24 April, 2025 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
NCPA
લોકપ્રિય ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ ‘વસંત’ ૨૫થી ૨૭ એપ્રિલ દરમ્યાન નરીમાન પૉઇન્ટના નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ (NCPA)માં ફરી યોજાઈ રહ્યો છે જેમાં મૌલિક, પ્રાયોગિક અને વિચારોત્તેજક નાટકોની ભજવણી થશે. ૨૦૧૧માં ‘વસંત’ ફેસ્ટિવલ શરૂ થયો ત્યારથી એણે બિનપરંપરાગત ગુજરાતી રંગભૂમિને સતત પ્રોત્સાહન આપ્યું છે.
ફેસ્ટિવલની શરૂઆત પ્રસિદ્ધ દિગ્દર્શક મનોજ શાહની નવી કૃતિ ‘ક્લીન બોલ્ડ’ના પ્રીમિયર સાથે સાંજે ૭.૩૦ વાગ્યે થશે. વિવાદાસ્પદ સુધારાવાદી, નારીવાદી વૅલેરી સોલાનસના પુસ્તક ‘સ્કમ મૅનિફેસ્ટો’થી પ્રેરિત આ નાટકના કેન્દ્રસ્થાને વિજી નામની નાયિકા છે જે પુરુષોની મહિમામંડિત છબિનું ખંડન ઐતિહાસિક અને સાંપ્રત પ્રસંગોના માધ્યમથી કરે છે. આ કૃતિ વૅલેરી સોલાનસની મનોવેદના અને એના ઉશ્કેરાટની ગુજરાતી પરિપ્રેક્ષ્યમાં અનોખી પરિકલ્પના કરે છે.
બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે જાણીતા રંગકર્મી સૌમ્ય જોશીની પ્રસ્તુતિ ‘થોડી કવિતા થોડું નાટક થોડાં ગીતો’થી કાવ્યાત્મક અને સંગીતમય સાંજ બનશે. આ રજૂઆતમાં બોલાતા શબ્દો, કવિતા અને સંગીતનું મિશ્રણ છે; જેમાં મોસમ અને મલકા મહેતા શાબ્દિક તો જિગર શાહ સંગીતમય પેશકશ કરશે.
બીજા દિવસે ૭.૩૦ વાગ્યે અન્ય એક નોંધપાત્ર કૃતિ ‘પત્રમિત્રો’ રજૂ થશે, એક એવી કથા જે પત્રોના માધ્યમથી કહેવાય છે. એ. આર. ગર્નીની અપ્રતિમ રચના ‘લવ લેટર્સ’નું નૌશીલ મહેતાએ કરેલું આ ગુજરાતી રૂપાંતર છે. આ નાટક કલ્પના અને જવાહરના જીવનભરના પત્રવ્યવહારને અનુસરે છે; જેમાં પ્રેમ, કચાશ અને સ્વતંત્રતા પછીના ભારતનાં રાજકીય પરિવર્તનોના મુદ્દા ઉજાગર થાય છે.
ત્રીજા દિવસની શરૂઆત સવારે ૧૧ વાગ્યે નાટ્યકાર અને સ્ક્રીનરાઇટર અમાત્ય ગોરડિયાની ‘ધ ફન્ડામેન્ટલ્સ ઑફ રાઇટિંગ’ વર્કશૉપ સાથે થશે. ઊભરતા લેખકો માટેનું આ ઇન્ટરરૅક્ટિવ સેશન વાર્તાકથનના વિચારોને સુગ્રથિત અને માણવાલાયક વાર્તામાં ઢાળવા પર કેન્દ્રિત છે.
ફેસ્ટિવલ બપોરે ૪ વાગ્યે ‘થ્રી મેન’ની રજૂઆત સાથે આગળ વધશે, જે અંકિત ગોર લિખિત-દિગ્દર્શિત કૃતિ છે. આ ડાર્ક કૉમેડી અને વિચારોત્તેજક રચના પુરુષત્વ, ભાવનાત્મક દમન અને સહોદર તણાવની ચર્ચા કરે છે. કથાના કેન્દ્રમાં વિખૂટા પડેલા બે સાવકા ભાઈઓ પિતાના મૃત્યુ પછી ફરી મળે છે એ મુદ્દો છે.
આ વર્ષે ‘વસંત’માં સબળ નારીલક્ષી કથાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સૌમ્ય જોશી સર્જિત, જિજ્ઞા વ્યાસ અભિનીત એકપાત્રી ‘ઓહ વુમનિયા!’ આકાર લે છે મુંબઈ જતી ટ્રેનમાં, જેમાં એક સહજ લાગતો વાર્તાલાપ અનપેક્ષિત વળાંક લે છે. ઇસ્મત ચુગતાઇની એક વાર્તા અને વાસ્તવિક ઘટનાથી પ્રેરિત આ કૃતિનું મંચન કલારિપયટ્ટુનાં મૂળ ધરાવતી નૃત્યસભર રજૂઆતથી ખીલે છે, જેનું સર્જન ડી. પદ્મકુમાર (પપ્પન ડાન્સ કંપની)એ કર્યું છે. સાંજે સાડાપાંચ વાગ્યે.
ફેસ્ટિવલનું સમાપન વિપુલ મહેતાના નાટક ‘એકલવ્ય’ સાથે થશે, જે એક સાઇબર સુરક્ષા રિક્રૂટર વિશેનું સમયોચિત અને દમદાર નાટક છે, જે ધારાવીના આપબળે કોડિંગ શીખનારા એક જણને શોધે છે. વ્યસન અને ગુનાહિત ભૂતકાળથી લડતો એ યુવાન એકલવ્યના પાત્રનું પ્રતિબિંબ ઝળકાવતાં જ્ઞાનપિપાસા અને પોતાની ઓળખ બનાવવાની ઝંખના રજૂ કરે છે. આ નાટક માર્ગદર્શન, પુનર્વસન અને મોક્ષની ઊંડી માનવીય ખેવનાના ઊંડાણને દર્શાવે છે. સાંજે ૭.૧૫ વાગ્યે.