27 June, 2025 06:57 AM IST | Mumbai | Rachana Joshi
મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ પેરેન્ટ્ નહીં પણ ‘કોફીપ્રેન્યોર’ બનવાના છે તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે પહેલાં જ કહ્યું હતું
ઢોલિવુડ (Dhollywood) કપલ મલ્હાર ઠાકર (Malhar Thakar) અને પૂજા જોષી (Puja Joshi) સોશ્યલ મીડિયા (Social Media) પર છેલ્લા કેટલાક દિવસથી બહુ ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે મલ્હાર ઠાકર અને પૂજા જોષી (#MaJa)એ શૅર કરેલા ગુડ ન્યુઝ. કપલે થોડાક દિવસ પહેલા જ કહ્યું હતું કે, તેમના જીવનમાં નવી એન્ટ્રી થઇ રહી છે. ત્યારથી ફેન્સ એવી અટકળો લગાવી રહ્યાં હતા કે, મલ્હાર અને પૂજા પેરેન્ટ્સ બનવાના છે અને તેમની લાઇફમાં બાળકની એન્ટ્રી થવાની છે. જોકે, આજે મલ્હાર અને પૂજાએ જાહેરાત કરી છે કે, ખરેખર તેમના જીવનમાં કોણ આવવાનું છે. આ સાથે જ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ એ જે કહ્યું હતું તે સાચું પડ્યું છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીના ગુડ ન્યુઝ છે, અમદાવાદ (Ahmedabad)માં નવા કૅફેની શરુઆત.
મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ આજે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સોમવારે એક પોસ્ટ શૅર કરી હતી. જેમાં કપલે તેમના જીવનમાં કંઈક નવું થઈ રહ્યું છે અને તેમની મીઠી નાની દુનિયા હવે બેથી ત્રણની થઈ રહી હોવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ લોકો અટકળો લગાવી રહ્યાં હતા કે તેઓ પેરેન્ટ્સ બનવાના છે અને તેમના જીવનમાં બાળક આવવાનું છે. પણ પોસ્ટમાં તેઓ માતા-પિતા બનવાના છે એવી ચોખવટ ક્યાંય જ કરી પણ નહોતી. એ સમયે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ (gujaratimidday.com)એ કહ્યું હતું કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ પોસ્ટમાં ચોખવટ નથી કરી કે તેઓ બાળકના પેરેન્ટ્સ બનવાના છે. કપલ પેરેન્ટ્ નહીં પણ ‘કોફીપ્રેન્યોર’ એટલે કે કોફી બિઝનેસમાં કંઈક નવું લાવશે અને ખરેખર એવું જ થયું. કપલે આજે જાહેરાત કરી છે કે તેઓ અમદાવાદમાં નવું કેફે ખોલવાના છે.
આજે મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યુઝ શૅર કરતા લખ્યું કે, ‘તમે બધા જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે! અમારા હૃદય ઉત્સાહથી છલકાઈ રહ્યા છે કે આખરે અમારા બાળકનું અનાવરણ થશે અને સ્વપ્ન સાકાર થશે: @Kooffeecafe - એક હૂંફાળું કૅફે જે કોફીના જાદુ અને ગુજરાતી સિનેમાના સમૃદ્ધ વારસાને હૃદયપૂર્વક સેલિબ્રેટ કરશે. આ અદ્ભુત નવા પ્રકરણની શરૂઆત કરતી વખતે અમારી સાથે ઉજવણી કરો. તમારો સાથ એટલે આખી દુનિયા, અને અમે તમારા અદ્ભુત ઉર્જાથી ઘેરાયેલા અમારા જન્મદિવસના દિવસને વધુ સારી રીતે કલ્પના કરી શકતા નથી!’
આ સાથે જ મલ્હાર અને પૂજાએ તેમના કૅફેનું સરનામું શૅર કર્યું છે. ફેન્સને ૨૮ જુને તેમના જન્મદિવસે Meet & Greet માટે આવવાનો આગ્રહ પણ કર્યો છે. સાથે જ લખ્યું છે કે, ‘તમે બધા જોડાઓ, પ્રેમ વહેંચો, અને ચાલો નવી શરૂઆત (અને સ્વાદિષ્ટ કોફી!) માટે ટોસ્ટ કરીએ. અમે તમને ત્યાં જોવા માટે ઉત્સુક છીએ!’
ઢોલિવુડ સેલેબ્ઝ મલ્હાર ઠાકર અને પૂજા જોષીને તેમના `ન્યુ બેબી` કૅફે માટે શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યાં છે.
કપલના આ પોસ્ટ સાથે જ ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે અને ખબર પડી ગઈ છે કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષીના જીવનમાં આવનાર નવું મહેમાન કોણ છે! તમને જણાવી દઈએ કે, મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ ગયા વર્ષે ૨૬ નવેમ્બરના રોજ અમદાવાદમાં ધામધુમથી લગ્ન કર્યા હતા.