય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી સંબંધિત  અનોખી ફિલ્મ`સુંગધની સાથે` માં પણ પોતાના અભિનયનો ઓજસ પાથરશે. 

ઉભરતાં કલાકારો અને ફિલ્મ કોન્સેપ્ટ પર પ્રતિભાવ

છેલ્લો દિવસ ફિલ્મે ગુજરાતી સિનેમાને નવો વળાંક આપ્યો છે. હાલમાં ઢોલિવૂડમાં અનેક નવા કલાકારોએ ડેબ્યુ કરી પોતાની ઓળખાણ બનાવી છે.  ઈન્ડસ્ટ્રીમાં ઉભરતાં કલાકારોને લઈ અભિનેતા જણાવે છે કે આજની જનરેશનનો ઉત્સાહ અને ધગશ જોઈ તેમને આનંદ થાય છે. આજના કલાકારોને અભિનયની સાથે સાથે ટેક્નોલોજીનું પણ પુરૂ જ્ઞાન છે, જે તેમના કામને વધારે શ્રેષ્ઠ બનાવે છે. આ જ કડીમાં ફિલ્મના કોન્સેપ્ટને લઈ તેમણે કહ્યું કે` હું દરેક વખતે નવા મિત્રોને કહું છું કે તમે અમદાવાદને જે ગુજરાત સમજો છો તેના કરતાં વાસ્તવિક ગુજરાતને સમજો જે શહેરથી પંદર કિલોમીટર દૂર વસે છે.  નાના નાના શહેરોમાં અને ગામડાઓમાં વસતા લોકો જ્યારે પોતાના ઈમોશન્સને ફિલ્મમાં જોતા થશે ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તમામ ફિલ્મો દરેક નાગરિકના દિલને સ્પર્શ કરશે. આપણે બજેટ કરતાં ફિલ્મના કોન્સેપ્ટ અને સ્ટોરી પર ભાર આપવો જોઈએ. કારણ કે ઘણીવાર મોટા બજેટની ફિલ્મો કંઈ કમાણી કરી શકતી નથી અને ઘણીવાર નાના બજેટમાં બનેલી શ્રેષ્ઠ વાર્તા દર્શકોના દિલને સ્પર્શ કરી જાય છે.` જેના ઉદાહરણ માટે તેમણે 21મું ટિફિનનો ઉલ્લેખ કર્યો હતો.

માતાની યાદ અને પત્ની પ્રત્યેનો પ્રેમ

માતા સાથેની વાતો વાગોળતાં અને પત્ની પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં હિતેન કુમારે કહ્યું કે, ` જીંદગીના દરેક ઉતાર-ચઢાવમાં પડછાંયાની જેમ જો મારો સાથ આપ્યો હોય તો તે છે સોનલ( તેમના ધર્મપત્ની), જેને મારી દરેક સ્થિતિને સમજી છે. હું શૂટિંગમાં હોવ કે ગમે ત્યાં બહાર હોવ ત્યારે એકલપંડે તેણે ઘરની તમામ જવાબદારી નિભાવી છે. મારી માતા સહિત પરિવારનું ખુબ ધ્યાન રાખ્યું છે.`  આ સાથે જ તેમણે કહ્યું કે `એક વાતની ખુશી છે કે વર્ષ 2021માં મોટા ભાગનો સમય મેં મારી મા સાથે વિતાવ્યો.બહુ જ બધી યાદીને ફોટોમાં સમેટી અને તે પળોને માણી હતી. આજે મેં તેમની સાથેની તમામ તસવીરો અને વીડિયો યાદી માટે જીવની જેમ સાચવીને રાખ્યા છે.`

અભિનેતા સહિત આખો પરિવાર કોરોનાની ચપેટમાં

`ધુંઆધાર` ફિલ્મના પ્રમોશન દરમિયાન કયાંક શરતચૂક થઈ ગઈ અને અભિનેતા સહિત આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. આ અંગે વાત કરતાં મૈયરમાં મનડું નથી લાગતુના અભિનેતાએ કહ્યું કે,` અમારી આખી ટીમ સહિત હું ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતો. જો કે તે સમયે મારો પરિવાર પણ મારી સાથે જ હતો. જ્યારે હું પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યો તે દરમિયાન ખબર પડી કે ઘરના તમામ સભ્યો કોરોનાથી સંક્રમિત છે. જો કે બાદમાં ઘરમાં ક્વોરન્ટાઈન થઈ ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરી થોડા દિવસોમાં જ બધા રિકવર થઈ ગયા હતાં.` 

સુપરસ્ટાર હિતેન કુમારે  `દેશ રે જોયા દાદા પરદેશ`,  `દલડુ ચોર્યુ ધીરે ધીરે`, ` મે તો પાલવડે બાંધી પ્રીત`,  `પ્રીત ઝુકે નહીં સાથે છૂટે નહીં`, ` એક વાર પિયૂને મળવા આવ`, ` મોટા ઘરની વહુ`, `ઉંચી મેડીના ઉંચા મોલ`, ` મૈયરમાં મનડું નથી લાગતુ` અને `દિકરો મારો લાડકવાયો` જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. 

 

 

 

 

 

 

 

 

entertainment news dhollywood news gujarati film Gujarati Drama