19 May, 2025 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બે અલગ વિશ્વની સ્ત્રીઓ કઈ રીતે પોતાની ઓળખ બનાવવામાં એકબીજાનો ટેકો બને છે તેની સંવેદનશીલ વાર્તા છે ફિલ્મ મહારાણી
ગોળકેરી અને કચ્છ એક્સપ્રેસ જેવી ફિલ્મોમાં લોકોનાં મન મોહી લીધા પછી હવે એક્ટર માનસી પારેખ અને ડાયરેક્ટર વિરલ શાહની જોડી દર્શકો માટે તેમની આગામી ગુજરાતી ફિલ્મ – ‘મહારાણી’ (Maharani) લાવી રહ્યાં છે. આ એક સ્લાઇસ ઑફ લાઈફ સોશ્યલ કૉમેડી ફિલ્મ છે જેમાં રમૂજ, ઉષ્મા અને સંવેદનાઓ ભરપુર છે. 1લી ઑગસ્ટ 2025ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં શ્રધ્ધા ડાંગર ઘરકામ કરતી જોશીલી સ્ત્રીના રોલમાં છે. તેના આ પાત્રને માનસીના પાત્ર સાથે ખડખડાટ હસાવે અને ઉમળકાનો અનુભવ પણ કરાવે એવા સમીકરણ છે. માનસીનું પાત્ર એક ગૃહિણીનું છે જેને પોતાની ઓળખ ખડી કરવાની ચાહ છે તો સાથે ઘરની જવાબદારીઓનું સંતુલન પણ કરવાનું છે. ફિલ્મમાં ઓજસ રાવલ, સંજય ગોરડિયા જેવા ધુંઆધાર અભિનેતાઓ છે તો ફિલ્મને જાણીતા લેખક રામ મોરી અને એક્ટર રાઈટર હાર્દિક સાંગાણીની કલમે નિખારી છે. સંગીત પાર્થ ભરત ઠક્કરનું છે.
પેનોરમા સ્ટુડિયો પ્રસ્તુત આ ફિલ્મ (Maharani)ને મંકી ગોડ એન્ટરટેઇનમેન્ટ, સમિટ સ્ટુડિયોઝ અને એકા એન્ટરટેઇનમેન્ટનો સહાકાર પણ છે. મહારાણી ફિલ્મ એક તાજગીસભર, પારિવારિક ફિલ્મ છે જેમાં સરપ્રાઇઝ, કટાક્ષ અને સંવેદનાઓ છલોછલ છે. શૈતાન, પ્યાર કા પંચનામા અને રેઇડ 2 જેવી ફિલ્મોને ટેકો આપ્યા પછી કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક તેમના આ વાઇબ્રન્ટ ગુજરાતી પ્રોજેક્ટને લઈને ઉત્સાહમાં છે. તેમણે આ ફિલ્મ અંગે કહ્યું કે, “પેનોરમા સ્ટુડિયોઝમાં અમે વાર્તાની તાકાતને મહત્વ આપીએ છીએ, એવી વાર્તાઓ જે જમીન સાથે જોડાયેલી હોય પણ છતાંય બધાંની સંવેદનાને સ્પર્શે. મહારાણી પણ એક એવી ફિલ્મનું દ્રષ્ટાંત છે જે સાબિત કરશે કે ગુજરાતી ફિલ્મો સતત બદલાઈ રહી છે, વિકસી રહી છે અને નવા ચીલા ચાતરી રહી છે. વિરલ શાહના દિગ્દર્શન અને અફલાતુન કાસ્ટને પગલે આ એક સંપૂર્ણ મનોરંજક ફિલ્મ બની રહેશે અને તેની સાથે જોડાવાનો અમને ગર્વ છે.”
Maharani: દિગ્દર્શક વિરલ શાહ જેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાઠું કાઢ્યું છે તેમણે કહ્યું કે, “એક ઘરની અંદર જે નાજુક સમીકરણો હોય છે તે દર્શાવવાનો પ્રયાસ મેં મહારાણીમાં કર્યો છે. બે સ્ત્રીઓ જે અલગ અલગ વિશ્વની હોય પણ છતાંય એક-બીજાની જિંદગીની આકાર આપવામાં અણધાર્યો ફાળો આપે એ કેટલી મજાની વાત છે.” ફિલ્મમાં વિરલ શાહે વર્કિંગ મોમ અને ઘરકામ કરતી બાઈ વચ્ચેની કડી દર્શાવવાનું કામ કર્યું છે. શહેરી પૃષ્ઠભૂમિ ધરાવતી આ ફિલ્મમાં સ્ત્રીત્વ, દોસ્તી, કામના સ્થળની સમસ્યાઓ અને ઘરેલુ જિંદગીની હાસ્યાસ્પદ પણ છતાં ય સાવ સાચી સ્થિતિઓને વણી લેવાઈ છે.
મુખ્ય અભિનેત્રી માનસી પારેખનું કહેવું છે કે, “આ વાર્તા મારા હ્રદયની બહુ નજીક છે. ગુજરાતી સિનેમા એક બહુ જોરદાર તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે મને એવી ફિલ્મનો હિસ્સો હોવાનો રોમાંચ છે જે સંવેદનશીલ છે અને મનોરંજક પણ છે. ફિલ્મ મહારાણી એ વાતની યાદ અપાવશે કે તાકાત તમારા સુધી અનેક પદ્ધતિઓમાં પહોંચી શકે છે – ઘણીવાર તો રોજિંદી ઘટમાળ થકી જ જેમાં તમે તેને ઓળખી નથી શકતા.”
અન્ય પ્રોડ્યુસર તરીકે ડાયરેક્ટર વિરલ શાહ સાથે પ્રિતેશ ઠક્કર અને મધુ શર્મા પણ જોડાયા છે જેમણે આ પહેલાં ગુજરાતી, મરાઠી, ભોજપુરી અને અન્ય પ્રાદેશિક ફિલ્મોને ટેકો આપ્યો છે. તેમને ખાતરી છે કે મહારાણી ફિલ્મ (Maharani) દરેક વય અને સ્તરનાં લોકોને ગમશે. કો-પ્રોડ્યુસર તરીકે મુરલીધર છટવાણી, ચંદ્રેશ ભાનુશાળી, સચીન અહલુવાલિયા, માસુમેશ મખીજા ફિલ્મ સાથે સંકળાયેલા છે.
ધુંઆધાર અભિનેતાઓ, ધારદાર લેખન અને અનોખી વાર્તા જોતાં લાગે છે કે મહારાણી દર્શકોના દિલ જીતશે.