મારી પ્રથમ રિલેશનશિપ હજી પણ લોકો માટે મિસ્ટરી છે : મલ્હાર ઠાકર

31 July, 2022 01:59 PM IST  |  Mumbai | Harsh Desai

‘હિટ’ શબ્દ સાંભળીને ચહેરા પર સ્માઇલ આવી જતાં આ ઍક્ટર સાથે કૉફી અને ફિલ્મો વિશેની વાત કરવાથી તેનું અટેન્શન જલદી મેળવી શકાય છે

મારી પ્રથમ રિલેશનશિપ હજી પણ લોકો માટે મિસ્ટરી છે : મલ્હાર ઠાકર

મલ્હાર ઠાકર. ગુજરાતી મનોરંજનની દુનિયાની એક એવી વ્યક્તિ જેને કોઈ ઓળખતું ન હોય એવું ન બને. મનોરંજનની દુનિયા એટલા માટે કે નાટક, ફિલ્મો અને હવે વેબ-સિરીઝમાં પણ જોરદાર વર્ચસ જમાવી રહ્યો છે. મલ્હાર ઠાકરની વેબ-સિરીઝ ‘વાત વાતમાં’ની બીજી સીઝન હાલમાં સ્ટ્રીમિંગ સર્વિસ શેમારુમી પર રિલીઝ થઈ છે. આ વેબ-શો જ નહીં, પરંતુ મલ્હારની ઘણી ફિલ્મો પણ આજે આ શેમારુમીમાં પણ જોવા મળી રહી છે. મલ્હારનો જન્મ ૧૯૯૦ની ૨૮ જૂને થયો હતો. તેની છેલ્લી ફિલ્મ ‘વિકીનો વરઘોડો’ પણ હાલમાં રિલીઝ થઈ હતી અને હજી તેના ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના આ સ્ટાર સાથે કરેલી વાતચીત વિશે જોઈએ :
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવશો?
હું પોતાને હૅપી સોલ, મૅજિકલ, ડેડિકેટેડ, પ્યૉર અને એન્થુઝિયાસ્ટિક આ પાંચ શબ્દો દ્વારા વર્ણવીશ.
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
હું જ્યારે ‘હિટ’ શબ્દ સાંભળું છુંને ત્યારે મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને મને ડર એ વાતનો છે કે આ બધું મારી પાસેથી કોઈ દિવસ જતું તો નહીં રહેને.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જશો અને કેમ?
મારા સ્ટ્રગલિંગના દિવસોમાં મેં ઘણીબધી નાની-નાની જગ્યાઓને એક્સપ્લોર કરી હતી. હું એમાંની કોઈ પણ સરસ જગ્યાએ કોઈને ડેટ પર લઈ જઈશ અને મારી એ જૂની યાદોને ફરી વાગોળીશ. મને એમાં વધુ મજા આવે છે.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરો છો?
મારો સૌથી વધુ ખર્ચ થાય છે ચશ્માં લેવામાં. જોકે હવે મને શૂઝનો પણ નવો શોખ ઊપડ્યો છે.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
મારું અટેન્શન મેળવવું હોય તો તે વ્યક્તિએ કૉફી અને ફિલ્મો વિશે વાત કરવી જોઈએ અને એક સાફ દિલથી આપેલી સ્માઇલથી પણ મારું અટેન્શન મેળવી શકાય છે.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તમારી ઇચ્છા છે?
આ માણસ ખૂબ અદ્ભુત છે. આવું કહેવું અને મને હંમેશાં લોકો એવી જ રીતે યાદ રાખે એવી મારી ઇચ્છા છે.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ?
મારા ફૅન્સ દ્વારા સૌથી અઘરી વસ્તુ કહું તો મારું ગળી પકડીને, મારી બોચીને બરાબર પકડીને મારી સાથે સેલ્ફી લીધો હતો એ મારા માટે સૌથી વિચિત્ર વાત હતી. જોકે એ મારા માટે સ્પેશ્યલ પણ હતું. એ સિવાય લોકોએ મારાં ટૅટૂ પણ ચીતરાવ્યાં છે અને મારા સ્કેચ પણ મને ગિફ્ટ કર્યાં છે એ પણ મારા માટે ખૂબ સ્પેશ્યલ છે.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
મારી યુઝલેસ ટૅલન્ટ હાલમાં જે બધી ગેમ્સ બંધ કરી દેવામાં આવી છે એ છે. એમાં હું માસ્ટર છું અને ઘણો સ્કોર બનાવી શકું એમ છું.
પહેલી જૉબ કઈ હતી?
હું નાટક-ઇન્ડસ્ટ્રીની વાત કરું તો મારી પહેલી જૉબ એક અવૉર્ડ ફંક્શનમાં હતી. એમાં હું અસિસ્ટ કરી રહ્યો હતો અને મારું કામ આર્ટિસ્ટને બોલાવવાનું હતું. તો એ મારું પહેલું કામ હતું એમ કહી શકાય.
ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવી રાખ્યાં હોય?
જૂના કુર્તા અને લહેંગા મેં હજી સાચવી રાખ્યા છે. મારા નવરાત્રિનાં કેડિયાં પણ મેં હજી સાચવી રાખ્યાં છે.
સૌથી ડેરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મારું સૌથી ડેરિંગવાળું કામ તો એ જ છે કે હું ‘છેલ્લો દિવસ’ દ્વારા કૉમેડીથી મને લોકપ્રિયતા મળી. મને લોકોએ કૉમેડી દ્વારા ઓળખ્યો, પરંતુ મેં તરત જ સિરિયસ ફિલ્મ ‘થઈ જશે’ કરી. મારા માટે એ ડેરિંગ હતી.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તે એક મિસ્ટરી બનાવી રાખી છે?
આમ તો મારું બધું ઓપન જ છે. મિસ્ટરી જેવું મેં કંઈ રાખ્યું નથી. જોકે મારી એક રિલેશનશિપ હતી. બહુ લોકોને એ વિશે ખબર જ નથી એ વ્યક્તિ કોણ હતી. ક્યાં આવી. ક્યારે ગઈ. કેટલાં વર્ષો અમે સાથે રહ્યાં એ વિશે કોઈને ખબર નથી તો આ હજી પણ એક મિસ્ટરી કહી શકાય.

dhollywood news entertainment news Malhar Thakar gujarati film