12 July, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`મહારાણી` ૧ ઓગસ્ટે રિલીઝ થશે
માનસી પારેખ (Manasi Parekh) અને શ્રદ્ધા ડાંગર (Shraddha Dangar) સ્ટારર ફિલ્મ ‘મહારાણી’ (Maharani)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ૧ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું તાજેતરમાં રિલીઝ થયેલું ટ્રેલર (Maharani Trailer Release) માનસીની આધુનિક મહિલાને કેન્દ્રમાં રાખીને બનાવેલી મનોરંજક વાર્તાની ઝલક આપે છે. મોડર્ન મૅમસાબ તેના ઘરની નોકરાણી સાથેના રમૂજી અને અનોખા સંબંધોની શોધ કરે છે તેની વાર્તા છે ફિલ્મમાં. ટ્રેલર પરથી લાગે છે કે, ફિલ્મ ખુબ જ ધમાકેદાર હશે.
અભિનેત્રી માનસી પારેખ અને નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક વિરલ શાહ (Viral Shah)ની જોડી ગોળકેરી (Golkeri) અને કચ્છ એક્સપ્રેસ (Kutch Express) જેવી સુપરહિટ ફિલ્મોથી દર્શકોનું મનોરંજ કર્યા બાદ તેમની ત્રીજી ફિલ્મ ‘મહારાણી’ દ્વારા ફરી એકવાર દર્શકોના દિલ પર રાજ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ ચોક્કસ દર્શકોના હૃદયમાં સ્થાન મેળવશે તે તેના તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલર (Maharani Trailer Release) પરથી કહી શકાય છે.
ટ્રેલરમાં જોઈ શકાય છે કે, શહેરમાં રહેતા ભારતીય પરિવારની પૃષ્ઠભૂમિ સામે સેટ કરેલી આ ફિલ્મ વાસ્તવિક જીવનના અનુભવોમાંથી લીધેલા કિસ્સાઓને ફિલ્મની વાર્તામાં ઉજાગર કરે છે, જે ઘરકામ કરતી કામવાળીની શાંત છતાં મહત્વપૂર્ણ ભૂમિકા આપણા જીવનને સ્પર્શે છે. આ વાર્તા એક સમકાલીન સ્ત્રી અને તેના ઘરની કામવાળી વચ્ચેના હૃદયસ્પર્શી અને ખાટા-મીઠા સંબંધોની વાત છે.
રમૂજ અને ભાવનાત્મક સૂક્ષ્મતાથી ભરપૂર, ટ્રેલરમાં માનસી અને તેના પરિવારને શ્રદ્ધા દ્વારા ભજવવામાં આવેલી રાણી નામની એક ઘરની નોકરાણીને નોકરી પર રાખતા દર્શાવવામાં આવ્યા છે. જેમ જેમ ટ્રેલર આગળ વધે છે, તેમ તેમ તે વાર્તાને ચતુરાઈથી બદલીને ઘરની વાસ્તવિક મહારાણી તરીકે દર્શાવે છે. રાણી - એક અણઘડ કામવાળી ઘણીવાર ઘરમાં ગડબડ કરે છે અને દર વખતે તે બહાના બનાવે છે. જોકે, રાણીને નોકરીમાંથી કાઢી મૂક્યા પછી તેમના જીવનમાં વળાંક આવે છે, જેનાથી મનોરંજક ઘટનાઓની શ્રેણી શરૂ થાય છે.
ફિલ્મ ‘મહારાણી’માં માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર સાથે ઓજસ રાવલ (Ojas Rawal) અને સંજય ગોરડિયા (Sanjay Goradia) સહિત ઘણા બધા કલાકારો છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. વાર્તા લેખક રામ મોરી (Raam Mori) અને હાર્દિક સાંગાણી (Hardik Sangani) દ્વારા લખવામાં આવી છે.
વિરલ શાહ દ્વારા નિર્દેશિત ફિલ્મ `મહારાણી` (Maharani) પેનોરમા સ્ટુડિયો મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ (Monkey God Entertainment), સમિટ સ્ટુડિયો (Summit Studios) અને એકા એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન (Eka Entertainment Production) દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહી છે. ‘મહારાણી’નું નિર્માણ કુમાર મંગત પાઠક (Kumar Mangat Pathak), અભિષેક પાઠક (Abhishek Pathak), પ્રિતેશ ઠક્કર (Pritesh Thakkar), મધુ શર્મા (Madhu Sharma) અને વિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. મુરલીધર છટવાણી (Murlidhar Chhatwani), ચંદ્રેશ ભાનુશાલી (Chandresh Bhanushali), સુચિન આહલુવાલિયા (Suchin Ahluwalia) અને માસુમેહ માખીજા (Masumeh Makhija) દ્વારા ફિલ્મનું સહ-નિર્માણ કરવામાં આવ્યું છે.
ફિલ્મ `મહારાણી` ૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ થિયેટરમાં રિલિઝ થશે.