મલ્હાર ઠાકર અને પૂજા જોષી કરશે લગ્ન? આ છે મુહૂર્ત અને સમય…

29 November, 2023 02:00 PM IST  |  Mumbai | Rachana Joshi

તો જાનૈયાઓ થઈ જાઓ તૈયાર… આવતા વર્ષે જોડાશે અર્બન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની જાન

મલ્હાર ઠાકર અને પૂજા જોષી (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

અર્બન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) ઇન્ડસ્ટ્રીના મોસ્ટ વોન્ટેડ બેચલર છે. આ બેચલર એક્ટર સિંગલમાંથી મિંગલ ક્યારે થશે તેની રાહ દરેક ગુજરાતી છોકરી જોઈ રહી છે, ત્યારે અભિનેતા મલ્હાર ઠાકરે તેના લગ્નની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતે છોકરીઓના દિલના ધબકારા વધારી દીધા છે. મલ્હાર ઠાકરના સપનાંઓની રાણી કોણ છે, તે કોની સાથે લગ્ન કરશે, ક્યારે પરણશે એ જાણવાની સહુને ઉતાવળ છે. આ બધું જાણવા માટે ફેન્સે માત્ર થોડીક રાહ જોવી પડશે. કારણકે મલ્હાર ઠાકરના લગનનું મુહૂર્ત આવી ગયું છે અને વરરાજાની લાડી બીજી કોઈ નહીં પણ છે અર્બન ગુજરાતી ફિલ્મોની સુંદર અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi).

થોડીક ધીરજ અને હૈયા પર પથ્થર રાખો. કારણકે મલ્હાર ઠાકર અને પૂજા જોષી રિયલમાં નહીં પણ રિલ લાઇફમાં લગ્ન કરવાના છે. કારણકે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ (Lagan Special)ની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે.

મલ્હાર ઠાકર અને પૂજા જોષી સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ આવતા વર્ષે બીજી ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની છે. પોતાના લગ્નનું આમંત્રણ આપતો વીડિયો મલ્હાર ઠાકરે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. જેમાં તેણે સહુને લગનમાં મ્હાલવા, નાચવા અને આર્શિવાદ આપવા બોલાવ્યા છે.

એટલું જ નહીં મલ્હાર ઠાકરે ફિલ્મ અનાઉન્સમેન્ટના અંતમાં એમ પણ કહ્યું છે કે, ‘સ્ટે ટ્યુન્ડ… તૈયાર રહેજો.’ અનાઉન્સમેન્ટ વીડિયો પરથી ખબર પડે છે કે, આ એક પારિવારિક કૉમેડી ફિલ્મ હશે. જેની વાર્તા ફિલ્મના મુખ્ય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષીના લગ્નની આસપાસ ફરતી હશે. ફિલ્મની તારીખ સિવાય વધુ કંઈ માહિતી હજી સુધી જાહેર કરાઈ નથી.

ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’માં મલ્હાર ઠાકર અને પૂજા જોષીની સાથે મિત્ર ગઢવી (Mitra Gadhvi), નિજલ મોદી (Nijal Modi), રાગી જાની (Ragi Jnai), કલ્પના ગાગડેકર ચારા (Kalpna Gagdekar Chara), અર્ચન ત્રિવેદી (Archan Trivedi) અને પૌરવ શાહ (Paurav Shah) પણ છે.

‘લગન સ્પેશ્યલ’ ફિલ્મનું દિગ્દર્શન ગુજરાતી ફિલ્મોની અદ્ભુત બેલડી રાહુલ ભોલે (Rahul Bhole) અને વિનિત કનોજિયા (Vinit Kanojia)એ કર્યું છે. જ્યારે લેખન સૂરજ બરાલિયા (Suraj Baraliya)નું છે. ફિલ્મને પ્રોડ્યુસ જીગર ચૌહાણ (Jeegar Chauhan) અને મલ્હાર ઠાકરે કરી છે.

ફિલ્મનું એક ગીત ‘ઝૂલણ મોરલી વાગી રે…’ આ વર્ષે નવરાત્રી દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ગીત જોયા પછી મલ્હાર ઠાકર, પૂજા જોષીને ફિલ્મમાં જોવા માટે પણ ફેન્સ ઉતાવળાં થયાં છે. પૂજા જોષી અને મલ્હાર ઠાકરની વાત કરીએ તો બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર અને પૂજાએ સાથે બે વૅબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વૅબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કૅમેસ્ટ્રી ખુબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. હવે તેઓ આવતા વર્ષે રિલીઝ થનારી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’માં ફરી એકવાર સાથે જોવા મળશે.

Malhar Thakar puja joshi Mitra Gadhvi gujarati film upcoming movie dhollywood news entertainment news rachana joshi