આ તો નાગાઈ કેહવાય! હવે કેસરિયા કરવાનો સમય આવી ગયો છે... મલ્હાર ઠાકરે કોને માર્યો ટોણો?

21 April, 2024 04:22 PM IST  |  Mumbai | Karan Negandhi

કદાચ ગુજરાતી નિર્માતાઓએ આ વણકહેલો નિયમ બનાવી દીધો છે કે એક દિવસે એક જ ફિલ્મ રિલીઝ કરવી - ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે (Malhar Thakar) તાજેતરમાં મૂકેલી સ્ટોરી જોઈને તો આવું જ લાગે છે

મલ્હાર ઠાકરની ફાઇલ તસવીર

કોરોનાકાળ બાદથી ઢોલિવૂડમાં અઢળક સુપરહિત ફિલ્મો બની છે. દર મહિને ૨-૩ ગુજરાતી ફિલ્મો (Gujarati Film) રિલીઝ થઈ રહી છે, ત્યારે નિર્માતાઓ દર્શકોને આકર્ષવાની હોડમાં છે. જોકે, એક જ દિવસે બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય એવું તો ભાગ્યે જ બન્યું છે. કદાચ ગુજરાતી નિર્માતાઓએ આ વણકહેલો નિયમ બનાવી દીધો છે કે એક દિવસે એક જ ફિલ્મ રિલીઝ કરવી - ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે (Malhar Thakar Recent Post) તાજેતરમાં મૂકેલી સ્ટોરી જોઈને તો આવું જ લાગે છે.

ઢોલિવૂડના સમાચારો પર નજર રાખતા ‘ધ ફિલ્મી બોકસ’એ એક પોસ્ટ શેર કરી છે, જેમાં મલ્હારે શેર કરેલી સ્ટોરીનો સ્ક્રીનશૉટ મૂક્યો છે. સ્ટોરીમાં મલ્હારે (Malhar Thakar Recent Post) લખ્યું છે કે, “ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવો વળાંક આવ્યો!! ‘અમે તારીખ એનાઉન્સ કરી એટલે અમે પહેલા અને ઈ તારીખ અમારી!!’ હવે આમાં અમે મોડી એનાઉન્સ કરીએ તો પાછા પોતાને મહાન ગણતા ઈન્ડસ્ટ્રીના ગજકેસરીઓ કૂદતાં-કૂદતાં આવતા નહીં કે ‘આ તો નાગાઈ કેહવાય ને આતો ના ચાલે ને, ઈન્ડસ્ટ્રીના હિતમાં નથી ને બધું, વગેરે વગેરે.”

આ પોસ્ટ પર કૉમેન્ટ કરતાં મલ્હાર ઠાકરે (Malhar Thakar Recent Post) લખ્યું છે કે, “હવે કેસરિયા કરવાનો વખત આવી ગયો છે!!” આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, “ગુજરાતી ફિલ્મો આવા ડખ્ખામાંથી જ ઊંચી નથી આવતી. સારી ફિલ્મો બનાવો, યોગ્ય માર્કેટિંગ કરો, ફિલ્મમેકર્સ સંપીને રહે તો કંઈ વાંધો આવવાનો જ નથી. મલ્હાર હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મથામણ કરી રહ્યો છે.” જોકે, કેટલાક લોકો આ મામલે મલ્હારનો પક્ષ લેતા પણ જોવા મળ્યા. મલ્હારની કૉમેન્ટનો રિપ્લાય કરતાં એક યુઝરે લખ્યું કે, “ફિલ્મો સારી બને છે એટલે અમુક મહાનુભાવોને આંખમાં ખૂંચે છે... મરચા લાગતા હોય કે અમારા કરતા આગળ નીકળી જશે... એટલે આ ફિલ્મોની રિલીઝ ડેટ પાછળ ખસેડવા પ્લાનિંગ કરતા હોય... કઈ નહિ ભાઈ આપડે પત્તર ફાડી નાખશું...”

અન્ય એક યુઝરે લખ્યું કે, “સુંદર વિષય અને યોગ્ય માવજત સાથે ફિલ્મ બનતી હોય તો આ તારી-મારી ફિલ્મ રિલીઝ ડેટ્સનો વિષય જ ના હોય... બાકી સૌ‌ જાણે છે... કઈ લોબી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પત્તર ખાંડી રહી છે.”

નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં જ ફિલ્મ ‘કમઠાણ’ અને ‘લગ્ન સ્પેશ્યલ’ બંને ફિલ્મો ૨ ફેબ્રુઆરીના રિલીઝ થવાની હતી. જોકે, બાદમાં લગ્ન સ્પેશ્યલની રિલીઝ ડેટ એક અઠવાડિયું પાછળ ધકેલીને ૯ ફેબ્રુઆરી કરવામાં આવી હતી. ફેન્સને મલ્હારની આ ઇન્સ્ટા સ્ટોરી જોઈને અનુમાન લગાવી રહ્યા છે કે મલ્હારની આવનાર ફિલ્મની રિલીઝ ડેટ ફરી કોઈ ફિલ્મ સાથે ક્લેશ થવા જઈ રહી છે કે કેમ?

Malhar Thakar gujarati film Regional Cinema News dhollywood news entertainment news karan negandhi